ગુજરાતની પ્રથમ ઓલ-ગર્લ્સ માઉન્ટ ફ્રેન્ડશિપ ટીમે હિમાચલ પ્રદેશની પીર પંજાલ પર્વતમાળામાં આવેલ 17,350 ફૂટ ઊંચા માઉન્ટ ફ્રેન્ડશિપ અભિયાનને સફળતાપૂર્વક પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો છે. બરફથી ઢંકાયેલા માર્ગો, સતત બદલાતું હવામાન, ઓક્સિજનની ઓછી માત્રા અને દુર્ગમ ચઢાણ જેવા પડકારો વચ્ચે ટીમે અસાધારણ સાહસ, શિસ્ત અને સંકલ્પશક્તિનું પ્રદર્શન કર્યું હતું. આ સિદ્ધિ ગુજરાતની યુવતીઓની ક્ષમતા, આત્મવિશ્વાસ અને નેતૃત્વ શક્તિનું પ્રતિક બની છે. રાજુલાના આહીર સમાજ ના પ્રમુખ અને આહિર સમાજના આગેવાન એવા બાઘાભાઈ લાખણોત્રા ની પૌત્રી આરતીએ રાજુલાનું ગૌરવ વધાર્યું છે.
અભિયાન માટે પસંદ થયેલી સહભાગીઓએ છેલ્લા બે મહિનાથી સઘન તાલીમ મેળવી હતી, જેમાં રનિંગ, સ્ટેમિના ટ્રેનિંગ, લોડ કેરીંગ, ટ્રેકિંગ પ્રેક્ટિસ, યોગ-પ્રાણાયામ તેમજ માઉન્ટેનિયરિંગ સંબંધિત ટેક્નિકલ તાલીમનો સમાવેશ થતો હતો. 30 મેના રોજ શરૂ થયેલા આ અભિયાનનું નેતૃત્વ એવરેસ્ટ વિજેતા નિશા કુમારીએ કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ આરતી લાખણોત્રા, પ્રાચી અગ્રવાલ, પ્રાચી જયસિંગ, અવની ભટ્ટ, બંસી પટેલ, ધ્વનિ બલાણી, વિશ્વા કનેરિયા, વિશ્વા કાકડિયા, દિવ્યા રાઠવા, રમ્યા ચિલુવરી અને સ્નેહા ચાક સહિત કુલ 12 યુવતીઓએ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.