Jai Hind

ભચાઉમાં ચોખાની આડમાં 28.80 લાખનો દારૂ લઈ જતો ટ્રક ઝડપાયો: પાંચ શખ્સો પકડાયા

પાયલોટિંગ કાર મળી રૂ.1,01 કરોડનો મુદામાલ કબ્જે: છ શખ્સોના નામ ખુલ્યા

ગાંધીધામ ભચાઉ સામખિયાળી નેશનલ હાઈવે પર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, ટ્રેઈલર નં.એચઆર 62 એ – 2913 મા ગેરકાયદે રીતે વિદેશી દારૂ રાખેલો છે. પોલીસનું ધ્યાન રાખવા માટે ટ્રેઈલરની આગળ એક કાળા કલરની સ્વિફટ ગાડી ચાલે છે. સામખિયાળીથી ભચાઉ તરફ ગાડી આવતી હોવાની બાતમીના આધારે એલસીબીએ રંગલા પંજાબ હોટલ પાસે વોચમાં રહી ટ્રેઈલર અને સ્વિફટ ગાડીને પકડી લીધી હતી. ટ્રેઈલરમાં ઉપરના ભાગે ચોખાના કટા હતા. નીચે દારૂની પેટીઓ રાખવામાં આવી હતી. પોલીસે 28.80 લાખની કિંમતની દારૂની 4800 બોટલો કબજે કરી છે. આ સાથે 37.08 લાખના ચોખા, તેમજ 30 લાખનું ટ્રેઈલર અને પાંચ લાખની સ્વિફટ નં.એચઆર 32 – પી -4259 કબજે કરવામાં આવી હતી. કુલ 1,01,68,500 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એલસીબીએ મૂળ હરિયાણાના રાજુ પ્રેમ ઉર્ફે ડોલુ ધાણક, ટિન્કુ સતપાલ જાટ, મોનુ મહેન્દ્ર જાટ, અમન રાજેન્દ્ર જાટ, સાહિલ સુશિલ જાટની અટક કરી હતી, જ્યારે હરિયાણાના પ્રદીપ ઉર્ફે દીપુ રામ મહેર જાટ, મૂળ યુપી હાલે ગાંધીધામ રહેતા ધર્મેન્દ્ર હરભાણ ચૌધરી, હરિયાણાના મીતુ, રોહતકના કિશન તેમજ શક્તિસિંહ અને તેનો ભાગીદાર મુન્નો હાજર મળી આવ્યા ન હતા. જેથી તમામ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો શક્તિસિંહ તેના ભાગીદાર મુન્નાએ મંગાવ્યો હતો. મોનુ, અમન અને સાહિલ સ્વિફટ ગાડીમાં પાયલોટીંગ કરતા હતા. રાજુ અને ટિન્કુ ટ્રેઈલરમાં દારૂ ભરીને લઈને આવ્યા હતા. જયારે પ્રદીપ, ધર્મેન્દ્ર, મીતુ અને કિશને વેચાણ માટે ટ્રેઈલરમાં દારૂ ભરી આપ્યો હતો. ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ એલસીબીએ પોતાની પાસે રાખી છે.