કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વચ્ચે કરાર
પુન: વસત, જમીન સંપાદન, જળ વહેંચણી બાબતે સહમતી : ડબલ એન્જિન સરકારને ફાયદો
વર્ષો જૂનો અને દાયકાઓથી અનિર્ણિત રહેલો નર્મદા જળ વિવાદ આખરે ઉકેલાઈ ચૂક્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ – એમ ચાર રાજ્યો વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વપૂર્ણ કરાર દ્વારા વિસ્થાપિતોના પુનર્વસન, જમીન સંપાદન બાદના વળતર અને જળ વહેંચણી જેવા જટિલ મુદ્દાઓનો શાંતિપૂર્ણ અને સર્વસંમતિથી ઉકેલ લાવવામાં આવ્યો છે. ચારેય રાજ્યોના હિતોને ધ્યાનમાં રાખીને આ ઐતિહાસિક નિર્ણય પર મહોર મારવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા સંવાદ અને સહમતિના પાયા પર આધારિત હતી, જેના પરિણામે લાંબા સમયથી અટવાયેલા પ્રશ્ર્નોનો નિકાલ થયો છે. આ સમજૂતી શક્ય બનવા પાછળ ડબલ એન્જિન સરકારનો મોટો ફાળો છે. અગાઉ, વિવિધ રાજ્યોમાં અલગ-અલગ પક્ષોની સરકારો હોવાને કારણે યોગ્ય સંકલન સાધવું મુશ્ર્કેલ બનતું હતું. જોકે, કેન્દ્રમાં અને મોટાભાગના સહભાગી રાજ્યોમાં ભાજપની સરકાર હોવાથી એક સમાન વિચારધારા અને લક્ષ્ય સાથે આગળ વધવું સરળ બન્યું. અમિત શાહે જળ ક્ષેત્રે સહકારી સંઘવાદનો પહેલીવાર સફળ પ્રયોગ કર્યો છે અને જળ સુરક્ષાને મજબૂત કરવા માટે આ ઐતિહાસિક પહેલ કરી છે. આ કરાર એક વન ટાઇમ સેટલમેન્ટ તરીકે અમલમાં મૂકવામાં આવ્યો છે. આર્થિક ચૂકવણી અને ખર્ચ વહેંચણી અંગેના તમામ વિવાદોનો આમાં સમાવેશ થાય છે. ભૂતકાળમાં, મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહની સરકાર દરમિયાન વિસ્થાપિતો અને વળતરને લઈને વિવાદ વધુ વકર્યો હતો. તે સમયે પેમેન્ટ બાકી રહેવા અને વ્યાજ પર વ્યાજ લાગવા જેવી સમસ્યાઓ હતી. પરંતુ હવે, ચારેય રાજ્યો અને કેન્દ્રમાં સમાન પક્ષની સરકારો હોવાથી આર્થિક નાણાની ચૂકવણી અને ખર્ચ વહેંચણીના વિવાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. નર્મદા એવોર્ડ લાભાર્થી રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વચ્ચે બાકી ચૂકવણીના નિકાલ અંગે ઐતિહાસિક સમજૂતી થઈ છે. કેન્દ્રીય ગૃહ તેમજસહકારિતા મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. બેઠકમાં કેન્દ્ર અને ચારેય રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
