Jai Hind

વડાપ્રધાન મોદીના 12 વર્ષના કાર્યકાળની જૂનાગઢ જિલ્લામાં થશે સેવામયી ઉજવણી

પ્રગતિ પદયાત્રા, વિકસીત ભારત સંકલ્પ સંમેલન, જન કલ્યાણ શિબિર, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો યોજાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે જૂનાગઢ જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમો યોજાનાર છે. આ સંદર્ભે જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
વિકસિત ભારતના સંકલ્પને લોક સહભાગીતા પ્રાપ્ત થાય અને છેવાડાના માનવી પણ આ સંકલ્પોમાં ભાગીદાર બને તે માટે જિલ્લામાં તા. 8 થી 14 જૂન 2026 દરમિયાન પ્રગતિ પદયાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, તા. 12 થી 20 જૂન દરમિયાન ત્રણ દિવસ જન કલ્યાણ શિબિર યોજાનાર છે. આ ઉપરાંત એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની યોજાશે.
જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ જન કલ્યાણ શિબિરમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ નાગરિકો સુધી પહોંચે, વિકસિત ભારતના સંકલ્પને લોક સહભાગીતા પ્રાપ્ત થાય તેમજ છેવાડાના માનવીને વિવિધ સંકલ્પમાં વધુમાં વધુ ભાગીદાર થાય તે માટે સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન માટે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપવાની સાથે માર્ગદર્શન કર્યું હતું.
આ સમગ્ર અભિયાનની પુર્ણાહુતિ 21 જૂન- આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ થશે. આ દિવસે તાલુકા કક્ષાએ સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.