Jai Hind

સ્ટેટ જીએસટીનો સપાટો : ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી સોના-ચાંદીનો રૂ. 4.25 કરોડનો જથ્થો જપ્ત

રાજસ્થાનથી અમદાવાદ આવેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાં ચેકિંગ દરમિયાન કરોડોનો દલ્લો ઝડપાયો

સ્ટેટ જીએસટીની મોબાઇલ સ્કવોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરતા યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા કરોડો રૂૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ વેપાર વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. અગાઉથી મળેલી બાતમીના આધારે મોબાઇલ સ્કવોડ ટીમે અમદાવાદના નારોલ પાસેથી ખાનગી લકઝરી બસોમાં અન્ય રાજયમાંથી આવેલી બસોનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન રાજસ્થાનથી આવેલી ખાનગી ટ્રાવેલ્સની ડેકીમાંથી આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં માલસામાનના પરિવહન માટે જરૂૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. આ તમામ માલસામાનની કુલ અંદાજિત કિંમત રૂૂ. 4.25 કરોડ જેટલી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સ્ટેટ જીએસટી તરફથી ગીતા મંદિર વિસ્તારમાંથી બસમાં લઇ જવામાં આવનાર 100 કિલો ચાંદીનો જથ્થો પકડી પાડયો હતો. ત્યાં વળી આજે નારોલ વિસ્તારમાંથી 120 કિલો ચાંદીનો જથ્થો તેમ જ 700 ગ્રામ સોનું અને 3 કિલો જેટલાં કિંમતી પથ્થરો ઝડપી પાડયાં છે. આ જથ્થો નાના વાહનોમાં આગળ લઇ જવાના હતા. પ્લાસ્ટીકના થેલામાં રાખવામાં આવેલાં આ જથ્થાં અંગેના કોઇ જરૂૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી હાલ આ જથ્થો સ્ટેટ જીએસટીના અધિકારીઓએ કબ્જે લઇને માલ ક્યાં જવાનો હતો તથા સંભવિત કરચોરીના એંગલથી પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. રાજ્ય વેરા ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કરચોરી અને ગેરકાયદેસર માલ પરિવહન સામે આવી પ્રકારની ઝુંબેશ આગામી સમયમાં પણ વધુ કડક બનાવવામાં આવશે અને કરચોરી રોકવા રાજય વેરા ખાતું કટિબધ્ધ છે.