Jai Hind

વરસાદ દરમિયાન તંત્રને હાઈએલર્ટ રહેવા સૂચના સીએમ મધરાત્રે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે પહોંચ્યા


વરસાદ, રેસ્ક્યુ, વીજ પુરવઠો સહિતની બાબતોની કલેક્ટરો પાસેથી વિગતો મેળવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગતરાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને રાજ્યમાં સર્જાયેલી વરસાદી સ્થિતિની વિગતો હવામાન વિભાગ અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો પાસેથી મેળવી હતી. હવામાન વિભાગના અધિકારીઓએ આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના અંગેની વિગતવાર જાણકારી આપી હતી. ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં થયેલા વરસાદ તેમજ અમદાવાદના ધોળકા તથા ખેડાના મહેમદાવાદ અને મહેસાણા જિલ્લામાં થયેલા વરસાદની ઝીણવટપૂર્વક વિગતો મેળવી હતી. તેમણે રાત્રિ દરમિયાન વરસાદ પડે તો તંત્રને હાઈ એલર્ટ પર રહીને સ્થિતિ પર સતર્કતાપૂર્વક નજર રાખવાની સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે એન.ડી.આર.એફ.ની 4 ટુકડીઓ દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે, તેમાંથી 2 વલસાડ અને 1 નવસારી મોકલવામાં આવી છે તથા 1 ટુકડી સુરતમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ ટીમો બચાવ-રાહત માટેના સાધનો અને બોટ સાથે જિલ્લા તંત્રની મદદમાં રહેશે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ સાવચેતીના ભાગરૂૂપે એનડી આરએફ તેમજ એસડી આરએફની ટીમો રાખવામાં આવી છે.