Jai Hind

કોઇ દુર્ઘટના સર્જાય તે પહેલા…. વિસાવદરની જર્જરીત હાઇસ્કુલનું ચોમાસા પુર્વે રિપેરીંગ કરાવવા માંગ


તાત્કાલીક સંપૂર્ણ સ્ટ્રકચરલ ઓડિટ કરવું જરૂરી

ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકાના અનુસંધાને, વિસાવદરની ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીનીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે શાળા તંત્ર અને ટ્રસ્ટીઓ દ્વારા સક્રિય પગલાં લેવા અંગે માંગ ઉઠી છે.
ચોમાસાની ઋતુમાં વિદ્યાર્થીનીઓ કોઈ પણ પ્રકારની દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે સરકારની ગાઈડલાઈન મુજબ શાળાના બિલ્ડિંગનું નિષ્ણાત સિવિલ એન્જિનિયરો દ્વારા તાત્કાલિક ’સ્ટ્રક્ચરલ ઓડિટ’ કરાવવું અત્યંત અનિવાર્ય બન્યું છે. શાળામાં જર્જરિત ઓરડાઓની ઓળખ કરી ત્યાં વિદ્યાર્થીનીઓને બેસાડવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો, વીજળીના વાયરિંગનું સંપૂર્ણ ચેકિંગ કરવું, ખુલ્લા વાયર દૂર કરવા અને અર્થિંગની વ્યવસ્થા સુધારવી જેવી સૂચનાઓનું ચુસ્ત પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત, શાળાના પરિસરમાં પાણી ભરાતું અટકાવવા માટે છત અને મેદાનની સફાઈ, ડ્રેનેજ સિસ્ટમનું સમારકામ, ઇમર્જન્સી મેડિકલ કીટની ઉપલબ્ધતા તેમજ કટોકટીના સમયે અપનાવવાના પ્રોટોકોલને પણ શાળામાં કાર્યરત કરવા તંત્રને વિનંતી કરવામાં આવી છે. શૈક્ષણિક કાર્ય દરમિયાન વિદ્યાર્થીનીઓનું સ્વાસ્થ્ય અને સુરક્ષા જળવાય તે માટે શાળાના આચાર્ય અને ટ્રસ્ટીમંડળ આ બાબતે વહેલી તકે જરૂરી વહીવટી અને ટેકનિકલ પગલાં લે તેવી જાગૃત નાગરિકો દ્વારા અપેક્ષા રાખવામાં આવી છે.