તા.1 જૂનથી સરકારના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે ઉમેદવારો
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયક અને સ્પેશિયલ એજ્યુકેટર માટે કુલ 3,966 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત સામાન્ય શાળાઓ ઉપરાંત દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને અન્ય માધ્યમની શાળાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે લાંબા સમયથી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક સમાન છે. આ ભરતી પ્રક્રિયાની સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં દિવ્યાંગ બાળકોના ઉત્થાન માટે વિશેષ શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક વિગતો અનુસાર, ધોરણ 1 થી 5 માં સ્પેશિયલ એજ્યુકેટરની કુલ 1,841 જગ્યાઓ ભરવામાં આવશે. આ ઉપરાંત, ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ 6 થી 8 માં 1,017 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે. તેમજ વિશિષ્ટ ક્ષેત્રે મુખ્ય શિક્ષક તરીકે દિવ્યાંગ ઉમેદવારો અથવા દિવ્યાંગ શિક્ષણ માટે કુલ 71 જગ્યાઓ પણ જાહેર કરવામાં આવી છે. ગુજરાતી માધ્યમ સિવાયની અન્ય માધ્યમની શાળાઓમાં પણ લાંબા સમયથી શિક્ષકોની ખાલી જગ્યાઓ હતી, જેને ધ્યાનમાં રાખીને વિદ્યાસહાયક અન્ય માધ્યમની કુલ 987 જગ્યાઓ ભરવાની મંજૂરી આપવામાં આવી છે. આ તમામ 3,966 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા આગામી 1 જૂન થી સત્તાવાર રીતે શરૂૂ થવા જઈ રહી છે. યોગ્ય લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો નિયત તારીખથી શૈક્ષણિક વિભાગના પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજીકરી શકશે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને મેરિટના આધારે કરવામાં આવશે.