ભાવનગરના ઘોઘામાં 24 કલાકમાં 6, ડોળાસામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે દોઢ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો
સુરતના પલસાણામાં 18, કામરેજમાં 16, નવસારીમાં 15, સુરતમાં 13, જાલોલપોરમાં 10 ઈંચ વરસાદથી જળબંબોળ
જુલાઈ માસના પ્રારંભથી જ રાજ્મયાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તા. 6 સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છને ધમરોળ્યા બાદ તા. 7 ને મંગળવારે વરસાદનું જોર ઓછુ થયું છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, તાલાલા, ઉના, દીવ, જામનગર સહિતના જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાવી માહોલ વચ્ચે હળવા ઝાપટાથી દોઢ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. સુરતના પલસાણામાં 18, કામરેજમાં 16, નવસારીમાં 15, સુરતમાં 13, જાલોલપોરમાં 10 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મંગળવારે વરસાદનું જોર ઓછું જોવા મળ્યું હતું. આખો દિવસ મેઘાવી માહોલ વચ્ચે દોઢ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં કોડીનારમાં 1.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જામનગરના જોડિયામાં એક ઈંચ તો લાલપુરમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.
જ્યારે જામનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટા વરસ્યા હતાં. તો વલી બીજી તરફ ડોળાસામાં છેલ્લા 24 કલાકમાં અઢી અને ભાવનગરનિા ઘોઘામાં છ ઈંચ વરસાદ વરસ્યાનું જાણવા મળ્યું છે.
રાજકોટ શહેરમાં સોમવારે રાત્રે જોરદાર ઝાપટુ વરસ્યા બાદ મંગળવારે સવારથી મેઘાવી માહોલ વચ્ચે ઝાપટા વરસ્યા હતાં. સવારે 11 વાગ્યાની આસપાસ જોરદાર ઝાપટુ વરસતા શહેરના રસ્તાઓ પરથી પાણી વહેતા થયા હતાં. જ્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટા વરસ્યા હોવાના સમાચાર મળ્યા છે.
જોડિયામાં એક, લાલપુરમાં પોણો ઈંચ વરસાદ
જામનગર પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ગઈકાલે માત્ર હળવો વરસાદ થયો હતો. જોડિયા માં એક ઈંચ લાલપુ રમાં પોણો અને અન્ય તાલુકા માં હળવો વરસાદ થયો હતો, જો કે જામનગર જિલ્લાના અમુક ગામડા માં એકથી બે ઈંચ વરસાદ નોંધાયો હતો. મંગળવારે સવારે પૂરા થતાં ર4 કલાક માં જામનગરમાં 4 મી.મી., જોડિયામાં ર3 મી.મી., ધ્રોલમાં 11 મી.મી., કાલાવડમાં 13 મી.મી., લાલપુરમાં ર0 મી.મી. અને જામજોધપુરમાં 3 મી.મી. વરસાદ થયો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં મોટી બાણુંગારમાં રપ મી.મી., જામવણંથલીમાં 10 મી.મી., મોટી ભણસાલમાં 10 મી.મી., અલિયાબાડામાં 1ર મી.મી., હડિયાણામાં 30 મી.મી., બાલંભામાં 1પ મી.મી., જાળિયા દેવાણીમાં રર મી.મી., ભલસાર બેરાજામાં 10 મી.મી., નવાગામમાં 1પ મી.મી., મોટા પાંચદેવડામાં 48 મી.મી., જામવાડીમાં 1ર મી.મી., મોટા ખડબામાં 10 મી.મી. વરસાદ છેલ્લા ર4 કલાકમાં નોંધાયો છે. જામનગર શહેરમાં ગત્ રાત્રે વરસાદ શરૂ થયો હતો, પરંતુ માત્ર થોડી જ મિનિટમાં વિરામ લીધો હતો. બીજી તરફ શહેર ના કેટલાક વિસ્તારમાં ગત્ રાત્રે વીજ પુરવઠો ખોરવાયો હતો, જે મોડેથી પૂર્વવત થયો હતો. વરસાદી માહોલ વચ્ચે લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
અમરેલી જિલ્લામાં એક ઈંચ સુધીનો વરસાદ
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદ બાદ આજે મેઘાએ રાહત આપતા હોય તેમ આજે સવાર 6થી રાત્રે 8 વાગ્યા સુધીમાં હળવા ઝાપટાથી લઈ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમરેલી, લીલીયા, લાઠી સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં સોમવાર સાંજથી મંગળવાર સવાર સુધીમાં ભારે વરસાદ વરસી ગયા બાદ મંગળવારે વરસાદે આંશિક રાહત આપી છે. આજે દિવસ ભર વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટાથી લઈ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમરેલી ફ્લેડ કંટ્રોલ રૂમ ખાતે આજે સવાર 6થી રાત્રે 8 વાગ્યા સુધીમાં બાબરા 4, લીલીયા 7, અમરેલી 6, બગસરા 3, ધારી 3, સાવરકુંડલા 11, ખાંભા 13, જાફરાબાદ 21, અને રાજુલામાં 18 મી. મી. વરસાદ નોંધાયો છે.
