અમરેલી જિલ્લામાં 3 ઈંચ વરસાદથી નદીઓમાં પુર : રાયડી નદીમાં 20 બકરા તણાયા : જાફરાબાદમાં ખેતરો તરબોળ
જેતપુરના દેવકી ગાલોલ નજીક નદીમાં પુર આવતા ડાયવર્ઝન ધોવાયું
જામનગર-કાલાવડમાં ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું, વાહન વ્યવહાર ખોરવાયો
જૂનાગઢ-બગસરામાં બે-બે ઈંચ : ચોરવાડ-જેતપુરમાં દોઢ ઈંચ : અમરેલીમાં દોઢ ઈંચ વરસાદથી ખેડુતો ખુશખુશાલ
રાજ્યમાં જુલાઈ માસના પ્રારંભે જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ બપોરથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા ઓળઘોળ થયા હતાં. સૌરાષ્ટ્ર-કચ્છમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના ભેસાણમાં બે કલાકમાં અનરાધાર સવા ત્રણ ઈંચ, અમરેલી પંથકમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજુલાની રાયડી નદીમાં પુર આવતા 20 બકરા તણાયા હતાં. ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસી જતાં આગોતરુ વાવેતર કરનારા ખેડુતો ખુશખુશાલ થયા છે. આગોતરુ વાવેતર થયેલી જણસો માટે આ વરસાદ કાચા સોના સમાન સાબિત થશે. જેતપુરના દેવકી ગાલોલ નજીક નદીમાં પુર આવતા ડાયવર્ઝન ધોવાયું હતું. જ્યારે જામનગરના કાલાવડમાં વરસાદ પડતા હાઈવેનો ડાયવર્ઝન ધોવાઈ જતા જામનગર-કાલાવડ રોડનો વાહન વ્યવહાર ખોરવાયો હતો.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બુધવારે બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજકોટ શહેરમાં બપોરે ત્રણ વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોદરાદ ઝાપટુ વરસી જતા શહેરના રાજમાર્ગો પરથી પાણી વહેતા થયા હતાં. શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં.
જામનગર
જામનગર જિલ્લાના ખેડૂતો અને હલારવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાએ આખરે જામજોધપુર પંથકમાં એન્ટ્રી કરી છે. લાંબા સમયથી ઉકળાટભર્યા વાતાવરણ અને વરસાદની રાહ વચ્ચે મંગળવારે બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવતા તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. જામજોધપુર શહેરમાં સવારે છૂટાછવાયા ઝાપટાં પડ્યા બાદ બપોરે ત્રણ વાગ્યા પછી વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો છવાઈ જતાં ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. કેટલાક વિસ્તારોમાં ધોધમાર અડધા થી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણીના રેલા વહેતા જોવા મળ્યા હતા. જામજોધપુર તાલુકાના બુટાવદર, બગધરા, ધ્રાફા, વડાળા, ભોજાબેડી સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો હતો. કેટલાક ગામોમાં વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી, જ્યારે અમુક વિસ્તારોમાં માત્ર ઝાપટાં નોંધાતા ખેડૂતો હજુ વધુ વરસાદની આશા રાખી રહ્યા છે.
જામનગર જિલ્લામાં લાંબી રાહ બાદ મેઘરાજાએ આગમન કરતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જિલ્લાના જામજોધપુર અને કાલાવડ તાલુકાના અનેક વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ચોમાસાની શરૂઆતનો અહેસાસ થયો હતો. જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. બુટાવદર, બગધરા, ધ્રાફા, વડાળા, ભોજાબેડી સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમાં આશા જાગી છે, જ્યારે અમુક ગામોમાં માત્ર ઝાપટાં પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ કાલાવડ તાલુકામાં સિઝનનો પ્રથમ જ જમાજમ વરસાદ વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબતર બની ગયા હતા. વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ટોડા ગામ નજીક આવેલી નદીમાં પૂર આવતાં ગામ પાસે બનાવવામાં આવેલા ડાયવર્ઝનનું ધોવાણ થયું હતું. ડાયવર્ઝન ધોવાઈ જતાં કાલાવડ-ધોરાજી હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે કાલાવડ પંથકમાં 11 મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે જામજોધપુર ટાઉન માં 4 મી.મી. વરસાદ નોંધાયો છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા છે. હજુ પણ વરસાદી વાતાવરણ હોવાથી બંને તાલુકામાં વધુ વરસાદ થવાની શક્યતાઓ છે.
