Jai Hind

હજુ ત્રણ દિવસ આકાશમાંથી અગનવર્ષા થશે સુરેન્દ્રનગર 45.5 ડિગ્રીએ સૌથી ગરમ શહેર

કંડલામાં 45.4, અમરેલીમાં 44.3, રાજકોટમાં 43.3 ડિગ્રીએ ધગધગ્યા: રાજયમાં પાંચ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર: આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટ

રાજય ભીષણ ગરમીની લપેટમાં આવ્યું છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છ હીટવેવની ઝપેટમાં આવ્યું છે. તેમજ તા.15મે સુધી ભીષણ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તા.12ના રોજ રાજયમાં રેકોર્ડ બ્રેક ગરમીની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ કરી છે. તેમજ આજે મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 44 ડીગ્રીને પાર થશે અને સુરેન્દ્રનગર, કંડલા, ભુજ, રાજકોટમાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર જવાની હવમાન વિભાગે આશંકા વ્યકત કરી છે.
ભારતીય હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર મોટાભાગના સેન્ટરોમાં મહતમ તાપમાન નોર્મલ કરતા દોઢથી બે ડિગ્રી વધુ છે. રાજકોટ જેવા સેન્ટરમાં ત્રણ ડિગ્રી વધુ છે. હવે તે વધીને 45 ડિગ્રીને પાર થશે. સાંજે મામુલી રાહત મળે તેમ છે. ન્યુનતમ તાપમાન પણ નોર્મલ કરતા બેથી ત્રણ ડિગ્રી વધુ છે. એપ્રિલ અને મેના પ્રારંભમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે નગરજનોને થોડી રાહત મળી હતી. પરંતુ હવે આગામી પાંચ દિવસ સુર્યના પ્રકોપથી કોઇપણ પ્રકારની રાહત મળશે નહીં.
રાજયના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છમાં આગામી પાંચ દિવસ ભીષણ ગરમી પડશે. તા.12થી 15 સુધી સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 44થી 46 ડિગ્રીની આસપાસ રહેશે. સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, અમરેલી, દ્વારકા, બોટાદમાં હીટવેવની સ્થિતિ રહેશે.
સોમવારે સૌરાષ્ટ્ર-કચ્છ હીટવેવની ઝપેટમાં આવ્યું હતું. સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જયારે કંડલમાં 45.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં 44.3 અને રાજકોટમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે અમદાવાદમાં 44.3 અને ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આમ રાજયના પાંચ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થયો છે. બપોરના સમયે આકાશમાંથી અગનવર્ષા થતા રસ્તાઓ સુમસામ બન્યા હતા. આકરા તાપના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગે આશંકા વ્યકિત કરી છે. બપોરના સમયે કામ વગર ઘરની બહાર નહીં નીકળવા લોકોને અપીલ કરાઇ છે. હીટવેવની સ્થિતિમાં જો ચક્કર આવે કે તાવ આવે કે ડિહાઇડ્રેશનનો બનાવ બને તો તાત્કાલીક નજીક દવાખાના અને આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવા સુચના આપી દેવામાં આવી છે.
અમરેલી
અમરેલી શહેરમાં બપોરનાં સમયે ઉનાળાની સિઝનમાં છેલ્લા ઘણાં જ દિવસોથી તાપમાન વધારો જોવા મળી રહયાં છે. આજે 44-3 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયેલ છે. જેને લઈ લોકો કામ વગર ઘર કે ઓફિસ બહાર નીકળવાનું ટાળતાં શહેરની મુખ્ય બઝાર તથા રસ્તાઓ સુમસામ ભાસતા હતાં.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ તાપમાનનો પારો વધુ ઉંચે જાય તેવી શક્યતા વચ્ચે લોકો વહેલી સવારે પોતાના કામ આટોપી લઈ અને ધોમધખતા તાપમાં ખાસ કરી બાળકો તથા વૃધ્ધ લોકો ઘર બહાર નીકળવાનું ટાળે તે ઇચ્છનીય છે. અમરેલીમાં આજે મહતમ તાપમાન 44-1 ડિગ્રી, જ્યારે લઘુતમ તાપમાન 25-8 ડિગ્રી, ભેજનું પ્રમાણ 67 ટકા, જ્યારે પવનની ગતિ 5 કી.મી. પ્રતિ કલાક નોંધાય છે.
ભાવનગર
ભાવનગર શહેરમાં આજે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. મહત્તમ તાપમાન વધીને 41.9 ડિગ્રી એ પહોંચતા લોકો પરસેવે નાયા હતા. બપોરે પંખામાંથી ગરમ હવા ફેકાતી હતી. રસ્તાઓ સુમસાન ભાસતા હતા. બપોરે ગરમ લુ ફેંકાતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હેરાન થયા હતા. મોડી સાંજ સુધી ગરમ પવન ફૂંકાયો હતો. ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે.
સોમવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન વધીને 41.9 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 28.9 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 26 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 12 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.