ગીરમાં કરાર આધારિત 12 પશુ ચિકિત્સકોએ છોડી નોકરી
15 જૂન પછી સિંહોની સારવાર વ્યવસ્થાને અસર થવાની ભીતિ
સૌરાષ્ટ્રના ગીર જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોમાં ઈઉટ (કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ) અને બેબસીયા જેવી ગંભીર બીમારીઓના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ વન્યજીવ સારવાર વ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. ગીર અને આસપાસની વિવિધ વન વિભાગોની હોસ્પિટલ તથા રેસ્ક્યુ સેન્ટરોમાં ફરજ બજાવતા કરાર આધારિત 12 વેટરનરી ડોક્ટરોએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ જૂનાગઢ, ગીર પશ્ચિમ, ગીર પૂર્વ, સક્કરબાગ અને શેત્રુંજી ડિવિઝનમાં ફરજ બજાવતા આ પશુ ચિકિત્સકોએ તા. 15 મેના રોજ સત્તાવાર રીતે રાજીનામા રજૂ કર્યા હતા. કરારની શરતો મુજબ તેઓ એક મહિનાનો નોટિસ પીરિયડ પૂર્ણ કર્યા બાદ તા. 15 જૂનથી વિધિવત રીતે ફરજમુક્ત થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં જાહેર કરાયેલી કાયમી વેટરનરી ભરતીમાં વર્ષોથી કરાર આધારિત સેવા આપતા ડોક્ટરોના અનુભવને યોગ્ય પ્રાધાન્ય ન મળતા ડોક્ટરોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. લાંબા સમયથી ગીર વિસ્તારમાં જોખમી પરિસ્થિતિમાં સેવા આપતા ડોક્ટરોને ભરતી પ્રક્રિયામાં કોઈ વિશેષ લાભ ન મળતા અંતે તેમણે સામૂહિક રીતે રાજીનામાનો માર્ગ અપનાવ્યો હોવાનું જાણવા મળે છે.
ગીર જંગલ એ એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન માનવામાં આવે છે. અહીં સિંહો ઉપરાંત દીપડા અને અન્ય વન્ય પ્રાણીઓ માટે સતત મોનીટરીંગ અને તાત્કાલિક સારવારની જરૂર રહેતી હોય છે. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયમાં ઈઉટ અને બેબસીયા જેવા ચેપજન્ય રોગોના ખતરા વચ્ચે અનુભવી વેટરનરી સ્ટાફની અછત સર્જાશે તો વન વિભાગ માટે મુશ્કેલીઓ વધી શકે છે તેવી ચર્ચા ઉઠી છે.
વન્યજીવ નિષ્ણાતોનું માનવું છે કે ગીર વિસ્તારમાં ફરજ બજાવતા ડોક્ટરો પાસે સિંહોની સારવાર, રેસ્ક્યુ, ટ્રેન્ક્વિલાઇઝેશન અને રોગચાળો નિયંત્રણનો વિશેષ અનુભવ છે. એકસાથે 12 ડોક્ટરોની વિદાયથી સારવાર કામગીરી, સેમ્પલિંગ, રોગ નિદાન અને ઇમરજન્સી રેસ્પોન્સ પર સીધી અસર પડી શકે છે.
બીજી તરફ વન વિભાગ દ્વારા વિકલ્પરૂપ વ્યવસ્થા ગોઠવવા માટે પ્રયત્નો હાથ ધરાયા હોવાનું જાણવા મળે છે. ખાલી પડનારી જગ્યાઓ માટે નવી નિમણૂક અથવા અન્ય ડિવિઝનમાંથી ડોક્ટરોની તાત્કાલિક બદલી કરવાની શક્યતાઓ પણ ચર્ચાઈ રહી છે. જોકે હાલ રાજીનામાની ઘટનાએ ગીરના સિંહોની આરોગ્ય સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.