Jai Hind

ગુજરાતીઓએ 6 માસમાં 3804 કરોડનું સોનુ વેચીને ‘કમાણી’ કરી લીધી

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો રિપોર્ટ: જુના સોના સામે નવા દાગીના ખરીદનારા લોકોની પણ મોટી સંખ્યા

વેપાર-ધંધામાં ગુજરાતીનો દબદબો જાણીતો છે. દુરંદેશીભર્યા અને સાહસિક નિર્ણયો તેમને સફળતા અપાવે છે. સોનાની તેજી-મંદીમાં પણ જાણે આવું જ બન્યું હોય તેમ છેલ્લા છ મહિનામાં ગુજરાતીઓએ 3804 કરોડનું સોનુ ઉંચાભાવે વેચીને કમાણી કરી લીધી હતી.
સોનાના ભાવમાં છેલ્લા કેટલાંક મહિનાઓ દરમ્યાન મોટી ઉથલપાથલ થઇ હતી અને ત્યારે ઉંચાભાવનો લાભ લઇને સંખ્યાબંધ ગુજરાતીઓએ ઘરનું સોનુ વેચી નાખ્યું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રીપોર્ટ પ્રમાણે જાન્યુઆરીથી જુનના છ માસ દરમિયાન ભારતીયોએ પણ 4 ટન સોનાનું વેચાણ કર્યું હતું.
ઇન્ડિયા બુલીયન એન્ડ જ્વેલર્સ એસોસીએશનના અંદાજ પ્રમાણે ભારતના કુલ સોનામાં 5 ટકા ગુજરાતમાં છે. ગુજરાતના લોકો સોનાને લાંબાગાળાની સંપત્તિ-ઇન્વેસ્ટમેન્ટ ગણતા હોય છે. મીનીટોમાં તે વેચીને રોકડા નાણાં મળી શકતા હોવાથી તેનો મોહ વધુ હોય છે. જો કે, રોકડ નાણાંની જરૂરીયાત માટે સોનુ વેચવાનો ટ્રેન્ડ ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા ઓછો છે. સોનાની દાગીનાની ખરીદી વખતે પણ ગુજરાતીઓની માનસિકતા ઇન્વેસ્ટમેન્ટની વધુ હોય છે છતાં ભાવ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચ્યા એટલે ઘણા લોકોએ તે વેચીને કમાણી કરી લીધી હતી. ગુજરાત કરતા દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, તામીલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને પંજાબમાં જુના સોનાનુ વેચાણ વધુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 29 જાન્યુઆરીએ સોનાનો 10 ગ્રામનો ભાવ 1.79 લાખના રેકોર્ડસ્તરે પહોંચ્યો હતો. જ્યારે ઉંચાભાવે લોકો વેચાણ કરવા આકર્ષાયા હતા.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રીપોર્ટ મુજબ સોનાને લાંબા ગાળાની સંપત્તિ તરીકે જ લક્ષ્યમાં લેનારા લોકોએ, જો કે રોકડ નાણાં પરત લેવાના બદલે નવા દાગીના મેળવવાનું વલણ અપનાવ્યું હતું અથવા સોના પર લોન મેળવી હતી. ઉંચાભાવે પણ સોનુ રાખી જ મુકનારો વર્ગ પણ મોટો છે.