Jai Hind

અધિકારીની નિવૃતિ બાદ ખાતાકીય તપાસ અને સજાનો હુકમ કરનાર પી.જી.વી.સી.એલ.ને હાઈકોર્ટની નોટિસ

પી.જી.વી.સી.એલ.ના હુકમ સામે નિવૃત અધિકારીએ હાઈકોર્ટમાં ધા નાખેલ

પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ રાજકોટના એકાઉન્ટ વિભાગના નિવૃત સુપ્રિન્ટેન્ડન્ટ સામે નિવૃત્તિ બાદ શરૂૂ કરાયેલી ખાતાકીય તપાસ અને તેના આધારે કરાયેલી સજાના હુકમને પડકારતી પિટીશનમાં હાઈકોર્ટે પીજીવીસીએલ તંત્રને આકરી નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, પીજીવીસીએલ રાજકોટમાં અધિક્ષક હિસાબનીશ (સુપ્રિન્ટેન્ડન્ટ એકાઉન્ટ) તરીકે ફરજ બજાવતા ડામોર ગત તારીખ 02/06/ 2022 ના રોજ સેવામાંથી નિવૃત થયા હતા. જો કે, તેઓની નિવૃત્તિના આશરે પોણા બે મહિના બાદ, તારીખ 26/07/2022 ના રોજ તંત્ર દ્વારા તેઓને ચાર્જશીટ (આરોપનામું) આપીને સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પીજીવીસીએલના મનસ્વી હુકમ સામે ડામોર દ્વારા હાઈકોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી. પિટીશનમાં મુખ્ય રજૂઆત કરવામાં આવી હતી કે, કોઈ પણ કર્મચારી સેવામાંથી નિવૃત થઈ ગયા પછી તેની સામે આવી કોઈ નવી ખાતાકીય તપાસ હાથ ધરી શકાય નહીં. નિવૃત્તિ બાદ કરવામાં આવેલી આ તપાસ અને સજાનો હુકમ સંપૂર્ણપણે ગેરકાનૂની, અયોગ્ય અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધનો છે, જેથી તેને રદબાતલ કરવો જોઈએ. આ સંવેદનશીલ કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નીકળતા, અરજદારના વકીલોની ધારદાર દલીલો અને કાનૂની જોગવાઈઓને ધ્યાને લઈ અદાલતે પીજીવીસીએલ રાજકોટની કચેરીને નોટિસ ઈસ્યુ કરી જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ કેસમાં નિવૃત કર્મચારી ડામોર વતી સિનિયર એડવોકેટ જી. આર. ઠાકર, ક્રિષ્નનભાઈ ઠાકર અને ગાર્ગીબેન જી. ઠાકર રોકાયા હતા. હાઈકોર્ટના કડક વલણને પગલે સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં નિવૃત્તિ બાદ તપાસના નામે થતી હેરાનગતિના કિસ્સાઓમાં મોટો કાનૂની વળાંક આવે તેવી શક્યતા છે.