Jai Hind

રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના 12 જળાશયમાં નવા નીર, સૌથી વધુ ઉમિયાસાગરમાં 10 ફુટ

ફુલઝરમાં 9.25, સોડવદરમાં 9, વેણુ-2માં 6.63 અને મોજમાં 4.72 ફુટની આવક

રાજકોટે સહિત સૌરાષ્ટ્રવાસીઓ જેમની ચાતક નજરે અમિવાટ જોતા હતા તે મેઘરાજાએ અંતે કૃપાદ્રષ્ટિ કરી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધીંગી ધારે મેઘમહેર વરસાવી છે. સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસુ બેસી જતુ હોય છે પરંતુ આ વખતે મોડા દર્શન થતા ખાસ કરીને ધરતીપુત્રો ઉપર ચિંતાના વાદળો ઘેરાઇ ગયા હતા, કુવા સુકાઇ ગયા હતા. બોર ડૂકી ગયા હતા. નદી પટમાં ફેરવાવા લાગી હતી. ડેમના તળિયા દેખાવા લાગ્યા હતા. પીવાના પાણીની સાથે ખેતરોમાં પિયત માટેની પણ ચિંતા હતી. બરોબર ત્યારે જ મારા વ્હાલા મેઘરાજાએ અમિદ્રષ્ટિ કરતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના રાજકોટ જિલ્લા ઉપરાંત મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને અમરેલી જિલ્લાના 12 જેટલા જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. જેમા સૌથી વધુ જામનગર જિલ્લાના ઉમિયાસાગર ડેમમાં 10.17 ફૂટ, ફલઝરમાં 9.25 ફૂટ, રાજકોટ જિલ્લાના સોડવદરમાં 9.02 ફૂટ, વેણુ-2માં 6.63 ફૂટ અને મોજ ડેમમાં 4.72 ફૂટ નવા નીરની પધરામણી થઇ છે. હજુ પણ ઉપરવાસમાંથી ધીંગી આવક ચાલુ હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ક્યા ડેમમાં કેટલી આવક
ડેમ 24 કલાકમાં આવક કુલ સપાટી હાલની સપાટી
ઉમિયા સાગર 10.17 ફૂટ 48.88 ફૂટ 13 ફૂટ
ફલઝર 9.25 ફૂટ 48.88 ફૂટ 24.40 ફૂટ
ફોફળ 0.36 ફૂટ 24.38 ફૂટ 14.20 ફૂટ
ડેમી 1 0.33 ફૂટ 24.77 ફૂટ 23 ફૂટ
મચ્છુ 1 0.07 ફૂટ 49 ફૂટ 42 ફૂટ
ભોગાવો 2 0.20 31 ફૂટ 20 ફૂટ
મોજ 4.72 ફૂટ 44 ફૂટ 32 ફૂટ
વેણુ 2 6.63 ફૂટ 54.13 ફૂટ 16.70
સોડવદર 9.02 ફૂટ 42.52 ફૂટ 14.90 ફૂટ
ન્યારી 2 0.30 ફૂટ 34.45 ફૂટ 4.90 ફૂટ
કરમાળ 0.66 ફૂટ 36 ફૂટ 13.10 ફૂટ

ચેકડેમમાં ઉપરવાસમાંથી ઠલવાતા નવા નીર
રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સાત જિલ્લાના મોટા જળાશયો ઉપર બાંધવામા આવેલા ચેકડેમમાં પણ નવા નીરની આવક શરૂ થઇ ચુકી છે. ચેકડેમ ભરાયા બાદ ડેમમાં જળરાશી આવવાનો પ્રવાહ વધી જશે. જો કે ચેકડેમ ભરાવા લાગતા આસપાસના ખેતવિસ્તારોના તળ ઉંચા આવવા લાગ્યા છે. પિયત માટેની ચિંતા હળવી થવા લાગી છે.