Jai Hind

રાજ્યની બીજા નંબરની ભવ્ય રથયાત્રા નીકળી: 17.5 કિ.મી.ના રૂટ પર કેસરિયો માહોલ

ભાવનગર ભગવાન શ્રી જગન્નાથજીના રંગે રંગાયું

મોરારીબાપુ, સંતો મહંતો, કેન્દ્રીય મંત્રી નિમુબેન, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો એ ભગવાનના દર્શન કર્યા

ગુજરાત રાજ્યની બીજા નંબરની મોટી રથયાત્રા એવી ભાવનગરની 41મી રથયાત્રાને પહિંદ વિધિ બાદ કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સંતો- મહંતોની ઉપસ્થિતિમાં રથને પ્રસ્થાન કરવાયું હતુ. જય જય જગન્નાથ, હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’ના ભક્તિનાદ સાથે ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની 18 કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ સુભાષનગર ખાતેના નિજ મંદિરેથી નિકળ્યાં હતા. શહેરનાં ભાવિક ભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો.
કેન્દ્રીય રાજ્ય મંત્રી તેમજ ભાવનગરનાં સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણીયા અને પૂજ્ય સંત શ્રી મોરારીબાપુએ ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભગવાન પોતે નગરજનોનાં ક્ષેમકુશળ પૂછવાં સામેથી લોકો વચ્ચે જાય છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે નીકળી રહી છે ત્યારે ભાવેણુ ભક્તિમય બન્યું છે અને ભાવેણાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આખા ભાવનગરમાં સુશોભન અને શણગાર કરવામાં આવ્યો છે. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સફળ બનાવવા પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લા 40 વર્ષથી અષાઢી બીજનાં રોજ દેશની ત્રીજા ક્રમની અને રાજ્યમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં યોજાય છે. વર્ષો જૂની પરંપરા મુજબ શહેરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રા યોજાઇ રહી છે. સુભાષનગર ભગવાનનાં મંદિર સામેથી રથની પૂજા, અર્ચન કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયાં હતાં અને ભગવાન જગન્નાથજીનાં દર્શનનો લાભ લીધો હતો. રથયાત્રાને માજી સૈનિકોએ સલામી આપીને પ્રારંભ કરાવ્યો હતો, ત્યારબાદ અવનવા પ્લોટસ રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રાનાં સમગ્ર આયોજન દરમ્યાન ભાવનગર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
રથયાત્રામાં ચોક્કસ થીમ આધારિત ફ્લોટસનાં ટ્રકને રથયાત્રામાં જોડવામાં આવ્યા છે. રથયાત્રા સાથે ફોરેસ્ટ, આરોગ્ય તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ, પી.જી.વી.સી.એલ., ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, બ્લેક કમાન્ડો, ઘોડે સવાર પોલીસ તથા બી.એસ.એફ, સી.આર.પી.એફ. જવાનો જોડાયા છે. આ રથયાત્રામાં હાઈટેક સાધનો-ઉપકરણોનો ઉપયોગ કરીને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. આ રથયાત્રાને સફળ બનાવવા માટે હરુભાઇ ગોંડલીયાએ અભિનંદન આપ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ રથયાત્રા ભાવનગરમાં તેના નિર્ધારિત રૂટ પર ફરી રાત્રિના નિજ મંદિર પરત ફરે છે.આ રથયાત્રાનાં શુભારંભ પ્રસંગે મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ લાધવા, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારી, મહાનગરપાલિકા કમિશનર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા કલેક્ટર ડો. મનીષ કુમાર બંસલ, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે, આગેવાન કુમાર શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, સંતો- મહંતો, કોર્પોરેટરઓ, વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે વહીવટીતંત્ર, પોલીસતંત્ર રથયાત્રા કમિટિ વિ.એ સંકલન સાધી તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપી દીધો હતો. આ રથયાત્રામાં 15 અજઙ/ઉઢજઙ, 31 એક્જ.મેજીસ્ટ્રેટ, 5 કંપની જછઙ, 48 પી.આઇ., 109 પી.એસ.આઈ., 1836 પોલીસ અને 1500 હોમગાર્ડ જવાનો સમગ્ર રથયાત્રા દરમિયાન તૈનાત રહ્યા હતા.
આજે સવારથી રાત સુધી ભાવનગર શહેરના 17.5 કિલોમીટરના નિયત રૂટ પર ફરનારી રથયાત્રામાં મિની ટ્રેન, લંબુ વાંદરા, છત્રી મંડળી, નાસિક ઢોલ, ભુંગળ મંડળી, ભજન મંડળી વિ. તેમજ અખાડાના દાવ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રથયાત્રામાં ત્રણ ટન ચણાની પ્રસાદીનુ વિતરણ કરાયું હતું. રથયાત્રાને લઈ ભાવનગર કેસરિયા રંગમાં રંગાયું હતું. રથયાત્રા દરમિયાન સવારે અને બપોરે વરસાદનું ઝાપટું વરસી ગયું હતું. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાતા તંત્રએ હાશકારાની લાગણી અનુભવી હતી.

ભાવનગરની 41મી રથયાત્રાના સાક્ષી બનવું એ મારું સદભાગ્ય: મોરારીબાપુ
સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક પાટનગર સમાન ભાવનગરમાં યોજાયેલી ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા પ્રસંગે સુપ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારી બાપુએ ખાસ ઉપસ્થિત રહીને પ્રભુના ચરણોમાં વંદન કર્યા હતા. આ પાવન અવસરે ભાવનગરમાં યોજાતી રથયાત્રાને સમગ્ર સૌરાષ્ટ્રનું એક પવિત્ર પર્વ ગણાવતા પૂજ્ય બાપુએ ભાવભીનું વક્તવ્ય આપ્યું હતું. પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં યોજાતી આ 41મી રથયાત્રા એ ભગવાનની પરમ કૃપા છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં પ્રથમ પ્રકારની રથયાત્રા જગન્નાથ પુરીમાં ઉજવાય છે, જ્યારે આપણા ગુજરાતમાં અમદાવાદ ખાતે ભવ્ય રથયાત્રા નીકળે છે. પરંતુ આપણા સૌરાષ્ટ્રમાં જ્યાં સુધી હું સમજી શકું છું ત્યાં સુધી, ભાવનગરની અંદર આ રથયાત્રાનો પવિત્ર પર્વ ઉજવાય છે, જે આપણા બધા માટે ખૂબ જ સદભાગ્ય અને ભગવદ કૃપાની વાત છે. આ પવિત્ર પર્વના સાક્ષી બનવાનો મને લાભ મળ્યો છે, તે બદલ હું મારી જાતને ધન્ય સમજું છું.