Jai Hind

જાપાનમાં દોઢ થી ત્રણ લાખ રૂપિયે કિલો વેચાતી મિયાઝાકી કેરીના પોરબંદરમાં રૂ.1700 ઉપજ્યા

ચોરવાડમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કર્યુ વેચાણ : દુનિયાની સૌથી મોટી ગણાતી નૂરજહા કેરીના નંગ દીઠ રૂ.350 મળ્યા

દુનિયાની સૌથી મોટી ’નૂરજહાં’ અને સૌથી મોંઘી ’મિયાઝાકી’ કેરીની પોરબંદરમાં થઇ જાહેર હરરાજી : ચોરવાડ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતે માર્કેટીંગ યાર્ડ ખાતે કર્યુ વેચાણ
દુનિયાની સૌથી મોટી ’નૂરજહાં’ અને સૌથી મોંઘી ’મિયાઝાકી’ કેરીની પોરબંદરમાં જાહેર હરરાજી રાખવામાં આવી હતી. જેમાં જાપાનમાં દોઢ થી ત્રણ લાખ રૂપિયે કિલો વહેચાતી કેરીના પોરબંદરમાં 1700 રૂા. ઉપજ્યા હતા.
ચોરવાડ-જૂનાગઢના જાણીતા પ્રાકૃતિક ખેતી અને નર્સરી ધરાવતા ખેડૂત વી.એમ. વાજા દ્વારા દુનિયાની સૌથી મોટી કેરી ગણાતી ’નૂરજહાં’ અને દુનિયાની સૌથી મોંઘી કેરી ’મિયાઝાકી’ની પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે સુદમા ફ્રૂટ કંપનીમાં હરરાજી રાખવામાં આવી હતી જેમાં કેરીનું વેચાણ કરવા આવેલા વી.એમ. વાજાએ જણાવ્યું હતું કે, નૂરજહાં કેરીનું વજન આશરે 3 કિલો જેટલું થાય છે અને તે દુનિયાની સૌથી મોટી કેરીઓમાંની એક છે. જ્યારે જાપાનની મૂળ મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી ગણાય છે, જેનો બજાર ભાવ 1.5 લાખથી 3 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધીનો હોય છે.
હરાજીમાં નૂરજહાં જાતની બે કેરી અને મિયાઝાકી જાતની 3 કેરી વેચાણ માટે મુકવામાં આવી હતી. વી.એમ. વાજાના કહેવા મુજબ, આ બંને જાતની કેરી દુનિયાની અજાયબી સમાન છે અને હાલ બજારમાં તેની ખૂબ જ માંગ છે. કેરી પ્રેમીઓ અને વેપારીઓ માટે આ હરરાજી એક અનેરો અવસર બની રહ્યો હતો અને પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ વખત આટલી મોંઘી અને વિશાળ કદની કેરીની હરાજી થઈ હોવાથી વેપારીઓ અને નાગરિકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું હતુ અને સવારથી જ લોકો માર્કેટીંગ યાર્ડ ખાતે કેરી જોવા માટે પહોંચી ગયા હતા.
પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં શ્રીજી સીઝન શોપ ચલાવતા કમલભાઇ કોટેચાએ હરરાજીમાં કેરીની ખરીદી કરી હતી જેમાં મીયાઝાકી કેરીના એક નંગના 1700 રૂા. ચુકવ્યા હતા તો નુરજહા કેરીના નંગ દીઠ 350 રૂા. ચુકવવામાં આવ્યા હતા. તેણે તમામ પાંચ ફળ ખરીદી લીધા હતા. કમલ કોટેચાએ જણાવ્યુ હતુ કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે તેમણે આ ખરીદી કરી છે જેથી આ પ્રકારની પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રોને પ્રોત્સાહન મળે અને વધુને વધુ ખેડૂતો આવી કેરીના ઉત્પાદન માટે જાગૃત બને તેવા હેતુ સાથે તેમણે સૌથી ઉંચી બોલી દ્વાા કેરીની ખરીદી કરી છે. ડાયાબીટીશવાળા દર્દીઓને પણ આ મીયાઝાકી કેરી ફાયદારૂપ છે તેમ કેરીના ઉત્પાદકે જણાવ્યુ હતુ.
જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના પ્રગતિશીલ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત વરજાગ મેરામણભાઈ વાજા દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી હેઠળ વિશ્વની બે સૌથી મોંઘી અને અનોખી કેરીની જાતોનું સફળતાપૂર્વક ઉત્પાદન કરવામાં આવ્યું છે. તેઓ પોતાના ફાર્મમાં ઉગાડેલી જાપાનની પ્રખ્યાત મિયાઝાકી અને અફઘાનિસ્તાનની નૂરજહાં કેરીને પોરબંદર માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે લાવ્યા છે, જે હાલ ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રાકૃતિક ખેડૂત વરજાગભાઈ વાજા લાંબા સમયથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા શાકભાજી, મરી-મસાલા અને ફળોનું ઉત્પાદન કરી રહ્યા છે. આ વર્ષે તેમણે કંઈક નવું કરવાના આશયથી કેરીની વૈશ્ર્વિક જાતો પર પ્રયોગ કર્યો હતો. વરજાગભાઈ વાજાએ જણાવ્યું કે જાપાનની પ્રખ્યાત મિયાઝાકી કેરી, જેની કિંમત જાપાનમાં આશરે રૂ1.5 થી 3 લાખ સુધીની હોય છે, તેના ત્રણ ફળો તેઓ માર્કેટ યાર્ડમાં લાવ્યા છે. આ સાથે જ અફઘાનિસ્તાનની મૂળ અને વિશ્ર્વની સૌથી મોટી ગણાતી નૂરજહાં કેરીના બે ફળો પણ તેઓ લાવ્યા છે સામાન્ય રીતે નૂરજહાં કેરીનું એક ફળ 1 થી 7 કિલો સુધીનું હોઈ શકે છે, જ્યારે તેમના ફાર્મ પર આશરે 1 કિલો કે તેથી વધુ વજન ધરાવતી કેરીઓ તૈયાર થઈ છે.