ભાવનગર
ભાવનગર જિલ્લાના મહુવામાં એક ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ પડ્યો છે. વરસાદની આગાહી વચ્ચે આજે સાંજ સુધીમાં ભાવનગર જિલ્લાના મહુવામાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો. મહુવામાં 24 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે તળાજામાં 3 મી.મી .,ગારીયાધારમાં 2 મી.મી .અને જેસરમાં 2 મી.મી. વરસાદ પડ્યો છે. તળાજા શહેરમા મધ્યમ વરસાદ વરસ્યો હતો.સૌથીવધુ વરસાદ બોરડા પાદરગઢ નવા-જુના સાંગણા, કામરોળ,જાલવદર,પસ્વી,પાદરી મા વરસ્યો હતો.ખેડૂતોએ વાવણી લાયક વરસાદ ગણાવ્યો હતો.બોરડા થી બોરડી જવાના માર્ગપર પગપાળા ચાલવું કે વાહન ચલાવવું મુશ્કેલ થઈપડે તેરીતે પાણી વહેતા થયાહતા.આ વિસ્તારના દરેક નાળા,વેણકા,ઝરણાં વહેતા થઈગયા હતા.ખેતરોમા પાણી ભરાઈ ગયા હતા.નીચાણવાળા ખેતરોમાંથી પાણી બહાર નીકળી ગયાહતા. તળાજી નદીના ઉપરવાસના ગામડાઓમા પણ દોઢેક કલાક સુધી વરસાદ વરસ્યોહતો.જેના પગલે કામરોળ ગામ વચ્ચે થી વહેતી તળાજી નદી બે કાંઠે વહેતી થતા તળાજા નગરમાંથી વહેતી તળાજી મા નવાનીર આવ્યા હતા. દરિયાઈ પટ્ટીના દાઠા પીથલપુર ફુલસર ઉચડી તથા દિહોર ચુડી સાંખડાસર રોયલ બાબરીયાત મા નેવાધાર વરસાદ ના વાવડ મળ્યા હતા. અલંગ મણાર દરિયા કિનારેના ગામડાઓ હોવા છતાંય અહીં વરસાદ નો છાંટોય પડ્યો નહતો.
પ્રભાસપાટણ
વેરાવળ તાલુકાનાં ના ગ્રામ્ય વિસ્તારોમાં મા વરસાદ પહેલા પાણી ની વ્યવસ્થા વાળા ખેડૂતો એ આગોતરી મગફળી ની વાવણી કરવામાં આવેલ હતી પરંતુ ચોમાસું બેસી ગયા ને પંદરેક દિવસ નો સમય થવા છતાં વરસાદ ન વરસતા આગોતરી મગફળી ની વાવણી કરવામાં આવેલ તે ખેતરો મા મગફળી ઉગી ગયેલ પરંતુ તેને વરસાદ ની ખાસ જરૂરત હતી અને વધુ વરસાદ ખેંચાય તો આ મગફળી ના નાના છોડ મુરઝાઈ રહેલ હતા તે સમયે આ વિસ્તારમાં સવાર થી ધીમી ધારે વરસાદ શરૂ થતાં મુરઝાતી મોલાત ને જીવનદાન મળ્યું હતુ
તાલાલા
તાલાલા પંથકમાં ભારે ઉકળાટ વચ્ચે આજે બપોરે મેઘરાજાનું આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા.મોસમના પ્રથમ વરસાદ પડતાં ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. તાલાલા શહેર સહિત પંથકના બોરવાવ ગીર,ધાવા ગીર,માધુપુર ગીર,આંકોલવાડી ગીર,ભોજદે ગીર સહિતના ગામોમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.એક ઈંચ વરસાદ થી શહેરના માર્ગો પાણી પાણી થઈ ગયાં હતાં.વાવણી માટે અનુકૂળ વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે.
