Jai Hind

ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠનમાં રાજકોટના સફાયા બાદ હવે મહિલા મોરચામાં પણ બાદબાકી

પ્રદેશ સંગઠન કે કારોબારીમાં રાજકોટ શહેરમાંથી એક પણ મહિલા નેતાને સ્થાન નહીં

ગુજરાતની ભાજપ સરકાર અને ભાજપના પ્રદેશ સંગઠનમાંથી રાજકોટ શહેરનો સફાયો થઇ ગયા બાદ હવે પ્રદેશ ભાજપ મહિલા મોરચામાંથી પણ રાજકોટ શહેરનો સફાયો કરી દેવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિક નેતાઓ આ માટે જવાબદાર છે કે, મોવડી મંડળને જ રાજકોટ ભાજપથી સુગ છે. તેવો સવાલ પૂછાઇ રહ્યો છે. ગત શનિવારે જાહેર કરવામાં આવેલા પ્રદેશ ભાજપ મહિલા મોરચામાં ઉપાધ્યક્ષ, મહામંત્રી કે મંત્રીના 21માંથી એક પણ હોદો રાજકોટ શહેરને આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત મહિલા મોરચાની કારોબારીમાં 25 સભ્યો નિમવામાં આવ્યા છે. તેમાં પણ રાજકોટ શહેરમાંથી કોઇ મહિલા આગેવાનને સ્થાન અપાયું નથી. રાજકોટ જિલ્લામાંથી એકમાત્ર સીમાબેન જોષીને પ્રદેશ કારોબારીમાં સ્થાન ળ્યુ છે. સ્વ.વિજયભાઇ રૂપાણીની મુખ્યમંત્રી પદેથી વિદાય બાદ સરકાર અને સંગઠનમાંથી રાજકોટ શહેરનુ રીતસર ખસીકરણ કરવામાં આવી રહ્યુ છે. સરકારમા ભાનુબેન બાબરીયા મંત્રી હતા. તેમને પણ ઘર ભેગા કરી અન્ય કોઇ ધારાસભ્યને મંત્રીપદ અપાયુ નથી. આજ રીતે ભાજપના પ્રદેશ સંગઠનમાંથી પણ રાજકોટનો સંપૂર્ણ કાંકરો કાઢી નાખવામાં આવ્યો હતો અને માત્ર કારોબારીમાં સામાન્ય સભ્યપદ આપી દેવામાં આવ્યુ હતું. હવે મહિલા મોરચામાંથી પણ રાજકોટનો સફાયો કરી નાખવામાં આવતા રાજકોટની સ્થાનિક નેતાગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે. રાજકોટ ભાજપના એક પણ નેતાનુ ગાંધીનગર કે, પ્રદેશ કાર્યાલયમાં કાંઇ ઉપજતુ નહીં હોવાની છાપ ઉપસી છે. સામાન્ય રીતે સરકાર અને પ્રદેશ સંગઠનમાં નવી નિમણુંકો થાય ત્યારે સ્થાનિક સંગઠનના નેતાઓની ભૂમિકા મહત્વની હોય છે. પરંતુ રાજકોટ શહેર ભાજપનું સંગઠન આવી ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગયુ છે. અથવા તો લાયકાત ગુમાવી બેઠુ હોય તેવી છાપ ઉપસી છે.