Jai Hind

પીએમ મોદી 5મી જૂને ગુજરાતની મુલાકાતે દમણમાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે : સુરતમાં જનસભા યોજવા તૈયારી

વડાપ્રધાન મોદી 5 મી જૂને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. દમણમાં તેમના હસ્તે એરપોર્ટનું ઉદ્ઘાટન થશે, સુરતમાં જાહેરસભા યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવે તેવી શક્યતાઓ વચ્ચે સુરત અને દમણમાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. સુરતમાં ભવ્ય જાહેર સભા યોજાવાની સંભાવનાઓ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં સભા સ્થળ માટે તંત્ર દ્વારા સઘન નિરીક્ષણ હાથ ધરાયું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડાપ્રધાનની જાહેર સભા માટે સુરતના વેસુ અને પાટીદાર પ્રભાવ ધરાવતા વરાછા વિસ્તાર સહિતના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી જગ્યાઓ અને મેદાનોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સંભવિત સ્થળોની ચકાસણી કરવામાં આવી રહી છે. મળતી વિગતો અનુસાર તંત્ર દ્વારા અંદાજે ત્રણથી ચાર સંભવિત સ્થળોની યાદી તૈયાર કરીને ઉચ્ચ કક્ષાએ મોકલી આપવામાં આવી છે. હવે આખરી મંજૂરી બાદ વડાપ્રધાનની સભા માટે ચોક્કસ સ્થળ નક્કી કરવામાં આવશે. શહેરમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા હોવાથી સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે, દમણ ખાતે તૈયાર થયેલા નવા એરપોર્ટના ઉદ્ઘાટન કાર્યક્રમ સાથે જ વડાપ્રધાનનો સુરત પ્રવાસ જોડાઈ શકે છે. દમણ એરપોર્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જતા તેના લોકાર્પણ માટે પણ ઉચ્ચસ્તરે તૈયારી શરૂૂ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રવાસ દરમિયાન દક્ષિણ ગુજરાતને લગતા વિકાસકાર્યો, નવી યોજનાઓ અને વિવિધ પ્રકલ્પોને લઈને મહત્વપૂર્ણ જાહેરાતો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત અને આસપાસના વિસ્તારોમાં ભાજપ સંગઠન દ્વારા પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે મિટિંગો અને તૈયારીઓનો દોર તેજ બન્યો છે.