ધોરાજી
છેલ્લા ઘણા સમયથી ભારે બફાદાર અને ઉપલાદ બાદ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા આજે વહેલી સવારે પાંચ વાગ્યે ઝરમર વરસાદ આવ્યો હતો બાદ બપોરે 1:00 વાગે વરસાદનું પ્રારંભ થતાં તેમની ધારે સવા ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો હતો ધોરાજી ના ગેલેક્સી ચોક. અવેડા ચોક. સ્ટેશન રોડ. જેતપુર રોડ સરદાર ચોક. જમનાવડ રોડ પોસ્ટઓફિસ ચોક.સહિત વિસ્તાર મા વરસાદ શરૂ થતા રોડ ઉપર પાણી જોવા મળ્યા હતા વરસાદની એન્ટ્રી થતા ખેડુતોએ કરેલા આગોતરા વાવેતરને ફાયદો થશે
જેતપુર
જેતપુર શહેરમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આ વરસાદે મોટી રાહત આપી છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ બપોરના સમયે વરસાદ શરૂ થયો હતો. જોતજોતામાં વરસાદે જોર પકડતા શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. અંદાજે એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ પડેલ છે.
માળીયાહાટીના
છેલ્લા. બે. ચાર દિવસના વાદળિયા વાતાવરણ બાદ. અને સખત બફારા બાદ. સવાર થી જ. આકાશ કાળા કાળા દીબાંગ વાદળા જોવા મળ્યા હતા. અને મેઘરાજાએ માળીયાહાટીના પંથકમાં ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી દીધી હતી ન્દપોર ના 12. વાગ્યા થી. બે. વાગ્યા સુધી માં બે કલાક માં 57 . મી. મી. એટલે કે સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે તાલુકા ના . અમરાપુર ગીર વડીયા ગીર. ઇટાલી. પાણી ધરા. ભંડુરી. ગળો દર. જાનડી ઘૂંઘટી. સહિત ના અનેક ગામોમાં વરસાદ પડયો હતો.
ગોંડલ
ગોંડલ માં દિવસભર નાં અસહ્ય બફારા બાદ સાંજે ચાર કલાકે મેઘરાજા નું આગમન થયું હતું. શરુઆત માં ઝરમર વરસ્યા બાદ ધોધમાર મેઘવર્ષા થતા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.વરસાદ ને કારણે રાજમાર્ગોપર પાણી ભરાયા હતા.રાતાનાલા તથા ઉમવાડા અંડરબ્રીજ માં પાણી ભરાતા ટ્રાફિક અટવાયો હતા. ઉપરાંત માંડવીચોક, સેન્ટ્રલ સિનેમા ચોક સહિત નિચાણવાળા વિસ્તારો માં પાણી ભરાયા હતાં.રાજમાર્ગોપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.ગોંડલ નાં ગ્રામ્ય વિસ્તારો માં પણ શ્રીકાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.
મોટી પાનેલી
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી તેમજ આસપાસ ના ગામોમાં આજે બપોર બાદ અસહ્ય ઉકળાટ અને વિજધાંધિયા ના ત્રાસ વચ્ચે મેઘરાજા એ ધીમીધારે પધરામણી કરતા વાતાવરણ માં થોડી ઠંડક પ્રસરી હતી જેને લઈને ગરમીમાં રાહત પહોંચી છે ધીમીધારે વરસાદ ની પધરામણી થતા ખેડૂતોના મોઢે પણ ખુશી નું મોજું છવાયું હતું જગતનો તાત વરસાદ ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો હતો ત્યારે આજે વરસાદ ના આગમન ને ખેડૂતોએ હરખથી વધાવ્યો છે.
