સુરત અને અમદાવાદ સિવિલમાં 42 બેડની એપેક્સ હોસ્પિટલ અને 60 બેડનો આઈસોલેશન વોર્ડ ઉભો કરાયો
દેશમાં ઈબોલા વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે ત્યાથી આવતા મુસાફરોનું એરપોર્ટ પર ફરજિયાત સ્ક્રિનિંગ હાથ ધરાયું છે.
દક્ષિણ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઈબોલા વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. જેને પગલે ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સતર્ક બન્યો છે. આ સંદર્ભે આજે સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યની સજ્જતા અને આગોતરા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સૌથી વધુ પ્રભાવિત આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાંજના 06:00 વાગ્યાથી લઈને સવારના 10:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ પેસેન્જરોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ સ્ક્રીનિંગ માત્ર પ્રભાવિત આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો માટે જ છે, અન્ય દેશોના મુસાફરો માટે કોઈ ચિંતાનું કારણ નથી. કોઈપણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટેની આગોતરી તૈયારીના ભાગરૂૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 32 બેડ અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 10 બેડની ડેઝીગ્નેટેડ એપેક્સ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત શંકાસ્પદ દર્દીઓની સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલ- અમદાવાદ ખાતે પણ 60 બેડના અલાયદા આઇસોલેશન વોર્ડ અને વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. જો કોઈ મુસાફર શંકાસ્પદ જણાશે, તો ભારત સરકારની ગાઈડલાઈન મુજબ તાત્કાલિક તેની સારવાર શરૂૂ કરી શકાય તેવી રાજ્ય સરકારની પૂરી તૈયારી છે. જોકે, આવી કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય તેવી આશા પણ મંત્રીએ વ્યક્ત કરી હતી.