સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં ગાજવીજ સાથે મેઘાની તોફાની બેટીંગ : ભૂજ-કંડલા 41 ડિગ્રીએ રાજ્યના ગરમ શહેર બન્યા : રાજકોટીયન્સ 40.7 ડિગ્રીએ બફારાથી ત્રાહીમામ
ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમનને હજુ પખવાડિયાનો સમય બાકી છે ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટી તેમજ ત્રણ અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વિધિવત વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સોમવાર મોડી રાત્રીથી સૌરાષ્ટ્ર-કચ્છમાં અધિક માસમાં અષાઢી માહોલ જામ્યો છે. સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાંપટાથી દોઢ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ભૂજ-કંડલા 41 ડિગ્રીએ રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતાં. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપછાંવ જેવું વાતાવરણ રહ્યું હતું. રાજકોટીયન્સ 40.7 ડિગ્રીએ બફારાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતાં.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગામી દિવસોમાં તાપમાનમાં 4-5 ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે. લોકોને ગરમીમાંથી મોટી રાહત આપશે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ સ્થળે ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે.
સોમવારે મોડી રાત્રીએ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, જિલ્લાના 15 તાલુકાઓમાં સામાન્યથી ઝાંપટાથી લઈ દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળિયુ વાતાવરણ જોવા મળ્યું હતું.
લોકોએ અસહ્ય ઉકળાટ અને બફારાનો અહેસાસ કર્યો હતો.
મંગળવારે રાજ્યના મોટાભાગના શહેરનું તાપમાન 40 ડિગ્રીની અંદર રહેવા પામ્યું હતું. જ્યારે ભૂજ અને કંડલા 41 ડિગ્રીએ રાજ્યના સૌથી ગરમ શહેર બન્યા હતાં. તો વળી બીજી તરફ રાજકોટમાં 40.7 ડિગ્રીએ પ્રજાએ અસહ્ય ઉકળાટ અને બફારાનો અહેસાસ કર્યો હતો.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકા મથકોએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ રાત્રિના બે વાગ્યે વરસવાનો શરૂ થયો હતો ત્યારે લગભગ અડધી કલાક સુધી વરસાદ વરસ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ છેલ્લા કેટલાક દિવસથી ભારેતાપમાનના કારણે લોકો અકળાઈ ઊઠ્યા હતા ત્યારે રાત્રિના બે વાગ્યાના અરસામાં અચાનક જ કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો જે અડધી કલાક સુધી વરસાદ વરસ્યો હતો જ્યારે વરસાદ વરસવાનો શરૂ થતા ની સાથે જ વીજળી વેરણ બની હતી. કલાકો સુધી વીજળીનો પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો.
ભાવનગર
છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમીથી ભાવનગરવાસીઓને છુટકારો મળ્યો છે. ગઈ મોડી રાત્રિના 2 વાગે ભાવનગર શહેરમાં તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતા ગાઢ નિંદ્રા માં સુતેલા લોકો જાગી ગયા હતા. અગાસીમાં સુતેલા લોકો ગાદલા ગોદડા લઈ ભાગ્યા હતા. વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. અચાનક વરસાદનું આગમન થતાં ગરમીથી કંટારેલા નગરજનોમાં રાહતની લાગણી થઈ હતી. ભાવનગર ઉપરાંત ઘોઘા પંથકમાં પણ કઈ રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં 2.6 મી.મી. અને ઘોઘા માં રાત્રે 7 મી.મી. વરસાદ નોંધાયો છે.
અમરેલી
જાફરાબાદ તા. 31ના રોજ વહેલી સવારે વરસાદની એન્ટ્રી થઈ હતી. સતત ર0 મીનીટ સુધી વરસેલા વરસાદે નગરપાલિકાની વિકાસ ગાથાની પોલ ખોલી નાખી હતી. બસ સ્ટેશનના મેઇન ગેટ પાસે જ મસમોટા તળાવનું નિર્માણ થયું હતું. અને અહીં બનેલો આર.સી.સી રોડની એક હાલત જોવા મળી હતી. પાણીનું તળાવ ભરાતા મુસાફરો આ તળાવના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. તો બીજી બાજુ મચ્છી માર્કેટની અંદરનો નજારો જોતા અને વહેલી સવારે મહિલાઓ આ માર્કેટમાં ખરીદી માટે આવતા અને આ વરસાદી પાણી ભરાઇ જતાં તે પાણી દુર્ગંધ મારતું હોવા છતાં ના છુટકે ચાલવા મજબુર બન્યા હતા. પરંતુ આ મચ્છી માર્કેટમાં કમોસમી વરસાદ પડતાંની સાથે પાણીના તણાવો ભરાઇ જતાં પાથરણા વાળાની મુશ્કેલી વધી હતી. જયાં વરસાદી પાણી ભરાતા પોતાની રોજીરોટી પણ પાણી ફરી વળ્યા હતા. આ વરસાદી પાણીના કારણે આવતા ન હોવાથી પાલિકા સામે રોષ ભભુકી ઉઠયો હતો પ્રથમ વરસાદના ઝાપટાએ પાલિકાની પ્રિ- મોન્સુન કામગીરીની લોલમલોલની પોલ ખોલી નાખી હતી.