ગીર ગઢડા
ગીર ગઢડા અને આસપાસના વિસ્તારમાં સવારે અંદાજિત 11:30 કલાકે મેઘરાજાનું આગમન થયું હતું.વરસાદ થતા ગામના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થતા ખેડૂતો અને વેપારીઓ સહિત તમામ લોકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
સાવરકુંડલા
સાવરકુંડલા શહેર અને તાલુકામાં સતત બીજા દિવસે પણ ધીમી ગતિએ વરસાદ યથાવત રહ્યો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઝરમર વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના કારણે લોકોને છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. શહેરના મુખ્ય માર્ગો સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે વરસાદ ખેતી માટે લાભદાયી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચોરવાડ
ચોરવાડ- કુકસવાડા પંથકમાં. એક થી દોઢ ઇંચની આસપાસ વરસાદ વરસ્યો છે., તેમજ આજુબાજુ ના ગામ માં વરસાદ વરસ્યો ના અહેવાલ કુકસવાડા..ચોરવાડ. ખંભાળિયા. અસહ્ય ગરમી બાદ મેઘરાજાની એન્ટ્રી. લોકોમાં આનંદ લાગણી ફેલાઈ ગઈ હતી.. મેઘરાજા મહેરબાન થયા વરસાદી માહોલ. ના. કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી. ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
વેરાવળ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, પ્રભાસ પાટણ, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા અને ઉના સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો જેમાં આજે સવારે આઠ થી સાંજે છ વાગ્યા સુધીમાં ગીર ગઢડામાં 15 મી.મી. (અડધો ઇચ), તાલાલામાં 17 મી.મી. (અડધો ઇચ), વેરાવળમાં 36 મી.મી. (દોઢ ઇચ), સુત્રાપાડામાં 31 મી.મી. (દોઢ ઇચ), ઉનામાં 1 મી.મી. વરસાદ નોંધાયેલ છે. આ વરસાદથી ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત મળી હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે. ખેતરોમાં વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ચોમાસાના પ્રારંભિક વરસાદથી કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. ગીર સોમનાથ જીલ્લાનો દરિયાકાંઠો અને સોમનાથ મંદિર નો નજારો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
ઉપલેટા
ઉપલેટા શહેરમાં માત્ર ઝાપટા પડેલ હતા તાલુકાના મોટી પાનેલી માં 10 મીમી ખીરસરા ઘેટીયા 20 મિ મી સાતવડી 25 મિ મી વરસાદ પડેલ છે ત્યારે તાલુકાના અન્ય ગામડામાં સામાન્ય વરસાદ પડેલ છે ઉપલેટા સિટીમાં એક મીમી વરસાદ નોંધાયો હતો
અમરેલી
અમરેલી શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે અમરેલી પંથકમાં આજે 12 દિવસ પછી દોઢ ઇંચ વરસાદ વરસી જતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સાથોસાથ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. રાજુલા તાલુકામાં મેઘમહેર વચ્ચે ચોત્રા ગામે ધોધમાર વરસાદના કારણે રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદી બે કાંઠે વહેતી થતાં ગામના પશુપાલક ધકડાભાઈના અંદાજે 15થી 20 બકરાઓ પૂરના પ્રવાહમાં ફસાઈ તણાઈ ગયા હતા. બકરાઓને બચાવવા માટે પશુપાલક પોતે પણ પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. જોકે, ગામલોકોની સમયસરની બહાદુરી અને સતર્કતાના કારણે પશુપાલકનો હેમખેમ બચાવ કરવામાં આવ્યો હતો. પ્રથમ જ વરસાદમાં રાયડી નદીમાં આવેલા ઘોડાપૂરને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. પીપાવાવ, ખાખબાઈ, છતડીયા, હિંડોરણા, કાતર, કોટડી, બારપટોળી, ખેરા, પટવા, સમઢિયાળા, વડ અને કડિયાળી સહિતના ગામોમાં સારો વરસાદ વરસ્યો હતો. પીપાવાવ પોર્ટ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાગવદર, મીઠાપુર, દુધાળા, હેમાળ, લોર, ફાચરીયા, માણસા અને પાટી માણસા ગામોમાં સારો વરસાદ પડ્યો હતો. પાટી માણસા ગામે ભાડીયો નદીમાં પણ પાણી વહેતા થયાં હતા. ખાંભા ગીર પંથકમાં ખાંભા શહેર ઉપરાંત તાલડા, ચોત્રા, ત્રાકુડા અને ભાવરડી સહિતના ગામોમાં વરસાદ વરસતાં ગીરના ખેતરો પાણીથી તરબતર થઈ ગયા હતા. વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. અમરેલી શહેરમાં પણ ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વડીયા તાલુકામાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. વડીયા શહેર ઉપરાંત અરજણસુખ, અનિડા, ઉજળા, ખાખરીયા અને મોટા ઉજળા ગામોમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા અને ખેડૂતોમાં ખુશહાલીનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લમાં સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા દરમિયાન અમરેલીમાં 37 મી.મી., કુંકાવાવ વડિયામાં 30 મી.મી., લાઠી 7 મી.મી., લીલીયા 24 મી.મી., બગસરા 52 મી.મી., ધારી 1 મી.મી., ખાંભા 3 મી.મી., જાફરાબાદ 3 મી.મી., રાજુલા 45 મી.મી., વરસાદ નોંધાયો છે.
રાજુલા
સોતરા ગામ નજીક જ રાયડી નદી પસાર થતી હોવાથી ભારે વરસાદના કારણે 3 થી 4 જેટલો વરસાદ પડતા નદીમાં પાણી ખૂબ જ રહેતું હતું જેમાં 35 જેટલા બકરા તણાયા હતા બકરા સોતરા ગામના ધનજીભાઈ ના હતા આ અંગેની જાણ થતા ગામના સરપંચ તલાટી સહિત સ્થળ ઉપર દોડી ગયા હતા પણ સોતરા પંથકમાં સોતરા કંથારીયા સરોવરડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં અને રાયડી ડેમ વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યાના સમાચાર છે
બગસરા
બગસરાના તેમજ આજુબાજુ ગામોમાં જેવાકે હડાળા ડેરીપીંપરીયા, માવજીજવાં જેવા ગામોમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા તેમજ હોકળીઓ બે કાંઠે આવી ગઈ હતી જયારે બગસરા શહેરમાં બે ઇંચ વરસાદ પાડવા છતાં નદી નાળામાં પાણી આવેલ નથી પરંતુ જગતનો તાત જે મીટ માડીને વરસાદ ની આતુરતાથી રાહ જોઈ રહેલ હતો તેમના ચહેરામાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી જોકે હાલ હજી પણ વરસાદ ધીમી ધારે વર્ષી રહેલ છે. ઉપર વાસના ગામડાઓ વરસાદના કારણે નાના નાના હોકલામા પણ પાણી આવી ગયા છે. બપોર ના સમય દરમિયાન પડી રહેલ વરસાદ સાંજે 6 કલાક સુધી ના સતાવાર વરસાદ ના આંકડા પ્રમાણે 51 એમ એમ નોધાયેલ છે.
