Jai Hind

રાજ્યમાં વરસાદનું જોર ઘટયું: 103 તાલુકામાં 3 ઇંચ સુધી પાણી પડ્યું

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાડંબર વચ્ચે ઝાપટા વરસ્યા કાલથી બે દિવસ તોફાની વરસાદની અંબાલાલ પટેલની આગાહી

રાજયમાં અનરાધાર વરસ્યા બાદ વરસાદનું જોર ધીમુ પડયું છે. રવિવારે રાજયના 103 તાલુકામાં ઝાપટાથી લઇને સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાડંબર વચ્ચે ઝાપટા વરસ્યા હતા. તો બીજી તરફ કાલથી તોફાની વરસાદના નવા રાઉન્ડની હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે. રવિવારે બનાસકાંઠા, વાવ-થરાદ, વલસાડ, ડાંગ જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવવાનું યથાવત રાખ્યું હતું. વલસાડના કપરાડામાં 3.3પ, બનાસકાંઠાના અમીરગઢમાં 1.8પ, વલસાડના નાના પોંઢામાં 1.46, વાવ-થરાદના લાખાણીમાં 1.38, ડીસામાં 1.18, ડાંગમાં 1.18 ઇંચ વરસાદ વરસ્યો છે.
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં રવિવારે સવારના ભાગમાં વરાપ નીકળ્યો હતો. બપોરથી આકાશમાં કાળા વાદળાનું જોર રહયું હતું. આમા આખો દિવસ મેઘાડંબર રહયો હતો. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર જિલ્લાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાંપટા વરસ્યા હતા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તા.28 જુલાઈએ ગુજરાતથી ઉત્તર તરફ હાલની વરસાદી સિસ્ટમ ખસી જવાથી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે.
બંગાળની ખાડીમાં એક નવી લો પ્રેશર સિસ્ટમ આકાર લઈ રહી છે. આ સિસ્ટમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાંથી પસાર થઈને ગુજરાત તરફ આગળ વધશે. જેના કારણે રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. તા.28 થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ઓગસ્ટની શરૂઆતથી 12 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તથા તા.9 થી 10 ઓગસ્ટ દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ આવશે. તો બીજી તરફ હવામાન વિભાગે આગામી પ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તા.ર8 અને તા.ર9 એ રાજયના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે હળવાથી મઘ્યમ વરસાદ વરસશે. તા.30મીએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદનું જોર રહેશ. છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યેલો એલર્ટ અપાયું છે. તા.31 મીએ અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, બોટાદ, આણંદ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કરાયું છે.