ભાવનગરના ગોઘામાં 24 કલાકમાં 6 ઈંચ વરસાદ
ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ જુલાઈ મહિનાની શરૂઆતમાં જ ધમાકેદાર ઇનિંગ્સ રમી છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો વરસાદ વરસતાં સમગ્ર જિલ્લામાં હરખ અને હરિયાળીની આશા છવાઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 79.60 મિ.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ 156 મિ.મી. વરસાદ ઘોઘા તાલુકામાં નોંધાયો છે. ભાવનગર તાલુકામાં 114 મિ.મી., શિહોરમાં 113 મિ.મી., ગારીયાધારમાં 86 મિ.મી., ઉમરાળામાં 80 મિ.મી., વલ્લભીપુરમાં 57 મિ.મી., મહુવામાં 55 મિ.મી., પાલીતાણામાં 52 મિ.મી., જેસરમાં 48 મિ.મી. અને તળાજામાં 35 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ વરસાદથી જળાશયો, નદીઓ અને ખેતરોમાં નવી આશાનો સંચાર થયો છે. ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ખરીફ પાક માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ચાલુ વર્ષમાં આજદિન સુધી જિલ્લામાં સરેરાશ કુલ વરસાદ 30.42 મિ.મી. નોંધાયો છે.તાલુકાવાર આંકડાઓ મુજબ મહુવા તાલુકો 333 મિ.મી. વરસાદ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાને છે. ત્યારબાદ ઘોઘા (239 મિ.મી.), ગારીયાધાર (227 મિ.મી.), ભાવનગર (215 મિ.મી.), જેસર (210 મિ.મી.), ઉમરાળા (195 મિ.મી.), શિહોર (165 મિ.મી.), પાલીતાણા (162 મિ.મી.), વલ્લભીપુર (138 મિ.મી.) અને તળાજા (89 મિ.મી.)નો ક્રમ આવે છે.
બાબરા તાલુકામાં એક કલાકમાં ચાર ઈંચ વરસાદ
બાબરા સહિત તાલુકા માં ગત રાત્રી ના ભારે પવન અને આકાશી વીજળી સાથે સર્વત્ર નોંધપાત્ર વરસાદ પડ્યો છે રાત્રે 10 કલાકે શરૂ થયેલો વરસાદ પ્રથમ રાઉન્ડ માં 105 મીમી ચાર ઈચ ઉપરાંત વરસી જતા જળબંબાકાર સ્થિતિ સર્જાય હતી બાબરા શહેર મધ્ય માંથી પસાર થતી કાળુભાર નદી માં રાતે પુર પ્રકોપ સર્જાતા નજીક ના શિવાજી ચોક ધૂળિયા પ્લોટ તથા ચમારડી ના ઝાપા સહિત ના વિસ્તારો માં ગોઠણબુડ પાણી ભરાયા હતા તાલુકાના ચરખા, ચમારડી, નીલવડા, ઘુઘરાળા, કોટડાપીઠા, દરેડ, જામબરવાળા, નાનીકુંડળ, ખાખરીયા, ધરાઈ, મોટાદેવળિયા સહિત ની નદી ઓ માં પુર આવ્યા હતા જયારે બાબરા ચાવંડ ચમારડી જામબરવાળા હીરાણા ખાખરીયા સહિત ના રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ઉભરાતા રોડ રસ્તા સહિત શિમ વિસ્તાર ના રસ્તા કલાકો સુધી બંધ રહ્યા હતાં.
ડોળાસામાં વધુ અઢી ઈંચ
કોડીનાર તાલુકા ના ડોળાસા વિસ્તાર મા આજે સાતમા દિવસે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. આ દરમ્યાન 62 મી. મી.વરસાદ થયો છે. ડોળાસા અને આજુબાજુ ના ગામોમાં તા.1-7 થી હેલી જામી છે. સોમવારે મધ્ય રાત્રી ના સાડા બાર વાગ્યા થી સાંજ ના પાંચ વાગ્યા સુધીમાં 62 મી.મી.( અઢી ઇંચ વરસાદ ) થયો છે. મોસમ નો કુલ વરસાદ 360 મી. મી. ( સાડા ચૌદ ઇંચ ) થયો છે.તા.એક જુલાઈ થી સતત ધીમી ધરે વરસાદ વરસી રહ્યો છે. જેથી ખેતરો તળાવ મા ફેરવાયા છે. હજુ અનેક ખેડૂતો ને વાવણી બાકી છે.લાંબી વરાપ નહિ નીકળે ત્યાં સુધી વાવણી કાર્ય પૂર્ણ નહિ થાય તેમ ખેડૂતો જણાવે છે.
જામનગરના પટણીવાડ વિસ્તારમાં પ્રથમ હળવા વરસાદમાં જર્જરિત ઇમારતની છત ધરાશાયી
જામનગર શહેરમાં પ્રથમ વરસાદના રાઉન્ડ દરમિયાન પટણીવાડ વિસ્તારમાં સદ્દામ રેસ્ટોરન્ટ સામે આવેલી હુસૈની બાગ હોલની જૂની અને જર્જરિત ઇમારતની છત સોમવારે રાત્રે અચાનક ધરાશાયી થઈ હતી. વરસાદ વરસી રહ્યો હતો ત્યારે બનેલી આ ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. સદનસીબે ઘટના સમયે છત નીચે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ ને ઇજા થઈ નહોતી અને મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી હતી. શહેરમાં વરસાદી મોસમ દરમિયાન આવી જર્જરિત ઇમારતો લોકો માટે જોખમરૂપ બની શકે છે. સ્થાનિકોએ તંત્ર દ્વારા શહેરની જોખમી અને જર્જરિત ઇમારતોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.