જૂનાગઢ
જૂનાગઢ શહેર સહિત સમગ્ર સોરઠ પંથક લાંબા ઇન્તઝાર બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે, ગત રાત્રીથી જ વરસાદી માહોલ જામ્યા બાદ, આજ સાંજ સુધીમાં જિલ્લામાં અડધાથી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, અને વાવણીના એંધાણ વચ્ચે ધરતીપુત્રોમાં હરખની હેલી તો બીજી બાજુ જુનાગઢ મનપાની તંત્રની પ્રિ-મોન્સૂનમાં પોલમપોલ અને વીજ તંત્રની લાઇટ ગુલની સમસ્યાઓ સામે આવી છે. જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં લાંબા સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં હતાં. દરમિયાન ગત રાત્રિથી જ સોરઠના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને જૂનાગઢમાં ગત મોડી રાતથી વરસાદનું ઝીણી ધારે આગમન થયું હતું અને બપોર બાદ વરસાદે જમાવટ કરી દીધી હતી, જે દરમિયાન બપોરના 2 થી 5 જુનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં બે ઇંચ, વંથલીમાં સવા ઇંચ, ભેસાણમાં સવા ચાર ઇંચ, કેશોદમાં અડધો ઇંચ, માંગરોળમાં એક ઇંચ અને માળિયામાં ચાર ઇંચ શ્રીકાર વરસાદ થયો હતો. તો ગિરનાર અને ગિરનાર અને દાતારના જંગલ વિસ્તારમાં પણ ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થયો હોવાના અને ગિરનારના પગથિયા ઉપરથી પાણીની નદીઓ વહેતી થઈ હોવાથી વાવડ મળી રહ્યા છે.
મેંદરડા
લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહેલા ચોમાસાના પ્રથમ વરસાદે આજે મેંદરડા પંથકમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોર બાદ ધીમી ધારથી શરૂ થયેલા વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને વાતાવરણમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો. પ્રથમ વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને હવે ખેતીની કામગીરી શરૂ કરવાની આશા જાગી છે. વરસાદના આગમનથી વાવણીની તૈયારીઓમાં પણ વેગ આવશે તેવી ખેડૂતોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
માધવપુર ઘેડ
પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે આજે મોસમનો પ્રથમ વરસાદ આજે સવારથી જ વાદા સારું વાતાવરણ જોવા મળી રહી છે ત્યારે વરસાદ વર્ષોની સાથે જલોકો અને ખેડૂતોનો ખુશી જોવા મળે છે ત્યારે સાંજે 6:00 વાગ્યા આસપાસ થી વરસાદ શરૂ થતા અત્યારે નવ વાગ્યા સુધીમાં પોણા એક ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે હજુ પણ વરસાદ ચાલુ જ છે.
ઝાંઝરડા રોડ અને જોષીપુરાનો અંડરબ્રીજ ભરાયા : કાર પાણીમાં ડૂબી
જુનાગઢ શહેરમાં પ્રથમ વરસાદે જ બે ઇંચ જેટલો વરસાદ થતાં મનપાની કામગીરીઓ સવાલે નિશાના પર આવી છે. આજે જુનાગઢના જોષીપરા અંડરબ્રિજમાં પહેલા વરસાદમાં જ ભરાઈ જતા, લાખો લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને સાંજના સમયે એક કાર અન્ડરબ્રિજના પાણીમાં ડૂબી જતા ફાયર બ્રિગેડ દ્વારા કારને મહામુસીબતે બહાર કઢાઈ હતી. આવી જ રીતે ઝાંઝરડા રોડ ઉપર આવેલા અંડર બ્રિજ પણ ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને મનપા તંત્ર વાતોના વડા કરવાને બદલે ચોમાસા દરમિયાન લોકોને મુશ્કેલીઓમાંથી બહાર લાવવાના સઘન કામો કરે તેવી લોકોમાંથી રોષ પૂર્ણ માંગ ઉઠવા પામી છે.
13 જિલ્લામાં આજથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દદ્વારા આજે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પાંચ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને રાજકોટ સહિત ચાર જિલ્લામાં યલો એલર્ટ સાથે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.