Jai Hind

આઠ સિંહોના કમોત સીએમ એક્શનમાં ગાંધીનગરમાં હાઈ લેવલ બેઠક યોજી

સિંહોના મૃત્યુ સામે વન વિભાગે લીધેલા પગલા અંગે અધિકારીઓએ મુખ્યમંત્રીને માહિતગાર કર્યા : 17 સિંહો આઈસોલેશનમાં હોવાની વિગતો આપી

તાજેતરમાં આઠ સિંહોનાં કમોત થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા હતાં અને ગાંધીનગરમાં અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. અમરેલી અને ગીર સોમનાથમાં 8 સિંહોના મોત મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ, અધિક અગ્ર સચિવ, વન પર્યાવરણ અગ્ર સચિવ અને મુખ્ય વન સંરક્ષક જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અધિકારીઓ દ્વારા ગીર વિસ્તારમાં થયેલા સિંહોના મૃત્યુ સામે વન વિભાગે લીધેલા પગલાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં વન પર્યાવરણ અગ્ર સચિવ ડો. વિનોદ રાવે માહિતી આપી હતી કે 4 સિંહ બાળના મૃત્યુ જુદા જુદા વિસ્તારોમાં થયા છે અને આ વિસ્તારના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેની કાળજી લેવામાં આવી રહી છે.ગીર ગઢડા અને બાબરીયા વિસ્તારના 10 કિમીની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને તેમનામાં કોઇ અન્ય બિમારીના લક્ષણો જણાઇ આવ્યા નથી. અમરેલી અને ભાવનગર જીલ્લાના મહેસુલી વિસ્તારમાં તમામ સિંહોનું સઘન નિરિક્ષણ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેનો દૈનિક અહેવાલ પણ મેળવવામાં આવે છે. ઉનાળાની શરૂૂઆતમાં જોવા મળતી આવી સીઝનલ બિમારી સામે સલામતીના ભાગ રૂૂપે ગીર વિસ્તારના 350થી વધુ સિંહોના ડી ટીકીંગ અને અન્ય આરોગ્યલક્ષી પગલાઓની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાંત તબિબો પણ જોડાયા છે. વિશ્ર્વભરમાં એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરમાં વનરાજની સુરક્ષાને લઈને એક ચોંકાવનારો અને ચિંતાજનક ખુલાસો સામે આવ્યો છે. માનવ બેદરકારી અને વન વિભાગની નિષ્ક્રિયતાના કારણે ગીરના સિંહો સડેલા માલઢોર ખાવા મજબૂર બન્યા છે, જેના લીધે તેઓ ગંભીર રોગોનો શિકાર થઈ રહ્યા છે. તાજેતરમાં જ જસાધાર અને જામવાળા વિસ્તારમાં સિંહોના મોતના સમાચારે સિંહપ્રેમીઓમાં વન વિભાગ સામે ભારે આક્રોશ જગાડ્યો છે. ગીરગઢડા-જામવાળા રોડ પર આવેલી ’સદાવાળી ધાર’ નજીક ગ્રામજનો દ્વારા ગામનો કચરો અને મરણ પામેલા પશુઓને બેરોકટોક પણે ઠાલવવામાં આવી રહ્યા છે. આ વિસ્તાર સંપૂર્ણપણે જંગલ બોર્ડરને અડીને આવેલો છે. થોરડી, ભાખા, ફરેડા, ઝાખીયા, ગીરગઢડા, ધાબાવડ અને ઉમેદપરા જેવા વિસ્તારોમાં હાલ 35થી 40 સિંહોનો કાયમી વસવાટ છે અને આ સિંહોની સદાવાળી ધાર નજીક રોજિંદી અવર-જવર રહે છે. ગીરમાંથી બહાર નીકળવા માટે સિંહો ફરેડા અને ઝાંખિયાના રસ્તાનો જ ઉપયોગ કરે છે, જ્યાં જંગલની સરહદ પર જ આ ગંદકી ફેલાયેલી છે.
સિંહ તાજો શિકાર કરે તો લોકો ભગાડી મૂકે છે, જૂનું સડી ગયેલું માંસ ખાવા મજબૂર
કરસનભાઈ બાબરીયા અને બાલુભાઈએ સિંહોની આ દયનીય સ્થિતિ પાછળ માનવ દખલગીરીને જવાબદાર ઠેરવી છે. જ્યારે કોઈ સિંહ ગામની આસપાસ આવીને કુદરતી રીતે પશુનું મારણ કરે છે, ત્યારે લોકોના ટોળેટોળા ત્યાં એકઠા થઈ જાય છે અને દેકારો મચાવે છે. આ ખલેલના કારણે સિંહ પોતાનું તાજું મારણ શાંતિથી ખાઈ શકતો નથી અને તેને અધવચ્ચે છોડીને ભાગી જવું પડે છે. સિંહ ગયા બાદ ગામલોકો એ મરેલા પશુને ઉંચકીને ’સદાવાળી ધાર’ કે ઉકરડા પર ફેંકી દે છે. 4-5 દિવસ સુધી ભૂખ્યો અને અશક્ત બનેલો સિંહ આખરે જીવ બચાવવા માટે એ જ જગ્યાએ જાય છે અને ત્યાં પડેલું ત્રણ-ચાર દિવસ જૂનું, સડી ગયેલું તથા ઈતરડીઓ-જીવાત પડેલું માંસ ખાવા મજબૂર બને છે. પૂરતો અને તાજો ખોરાક ન મળવાને કારણે સિંહો આંતરિક રીતે અત્યંત નબળા પડી રહ્યા છે.