Jai Hind

હવે ગ્રા. પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ આજે તમામ જિલ્લાના કલેક્ટરો-ચૂંટણી પંચની વીડિયો કોન્ફરન્સ

રાજ્યભરમાં તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા/જિલ્લા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓનો તાગ મેળવવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગ આગામી વહીવટી પ્રક્રિયા અને નવી ચૂંટણીઓ માટે એક્શન મોડમાં આવ્યું છે. રાજ્ય ચૂંટણી કમિશનરના અધ્યક્ષસ્થાને આગામી 4 જૂન 2026ના રોજ બપોરે 12:30 કલાકે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરો સાથે એક ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરી-2025 અને જૂન- 2025ની ગ્રામ પંચાયત (સરપંચ) તેમજ એપ્રિલ-2026માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હરીફ ઉમેદવારોએ રજૂ કરવાના થતા ચૂંટણી ખર્ચના હિસાબોની તપાસ થશે. ઇ-ડેશબોર્ડ પર અપલોડ થયેલા અને બાકી રહેલા હિસાબો અંગે કલેક્ટરો પાસેથી વિગતો મંગાવાશે. વર્ષ 2025 અને 2026ની ચૂંટણીઓમાં અનુસૂચિત આદિજાતિ અનામત બેઠક પરથી વિજેતા થયેલા ઉમેદવારોના કિસ્સામાં વિશ્ર્લેષણ સમિતિને મોકલવાના બાકી કેસોની સમીક્ષા કરાશે. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓનો તાગ મેળવવામાં આવશે.
ગાંધીનગર મહાનગર પાલિકા, થરા નગરપાલિકા, ઓખા નગરપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજ્યના અન્ય એકમોમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો પર સામાન્ય/પેટા ચૂંટણી યોજવા અંગે વિચારણા થશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કેન્દ્રીય સ્તરેથી ખરીદવામાં આવેલી રિ-યુઝેબલ મતકુટીરોની જિલ્લાવાર ઉપલબ્ધતાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. એપ્રિલ-2026ની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ વહીવટી ત્રુટિઓ નિવારવા અને આગામી ચૂંટણીઓનું સુચારુ આયોજન કરવા માટે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમામ જિલ્લાના મ્યુનિસિપલ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને જરૂૂરી સંપૂર્ણ વિગતો સાથે આ કોન્ફરન્સમાં ફરજિયાત જોડાવા આદેશ કરાયો છે.