વિભાપરમાં દીકરીને આવકારવા ગ્રામજનો ઉમટી પડયા: બેન્ડબાજા સાથે શોભાયાત્રા નીકળી
ભારતના પ્રથમ ખાનગી સ્પેસ મિશનના ’વિક્રમ’ રોકેટ માટે કંટ્રોલ સિસ્ટમ ડિઝાઇન લીડ તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપનાર જામનગર જિલ્લા ના વિભાપર ગામ ની દીકરી પૃથ્વી સંઘાણી પોતાના વતન પરત ફરતાં જામનગર નજીક આવેલા તેમના વિભાપર ગામમાં ઉત્સાહભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના ગ્રામજનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને બેન્ડવાજા, ડીજે અને શોભાયાત્રા સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા પૃથ્વી સંઘાણી ને પુષ્પહાર પહેરાવી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. પૃથ્વીની આ આંતરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિથી સમગ્ર વિભાપર ગામમાં ભવ્ય આતશબાજી સાથે આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. ગામના સ્થાનિકોએ તેમને યુવાનો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત ગણાવી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.મિશન અંગે વાત કરતા પૃથ્વી સંઘાણીએ જણાવ્યું હતું કે, “આ મિશન માત્ર મારા એક માટે નહીં, પરંતુ આખા ભારત દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. સ્કાયરૂટ એરોસ્પેસ ભારતની પ્રથમ એવી પ્રાઇવેટ કંપની છે જેણે પોતાના પ્રથમ જ પ્રયાસમાં પ્રાઇવેટ લોન્ચ વ્હીકલ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. હું છેલ્લા 5 વર્ષથી આ વ્હીકલ પર કામ કરી રહી હતી. ડિઝાઇનિંગ વખતે મોટી જવાબદારી હોવાથી મનમાં ખૂબ ડર હતો, પરંતુ સફળ લોન્ચિંગ બાદ દેશનું નામ રોશન થતાં અપાર ખુશી અનુભવાઈ હતી.”
પોતાના ભણતર અને સફર વિશે વિગતો આપતા તેમણે જણાવ્યું કે શાળાકીય શિક્ષણ કે.જી.થી 10 મી સુધીનું ભણતર સેન્ટ ઝેવિયર્સ (જામનગર) અને 11 મું-12 મું સાયન્સ પી.વી. મોદી સ્કૂલમાંથી પૂર્ણ કર્યું. આત્મિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, રાજકોટમાંથી ’ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ ક્ધટ્રોલ’ વિષયમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજીમાંથી એરોસ્પેસ (ગાઇડેડ મિસાઇલ સ્પેશિયલાઇઝેશન) માં માસ્ટર્સ પૂર્ણ કર્યું. તેમણે ઉમેર્યું કે સ્પેસ ફીલ્ડમાં જવું એ અગાઉથી નક્કી કરેલો પ્લાન નહોતો, પરંતુ શિક્ષકો, પરિવાર અને માતા-પિતાના પ્રોત્સાહન તેમજ ડેસ્ટિની (નસીબ) ના કારણે તેઓ આ ક્ષેત્ર સુધી પહોંચ્યા છે. તેમણે ડી.આર.ડી.ઓ. ને પોતાનું પ્રોફેશનલ “પહેલું ઘર” ગણાવ્યું હતું, જ્યાંથી તેમને પોતાના ટેકનિકલ જ્ઞાનને ઇન્ડસ્ટ્રીમાં યોગ્ય રીતે એક્ઝિક્યુટ કરવાના સંસ્કાર મળ્યા.
ભવિષ્યની ચિંતા કર્યા વિના તકનો ફાયદળો ઉઠાવો
પ્રાઇવેટ સ્પેસ સેક્ટર વિશે ચર્ચા કરતા તેમણે ઉમેર્યું કે, ઈસરો ની સાથે ખંભેથી ખંભો મિલાવીને ચાલવા માટે આજે ઘણી ખાનગી કંપનીઓ આગળ આવી રહી છે, જે ભારતના સ્પેસ સેક્ટર અને દેશની ઝડપી પ્રગતિ માટે ખૂબ જ સકારાત્મક પગલું છે. વિદ્યાર્થીઓ અને યુવા પેઢીને પ્રેરણા આપતા કહ્યુ: હતું કે”શાળામાં કલ્પના ચાવલા વિશેનો પાઠ વાંચીને મને એસ્ટ્રોનોટ બનવાની ઈચ્છા થઈ હતી. ભલે હું એસ્ટ્રોનોટ ન બની, પણ મને સ્પેસ ક્ષેત્રે કામ કરવાનો શ્રેષ્ઠ મોકો મળ્યો.” “દુનિયામાં કોઈ પણ વ્યક્તિને અગાઉથી ખબર નથી હોતી કે એણે જીવનમાં આગળ શું કરવાનું છે. તેથી ભવિષ્યની ચિંતા કર્યા વિના સામે આવતી દરેક તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો અને મહેનત કરો. ક્યારેય પોતાના પર શંકા ન કરો અને નિષ્ફળતાના ડરથી પ્રયત્ન કરવાનું ન છોડો.”