કેબિનેટની બેઠકમાં ગુજરાત વાયર ફ્રી સિટી મિશનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો નિર્ણય
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકની શરૂૂઆત પૂર્વ મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને વધુ સ્માર્ટ, સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ની મહત્વાકાંક્ષી જાહેરાત પણ કરવામાં આવી છે, જેને ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. શ્રદ્ધાંજલિ બાદ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ શરૂૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શહેરોને વધુ સુરક્ષિત, આધુનિક અને વ્યવસ્થિત બનાવવા માટે આ મિશન અમલમાં મૂકવામાં આવશે. આ મિશન હેઠળ શહેરોમાં દેખાતા ઓવરહેડ વીજ અને અન્ય વાયર સંપૂર્ણ રીતે ભૂમિગત કરવામાં આવશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે 500 કરોડ રૂૂપિયાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ 17 મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોને આવરી લેવામાં આવશે, જેના કારણે લાખો નાગરિકોને સીધો લાભ મળશે. સરકારના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યમાં અંદાજે 31 હજાર કિલોમીટર લાંબા નેટવર્કને તબક્કાવાર ભૂમિગત કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 11 કે.વી. વીજ નેટવર્કને ભૂમિગત કરવામાં આવશે. ત્યારબાદ અન્ય પ્રકારના ઓવરહેડ વાયર અને કેબલને પણ જમીનની અંદર ખસેડવામાં આવશે. રાજ્ય સરકારનું માનવું છે કે આ યોજના માત્ર શહેરોના સૌંદર્યમાં વધારો નહીં કરે પરંતુ અકસ્માતો, વાયર તૂટવાની ઘટનાઓ અને કુદરતી આફતો દરમિયાન ઊભી થતી મુશ્ર્કેલીઓમાં પણ નોંધપાત્ર ઘટાડો કરશે. ઉપરાંત, શહેરી વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા, જાહેર સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળશે.