એક જ ગામમાં ઉછરેલી, સાથે રમેલી, ભણેલી અને લગ્ન બાદ વિખૂટી પડેલી સખીઓનું ફરી એક વાર વર્ષો બાદ લાગણીસભર મિલન
સમય બદલાય છે, સંજોગો બદલાય છે, સરનામા બદલાય છે… પરંતુ બાળપણમાં બંધાયેલા સ્નેહના સંબંધો ક્યારેય બદલાતા નથી. વર્ષો પહેલાં એકજ ગામમાં સાથે ઉછરેલી, સાથે રમેલી, સાથે ભણેલી અને લગ્ન બાદ જીવનની નવી સફરમાં અલગ-અલગ શહેરો અને રાજ્યોમાં સ્થાયી થયેલી પ્રેમપરા (ધારી) ગામની દીકરીઓ અનેક દાયકાઓ પછી, ફરી એકવાર એક જ મંચ ઉપર ભેગી થઈ હતી, ત્યારે લાગણીઓનો એવો પ્રવાહ સર્જાયો કે અનેક બહેનોની આંખોમાં ખુશીના આંસુઓ આવી ગયા.
યાદોના આંગણે સખી સંગમ મહોત્સવ” – પ્રેમપરા (ધારી) ગામની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સમારોહ મોટા વરાછા, સુરત ખાતે અત્યંત ભવ્ય, સુવ્યવસ્થિત અને યાદગાર રીતે યોજાયો હતો.
સ્નેહમિલનમાં માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યમાંથી પણ બહેનોએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી, જે કાર્યક્રમની સફળતા અને પ્રેમપરા (ધારી) પ્રત્યેના અતૂટ લાગણીસભર સંબંધનું સુંદર પ્રતિબિંબ બન્યું. તેમજ બાળપણની યાદોને તાજી કરતી અનેક પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળપણમાં રમાતી રમતો ફરી રમતા દરેક બહેન જાણે વર્ષો પાછળ પોતાના બાળપણમાં પહોંચી ગઈ હોય એવો આનંદ અનુભવી રહી હતી. ત્યારબાદ સૌએ ઉત્સાહપૂર્વક રાસ અને ગરબાનો આનંદ માણ્યો અને સમગ્ર વાતાવરણ રંગીન બની ગયું.
સમારોહના દાતા જગદીશભાઈ રણછોડભાઈ વાડદોરીયા, દાતા કુંદનબેન રમણીકભાઇ બોધરા, દયાબેન બાબુભાઈ પટોળિયા, મૂકતાબેન પોપટભાઈ કોરાટ, ઝંખના રતિભાઈ કોરાટ, આરતીબેન જગદીશભાઈ વાડદોરિયા સહીત વિવિધ દાતાશ્રીનો વિશેષ સન્માન કરીને તેમના ઉદાર સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. તેમજ મહિલાઓના યોગદાનને બિરદાવવા માટે “નારી શક્તિ સન્માન” યોજાયું અને વિવિધ રીતે સહયોગ આપનાર અન્ય દાતાઓ અને શુભેચ્છકઓનું પણ સન્માન કરવામાં આવ્યુ.
સ્નેહમિલનને સફળતાના શિખરે પહોંચાડવામાં આયોજક ટીમના અસ્મિતાબેન ધીરુભાઈ અકબરી, આરતીબેન જગદીશભાઈ વાડદોરીયા, નિરલબેન જયંતીભાઈ રંગાણી, ક્રિષ્નાબેન પ્રફુલભાઈ વાડદોરીયા, ગીતાબેન ચતુરભાઈ વાડદોરીયા, રંજનબેન નનુભાઈ બાબરીયા, હંસાબેન છગનભાઈ બાબરીયા, સુનીતાબેન બાબુભાઈ બાબરીયા, મનીષાબેન મજેઠીયા, મેનાબેન પરસોતમભાઈ હિરાણી, હિરલબેન ઘનશ્યામભાઈ પટોળીયા નો વિશેષ અને અવિસ્મરણીય ફાળો રહ્યો હતો.
તમામ બહેનોએ સાથે મળીને સ્નેહભોજનનો આનંદ માણ્યો તેમજ કાર્યક્રમના સમાપન પ્રસંગે આયોજન સમિતિ દ્વારા સૌનો હૃદયસ્પર્શી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.”સખી સ્નેહમિલન”ને સફળ બનાવવા માટે આયોજન, સંકલન અને દરેક નાની-મોટી જવાબદારી નિષ્ઠાપૂર્વક તથા નિ:સ્વાર્થ ભાવે નિભાવનાર તમામ બહેનોના અમૂલ્ય યોગદાનને સમગ્ર સભાએ તાળીઓના ગડગડાટ સાથે બિરદાવ્યું હતું.