રાજકોટ, સુરેન્દ્રનગરના બદલે ઢસા, ધોળકા, ગાંધીગ્રામ, સાબરમતી રૂટ પર ચાલશે
સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનો વાયા રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર રૂટ બદલી હવે જુનાગઢ ઢસા, બોટાદ, ધંધુકા, ગાંધીગ્રામ સ્ટેશનો પરથી દોડશે. જેના પરિણામે સૌરાષ્ટ્રના અનેક મહત્વપૂર્ણ શહેરો અને નગરોના મુસાફરોને આ આધુનિક સેમી-હાઈસ્પીડ રેલ સેવાનો લાભ મળશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, ભારતીય રેલ્વેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રેલ્વે બોર્ડના નિર્દેશ અનુસાર સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ હાલમાં જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જંક્શન, વિરમગામ જંક્શન અને સાબરમતી સ્ટેશનો મારફતે દોડે છે. તેના બદલે આગામી તા. 17 ઓગસ્ટથી જૂનાગઢ, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, ગાંધીગ્રામ અને સાબરમતી જેવા મહત્વપૂર્ણ સ્ટેશનો પરથી દોડશે. આથી આ વિસ્તારોના મુસાફરોને પ્રથમ વખત ઝડપી, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો વંદે ભારત એક્સપ્રેસ જેવી વિશ્વસ્તરીય રેલ સેવાનો સીધો લાભ મળશે. તે સાથે પ્રાદેશિક વિકાસ, પર્યટન અને વેપારિક પ્રવૃત્તિઓને પણ નવી ગતિ મળવાની આશા છે. વંદે ભારત એક્સપ્રેસના રૂટ પરિવર્તન બાદ આ ટ્રેન વેરાવળથી નિર્ધારિત સમય બપોરે 3:50 વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે 10:25 વાગ્યે સાબરમતી પહોંચશે. તે જ રીતે પરત ફરતી વખતે ટ્રેન સાબરમતીથી સવારે 6:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બપોરે 12:50 વાગ્યે વેરાવળ પહોંચશે. તથા આ ટ્રેઈન જૂનાગઢ, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, ગાંધીગ્રામ અને સાબરમતી સ્ટોપ કરશે. જેથી મુસાફરીનું આયોજન કરતાં પહેલાં નવી સમયસૂચિ તેમજ આરક્ષણ સંબંધિત માહિતી અવશ્ય મેળવી લેવા ભાવનગર રેલ્વે મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે.