દેશી ગાયનું ગોબર જીવાણુઓનો ભંડાર: એક ગ્રામ ગોબરમાં 300 કરોડ જીવાણુઓ
ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જમીનના આરોગ્ય અને ફળદ્રુપતાની જાળવણી માટે જરૂરી છે પરંતુ જન આરોગ્યના રક્ષણ માટે પણ એટલી જ જરૂરી છે. જેથી ગુજરાત સરકાર અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ આ જનહિતકારી પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે વિશેષ પ્રયાસ -અભિયાન હાથ ધર્યું છે.દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્ર જમીન માટે સૂક્ષ્મ જીવાણું અને પોષક તત્વોનો ખજાનો છે, ત્યારે રાજ્યપાલ એ તેમના પ્રાકૃતિક કૃષિ પુસ્તકમાં નોંધ્યું છે તે મુજબ, ગોબર એ સૂક્ષ્મ જીવાણુઓનો ભંડાર છે. એક ગ્રામ ગોબરમાં જુદા જુદા પ્રકારના 300 થી 500 કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. તે અનેક પ્રકારે જમીનને સમૃદ્ધ કરવાનું કામ કરે છે. ઉપરાંત ગૌમૂત્ર એ પાકનું જીવન ચક્ર પૂરું કરવા માટે જરૂરી પોષક તત્વોનો ભંડાર છે. ઉપરાંત પાકના વૃદ્ધિ અને વિકાસના નિયંત્રણ માટે જરૂરી હોર્મોન્સ પૂરા પાડે છે. આ ઉપરાંત પાકને નુકસાનકર્તા જંતુઓ બેક્ટેરિયા, વાયરસ, ફૂગ વગેરે સામે રક્ષણ આપે છે.દેશી ગાયના ગોબરમાં જુદા જુદા સૂક્ષ્મ જીવાણુઓ હોય છે, તેનાથી જમીનમાં નાઇટ્રોજનના સ્થાપન, ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફરની લભ્યતા રહે છે. ઉપરાંત પેસ્ટીસાઈડ અને હેવી મેટલનું વિઘટન, પાકના અવશેષો અને સેન્દ્રીય પદાર્થોનું વિઘટન, જંતુઓ અને રોગકારકોનું જૈવિક નિયંત્રણ કરનાર પણ છે. સાથે જ પાકનું વૃદ્ધિ કારક પણ છે.દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરેથી જમીનને સમૃદ્ધ અને ઉપજાવ બનાવી શકાય છે. તેમજ ગોબર અને ગૌમૂત્રના ઉપયોગથી તૈયાર થયેલા વિવિધ અસ્ત્રોથી પાક સંરક્ષણ થઈ શકે છે. આમ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં બહારથી ફર્ટિલાઇઝર, હોર્મોન, જંતુનાશકો, જૈવિક ખાતરો, જૈવિક દવાઓ વગેરે ખરીદવાની જરૂર રહેતી નથી.