Jai Hind

ચૂંટણી ખર્ચનો હિસાબ આપવામાં બેદરકાર સૌરાષ્ટ્રના 44 નેતા વિરુદ્ધ આયોગમાં ફરિયાદ

સૌથી વધારે ગોંડલના 19, વાંકાનેરના 11 ચૂંટાયેલા પ્રતિનિધિનો સમાવેશ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવા હોદેદારોની વરણી પણ કરી દેવામાં આવી છે. ઉપરાંત શાસનને પણ ત્રણ-ચાર મહિના જેટલો સમય વિતવા છતાં ચૂંટાયેલા ઉમેદવારોએ ચૂંટણી ખર્ચની અપુરતી વિગતો રજૂ કરતા સૌરાષ્ટ્રના 44 સહિત રાજ્યભરના 168 હોદેદારો સામે આયોગમાં સામાજીક કાર્યકર સંતોષસિંહ રાઠોડ દ્વારા ફરિયાદ કરતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.
આયોગમાં થયેલી ફરિયાદમાં સૌરાષ્ટ્રના 44 નેતાઓનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે ગોંડલ પાલિકાના 19, ધ્રાંગધ્રાના 11, વાંકાનેરના 6, મહુવાના 4, અમરેલીના 3 અને કેશોદના 1 હોદેદારો સામે ફરિયાદ થઈ છે.
ફરિયાદ મુજબ, રાજ્ય ચૂંટણી આયોગના તા. 16 જાન્યુઆરી, 2009ના આદેશ અને ત્યારબાદના સુધારેલા નિયમો અનુસાર ચૂંટણી લડનારા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યાની તારીખથી ચૂંટણી પરિણામ જાહેર થયાની તારીખ સુધીના ચૂંટણી ખર્ચના સાચા અને પ્રમાણિક હિસાબો જાળવવાના હોય છે. જેમાં રોજબરોજનું ખર્ચ રજિસ્ટર, ખર્ચનું તારીખ પત્રક અને ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવાનું સોગંદનામું સામેલ છે. આ દસ્તાવેજો ચૂંટણી પરિણામ જાહેર થયાના એક મહિનાની અંદર સંબંધિત ચૂંટણી અધિકારીને જમા કરાવવાના હોય છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ, ભારતના બંધારણની કલમ 243ઊં અને 243ણઅ હેઠળ રાજ્ય ચૂંટણી આયોગને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું સ્વતંત્ર રીતે સંચાલન, દેખરેખ અને નિયંત્રણ કરવાની સત્તા છે. ચૂંટણી અધિકારીઓની જવાબદારી છે કે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારો પાસેથી ચૂંટણી ખર્ચના હિસાબો અને એફિડેવિટ મેળવી તેની વિગતો રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ પર અપલોડ કરે. જે ઉમેદવારો નિયત સમયમર્યાદામાં હિસાબ રજૂ ન કરે તેમને નોટિસ આપવાની અને સંતોષકારક જવાબ ન મળે તો નિયમ મુજબ આગળની કાર્યવાહી માટે જિલ્લા કલેક્ટરને જાણ કરવાની જોગવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ફરિયાદકર્તા સંતોષસિંહ રાઠોડે રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ માગ કરી છે કે ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ ન કરનારા તમામ 168 ચૂંટાયેલા પ્રતિનિધિઓને તાત્કાલિક નોટિસ આપી, નિયમ મુજબની કાર્યવાહી બાદ છ વર્ષ માટે ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. સાથે જ ફરજમાં નિષ્ઠા દાખવવામાં નિષ્ફળ ગયેલા 18 ચૂંટણી અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ માગ કરવામાં આવી છે.