જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્ષાવિજ્ઞાન પરીષદમાં નિષ્ણાંતોએ વ્યકત કર્યુ અનુમાન
જુનના બીજા કે ત્રીજા અઠવાડીયામાં ચોમાસાનો પ્રારંભ : ઓકટો.ના પ્રથમ પખવાડીયામાં ચોમાસાની વિદાય
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે 32મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ-2026 યોજાયો હતો. જેમાં આ વર્ષે 12 આની વરસ થાય તેવી આગાહી કરવામાં આવી છે, ચોમાસાની શરૂઆત જૂન માસનાં બીજા અથવા ત્રીજા અઠવાડીયામાં તથા જૂલાઇના મધ્યમાં અને ઓગષ્ટનાં શરૂઆતમાં અતિવૃષ્ટી થવાની શકયતા વ્યક્ત કરાઈ છે. અને ઓકટોબરનાં પ્રથમ પખવાડીયામાં ચોમાસુ વિદાય લે તેવું અનુમાન કરાયું છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે છેલ્લા 31 વર્ષથી વર્ષા વિજ્ઞાન મંડળ, જૂનાગઢ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે વર્ષા ઋતુના પૂર્વે વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાય છે, જેમાં ભડલી વાકયો, ખગોળ વિજ્ઞાન, જયોતિષ શાસ્ત્ર, કસ બંધારણ, હવામાનના પરીબળો, વનસ્પતિમાં થતા ફેરફારો તેમજ પશુ-પક્ષીની ચેષ્ટા વગેરેનો આધાર લઇ, આગાહીકારો પોત પોતાના અવલોકનો અને પૂર્વાનુમાન અંગે એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી, આગામી ચોમાસા સીઝન અંગે, આગાહી, અનુમાન કરે છે, જે આગાહીઓ અને અનુમાનો મોટા ભાગે સાચા સાબિત થતાં હોય છે, અને આ આગાહીઓ અને અનુમાનો પર, ખેડૂતો મોટો ભરોસો કરી, ખેતી સહિતની બાબતો પર આયોજન કરતા હોય છે.
વર્ષા વિજ્ઞાન પરિસંવાદ અંગે જૂનાગઢ કૃષિ યુનિ.ના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન. બી. જાદવના જણાવ્યા મુજબ, દર વર્ષે ચોમાસા પહેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું નિયમિત રીતે આયોજન કરવામાં આવે છે. જેમાં આગાહીકારો પોત પોતાના અવલોકનો અને પૂર્વાનુમાન અંગે એકબીજા સાથે ચર્ચા વિચારણા દ્વારા ભવિષ્યમાં પોતાના પૂર્વાનુમાનમાં વધુ સચોટ રીતે કરવાની ક્ષમતા કેળવાય તે હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે અને બધાના પૂર્વાનુમાનોના નિચોડ રૂપે આગામી ચોમાસાનું તારણ કાઢવામાં આવે છે. આ આગાહીઓ ખેડૂતોને પાક આયોજનમાં ઉપયોગી થાય છે.
