દિલ્હીથી આવેલા નિષ્ણાંતોની હાઈપાવર કમિટીએ વિસ્તારોનો અભ્યાસ કર્યો
કચ્છના વિશ્વવિખ્યાત ભાતીગળ બન્ની પ્રદેશમાં ચિત્તાઓના પુન:વસન માટેના મહત્વાકાંક્ષી પ્રકલ્પ અંતર્ગત કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગની ટીમ દ્વારા આખરી તબક્કાનું નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. એશિયાના સૌથી મોટા ગણાતા બન્નીના ઘાસિયા મેદાનમાં હવે ટૂંક સમયમાં જ ચિત્તાઓના આગમનના ભણકારા વાગી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હીથી આવેલી નિષ્ણાતોની હાઈ-પાવર કમિટીએ બન્નીના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ ટીમે ચિત્તાઓના વસવાટ માટે જરૂરી ખોરાક (શિકારની ઉપલબ્ધતા), પાણીના સ્ત્રોત અને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ કરી હતી. નિષ્ણાતોના મતે બન્નીનું વાતાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિ ચિત્તાઓને સાનુકૂળ હોવાનું જણાયું છે.
વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બન્નીમાં ફેન્સિંગ અને ’સોફ્ટ રિલીઝ’ માટેના એન્ક્લોઝર બનાવવાની કામગીરી પણ પ્રગતિમાં છે. પ્રકલ્પના ભાગરૂપે સ્થાનિક માલધારી સમુદાય સાથે પણ પરામર્શ કરવામાં આવ્યો છે, જેથી પશુપાલન અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાઈ રહે.
આ ફાઈનલ ઇન્સ્પેક્શનના અહેવાલ બાદ કેન્દ્ર સરકાર દ્વારા ચિત્તાઓને લાવવા માટેની તારીખ અને અન્ય પ્રક્રિયાઓ પર અંતિમ મહોર મારવામાં આવશે. જો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો કચ્છનું પ્રવાસન ક્ષેત્ર વિશ્વ સ્તરે એક નવી ઊંચાઈ હાંસલ કરશે અને લુપ્ત થયેલી આ પ્રજાતિને ભારતમાં ફરીથી નવું સરનામું મળશે.