Jai Hind

ખોટી રીતે વસૂલાયેલી સ્ટેમ્પ ડયુટી પરત નહી અપાય તો… નાયબ કલેકટર સામે પૂર્વ કૃષિમંત્રી બેચરભાઈ ભાદાણીની આમરણાંત ઉપવાસની ચીમકી


અનેક રજૂઆતો છતા કોઈ જવાબ ન અપાયાનો આરોપ

ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી બેચરભાઈ વિરજીભાઈ ભાદાણીએ અમરેલીના કલેક્ટરને લેખિત રજૂઆત કરીને નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી 10 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 10 વાગ્યાથી કલેક્ટર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
તેઓએ રજૂઆતમાં જણાવ્યા મુજબ ટીંબલા ગામની ખેતીની જમીન સંબંધિત હક્ક નોંધના સ્ટેમ્પ ડ્યુટીના કેસમાં તેમણે 17 એપ્રિલ, 2026ના રોજ અરજી કરી હતી. અનેક રજૂઆતો છતાં ત્રણ મહિના બાદ ચલણ તૈયાર કરીને 3 ઓગસ્ટે આપવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. વધુમાં, વારસાઈ અને બિનઅવેજી સંમતિથી થયેલા વ્યવહારમાં સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડતી ન હોવા છતાં ખોટી રીતે ચલણ બનાવાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બેચરભાઈ ભાદાણીએ રજૂઆતમાં એવો પણ દાવો કર્યો છે કે આ અંગે લેખિત રજૂઆતો અને રૂબરૂ રજૂઆત છતાં કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. ઉપરાંત રાજ્યના ઊર્જા મંત્રી તેમજ અમરેલીના સાંસદ દ્વારા કરાયેલી ભલામણોને પણ ધ્યાને લેવામાં આવી ન હોવાનું તેમણે જણાવ્યું છે.
તેમણે સમગ્ર જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટી સંબંધિત કામગીરીની ઊંડાણપૂર્વક તપાસ કરાવી, નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) સામે કાર્યવાહી કરવાની તેમજ ભૂતકાળમાં ખેડુતો પાસેથી ખોટી રીતે વસૂલ કરાયેલી સ્ટેમ્પ ડ્યુટી વ્યાજ સહિત પરત કરાવવાની માંગણી કરી છે.
આ તમામ માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી 10 ઓગસ્ટથી કલેક્ટર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કરવાની લેખિત જાણ કલેક્ટરને આપવામાં આવી છે. રજૂઆતની નકલો રાજ્યના ઊર્જા મંત્રી, અમરેલીના સાંસદ, એસ.પી., પ્રાંત અધિકારીને પણ મોકલવામાં આવી છે.