દરમિયાન વર્ષા વિજ્ઞાન મંડળ, જૂનાગઢ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના સંયુકત ઉપક્રમે 32મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ-2026 યોજાયો હતો. આ પરિસંવાદમાં જુદા જુદા વિસ્તારમાંથી આગાહીકારો તેમજ રસ ધરાવતાં ખડૂતોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો અને 50 જેટલા આગાહીકારોએ તેમની આગાહીઓ રજૂ કરી હતી. આ પરિસંવાદમાં 12 આની વરસ થાય તેવી આગાહી કરવામાં આવી હતી, તથા ચોમાસાની શરૂઆત જૂન માસનાં બીજા અથવા ત્રીજા અઠવાડીયામાં થાય તેવુ અનુમાન કરાયું છે. તેમજ જૂલાઇના મધ્યમાં અને ઓગષ્ટનાં શરૂઆતમાં અતિવૃષ્ટી થવાની શકયતા વ્યક્ત થઈ છે. ઉપરાંત ઓકટોબરનાં પ્રથમ પખવાડીયામાં ચોમાસુ વિદાય લે તેવું અનુમાન કરાયું છે. તે સાથે એકંદરે વર્ષ સારું રહેશે તેવી આગાહીકારોએ આગાહીઓ રજૂ કરી હતી
આ પરિસંવાદનું ઉદ્દઘાટન કરતાં અધ્યક્ષ જેરામભાઈ ટીંબડીયા એ જણાવ્યુ હતું કે, ખેતીમાં વરસાદની આગાહીનું ઘણું મહત્વ છે. આવી આગાહીને લીધે ખેડૂતો પોતાના પાકની પસંદગી તથા પિયત વ્યવસ્થાનું આયોજન કરી શકે છે. ઘણા આગાહીકારો પોતાની કોઠાસુઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. તેમના જ્ઞાનને સાચવી રાખવાની જરૂર છે. તે માટે છેલ્લા 31 વર્ષથી કાર્યરત આ મંડળમાં નોંધાયેલ અવલોકનો અને તેના તારણોને પુસ્તકના રૂપમાં પ્રસિધ્ધ કરવા જરૂરી છે. તેમણે આવા સુંદર અને ઉપયોગી સેમીનારનું આયોજન કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ડો.પી.આર. કાનાણી અને ડો. જે. ડી.ગુંદાળીયાએ પ્રાસંગિક પ્રવચનમાં ભડલી વાકયો, ખગોળ વિજ્ઞાન, જયોતિષશાસ્ત્ર, કસ બંધારણ, હવામાનના પરીબળો, વનસ્પતિમાં થતા ફેરફારો તેમજ પશુ-પક્ષીની ચેષ્ટા વગેરેનો આધાર લઇ પૂર્વાનુમાન માટે મહેનત કરવા બદલ સર્વે આગાહીકારોને બિરદાવ્યા હતા.
આ કાર્યક્રમમાં ડો. એચ.એમ. ગાજીપરા, મોહનભાઈ દલસાણીયા, ડો. જી. આર.ગોહિલ પણ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના પ્રારંભે સહ વિસ્તરણ શિક્ષણ નિયામક અને વર્ષા વિજ્ઞાન મંડળના મંત્રી ડો. એચ.સી. છોડવડીયાએ સ્વાગત કર્યુ હતુ.જયારે ડો. એમ.વી.પોકાર, મદદનીશ પ્રાધ્યાપક એ આભાર દર્શન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીએ જહેમત ઉઠાવી હતી.
રાજયમાં 8 જુનથી ચોમાસાની એન્ટ્રી રાજકોટ 4ર.પ ડીગ્રીએ બફાયું
રાજકોટ સહિત સમગક્ષ સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રિમોન્સુન એકટીવીટીનો પ્રારંભ થયો છે. સતત ત્રીજા દિવસે અનેક શહેરોમાં ધાબડીયું વાતાવરણ જોવા મળ્યું હતું. સોમવારે 43 ડીગ્રી સાથે અમદાવાદ રાજયનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જયારે રાજકોટ 4ર.પ ડીગ્રી સાથે સૌરાષ્ટ્રનું સૌથી ગરમ શહેર બન્યું હતું. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 4ર.3 ડીગ્રીએ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રિમોન્સુન એકટીવીટીનો પ્રારંભ થતા 18 થી ર0 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ રહયો છે. જેના કારણે ગરમીનો પારો બેથી ત્રણ ડીગ્રી સુધી ગગડયો છે. બપોરના સમયે પવનની ગતી વધતા લોકોએ લૂંનો અહેસા કર્યો હતો.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, તા.8 થી 1પ જુન વચ્ચે રાજયમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે. તા. 1પ જુન આસપાસ વલસાડથી ચોમાસાનો પ્રારંભ થશે. જુન મહિનામાં પ્રથમ અઠવાડીયા એટલે કે તા. 4 થી 8 જુન સુધીમાં પ્રિમોન્સુન એકટીવીટીનો રાઉન્ડ આવશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયના છુંટાછવાયા વિસ્તારોમાં ભારેથી હળવા ઝાપટા વરસશે. વાવણી બેથી ત્રણ રાઉન્ડમાં હશે.