20 મીટરથી વધુ લાંબી બોટ ધરાવતા માછીમારને રૂા. 15 સસ્તુ ડીઝલ અપાશે

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માછીમાર ભાઈઓના આર્થિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, માછીમારોની યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉના નિયમ મુજબ આ યોજનાનો લાભ માત્ર 20 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક બોટોને જ મળતો હતો. હવે માછીમાર સમુદાયના વ્યાપક હિતમાં આ 20 મીટરની મર્યાદાને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. આ સુધારાના પરિણામે હવે રાજ્યની ડીપ-સી બોટો સહિત તમામ યાંત્રિક ફિશિંગ બોટો આ યોજનાનો લાભ મેળવી શકશે. આ લાભ મેળવવા માટે જે-તે ફિશિંગ બોટની નોંધણી ’રિયલ ક્રાફ્ટ પોર્ટલ’ પર થયેલી હોવી જોઈએ તેમજ બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ હોવું અનિવાર્ય છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યની નોંધાયેલી 18,000થી વધુ યાંત્રિક ફિશિંગ બોટો હવે ડીઝલ વેટ રાહત મેળવવા માટે પાત્ર બની છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી તમામ યાંત્રિક બોટોને સરકાર દ્વારા ’ડીઝલ કાર્ડ’ આપવામાં આવશે. આ કાર્ડ ધારક બોટોને પ્રતિ લિટર મહત્તમ રૂૂ. 15/- લેખે ડીઝલ વેટ રાહત મળશે. જો વેટની રકમ રૂૂ. 15 કરતાં ઓછી હશે, તો તે મુજબ સબસિડી મળવાપાત્ર રહેશે.નાના, મધ્યમ અને મોટાતમામ વર્ગના માછીમારોને આ સમાન લાભ મળવાને કારણે તેમના ડીઝલના દૈનિક ખર્ચમાં મોટો ઘટાડો થશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકમાં નોંધપાત્ર વધારો થશે.

રિલેટેડ ન્યૂઝ