સપ્તાહ દરમિયાન તારુણ્ય મનોવિજ્ઞાન, જીવન કૌશલ્ય, ડિજિટલ સંસ્કાર અંતર્ગત માર્ગદર્શન અપાશે
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે તારુણ્ય સપ્તાહ અંતર્ગત સ્પર્શ કાર્યક્રમની રાજ્યવ્યાપી ઉજવણી આવતીકાલથી શરૂૂ થશે. કિશોરાવસ્થામાં શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસને યોગ્ય દિશા મળે તેમજ વિદ્યાર્થીઓમાં જીવનકૌશલ્ય, મૂલ્યનિષ્ઠા અને રાષ્ટ્રીય ચેતનાનો વિકાસ થાય તે હેતુથી સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તારુણ્ય સપ્તાહના પ્રથમ દિવસે ગુજરાત રાજ્યના માનનીય કેબિનેટ શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજા મુખ્ય વક્તા તરીકે રાજ્યના વિદ્યાર્થીઓને તરુણાવસ્થાને સમજીએ વિષય પર પ્રેરણાદાયી સંબોધન કરશે. તેઓ વિદ્યાર્થીઓને નશા અને અન્ય વ્યસનોથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, સદાચાર, શિસ્ત, રાષ્ટ્રપ્રેમ અને જવાબદાર નાગરિક તરીકે ઘડાવા માટે પ્રેરિત કરશે. વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિની નિર્ણાયક ભૂમિકા, આત્મવિશ્ર્વાસ, ચારિત્ર્ય નિર્માણ અને સામાજિક જવાબદારી જેવા મુદ્દાઓ પર પણ તેઓ માર્ગદર્શન આપશે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન તારુણ્યનું મનોવિજ્ઞાન, માનસિક સ્વાસ્થ્ય, જીવનકૌશલ્ય, વ્યક્તિત્વ વિકાસ, ડિજિટલ સંસ્કાર, સાયબર સુરક્ષા, કારકિર્દી માર્ગદર્શન, આરોગ્ય જાગૃતિ, વ્યસનમુક્તિ, મૂલ્યશિક્ષણ અને રાષ્ટ્રીય કર્તવ્યો જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિવિધ ક્ષેત્રોના અનુભવી નિષ્ણાતો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સકારાત્મક જીવનદૃષ્ટિ વિકસાવવાનો, સ્વસ્થ અને જવાબદાર જીવનશૈલી તરફ પ્રેરવાનો તથા તેમને આત્મવિશ્ર્વાસપૂર્ણ અને સશક્ત નાગરિક તરીકે ઘડવાનો છે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગનો આ સંયુક્ત પ્રયાસ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ રાજ્યના કિશોરો અને યુવાનોમાં સ્વસ્થ વિચારસરણી, નૈતિક મૂલ્યો, જીવનકૌશલ્ય અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની જવાબદારીનો ભાવ વિકસાવતી એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે. નશામુક્ત યુવા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે તારુણ્ય સપ્તાહ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે પ્રેરણા અને માર્ગદર્શનનું અસરકારક માધ્યમ બનશે.