1 જૂનથી ગણતરીકારો ઘેર-ઘેર જઈ વસ્તી ગણના કરી માહિતી મેળવશે
દેશમાં આગામી વર્ષ સુધીમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવનાર છે જે અંતર્ગત ગુજરાતમાં આગામી 17 મેથી સ્વ-ગણતરી શરૂ થશે અને 1લી જુનથી જનગણના અધિકારીઓ દ્વારા ઘરે ઘરે જઇને કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જનગણના તંત્ર દ્વારા આજે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. રાજ્યના જનગણના નિયામક સુજલ મિયાત્રા સહિતના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત નાગરિકોને ભારત સરકાર દ્વારા રજુ કરાયેલ સ્વ-ગણતરી પોર્ટલ દ્વારા જનગણનામાં ભાગ લેવાની તક મળશે. આ પહેલ હેઠળ લોકો સ્વેચ્છાએ તેમના ઘર, તેમના કુટુંબમાં ઉપલબ્ધ સુવિધા, સંપત્તિ વગેરે વિશેની વિગતો સરળ, સુરક્ષીત અને અનુકુળ રીતે ઓનલાઇન સબમીટ કરી શકશે. ગુજરાતમાં સ્વ- ગણતરીનો સમયગાળો 17 મે થી 31 મે, 2026 સુધી રહેશે. આ નાગરિક-કેન્દ્રિત પહેલનો ઉદ્દેશ જનગણના કામગીરીમાં ડિજિટલ ભાગીદારી, ચોક્સાઈ અને સરળતાને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાત રાજ્યમાં 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન નિયુક્ત જનગણના અધિકારીઓ દ્વારા ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરવાની ઘરયાદીની કામગીરી (ઇંકઘ) ખાસ કરીને જનગણના ફિલ્ડ કાર્ય માટે રચાયેલ ઘરયાદીની મોબાઇલ એપ્લિકેશન (ઇંકઘ એપ્લિકેશન) દ્વારા કરવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે 1લી જુનથી ડોર ટુ ડોર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને તેમાં નિમાયેલા 1.10 લાખ ગણતરીદારો ઘેર ઘેર જઇને માહિતી એકત્રીત કરશે. કુલ 34 પ્રશ્ર્નો પુછવામાં આવશે. જે કુટુંબની વ્યકિત પોતાની માહિતી ગુપ્ત રાખવા માંગતી હોય તે સ્વ-ગણતરીમાં પોતાની માહિતી આપી શકશે. ઓનલાઇન ભરેલી આ માહિતી બાદ જનરેટ થનારા કોડ નંબરને માત્ર ડોર ટુ ડોર પ્રક્રિયા સમયે આવનાર ગણતરીદારોને આપવાની રહેશે. 34 પ્રશ્ર્નોમાં ઘરની વિગત પાણી, બાથરૂમ, ગેસ કનેકશન, લેપટોપ, ઇન્ટરનેટ સહિતના પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે. ગણતરીદારોમાં શિક્ષકો, અધ્યાપકો અને સરકારી વહીવટી કર્મચારીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે. સમગ્ર રાજયમાં 1.10 લાખ ગણતરીદારો આ કવાયતમાં જોડાશે.