તીર્થધામોના દર્શન સાથે દેશભક્તિનો સંદેશ 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોને નમન
નવસારી જિલ્લાના એંધલ ગામના લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર નરેશભાઈ આહીરની અનોખી સાયકલ યાત્રા સૌરાષ્ટ્રમાં આગવી ઓળખ બનાવી રહી છે. દર વર્ષે નવસારીથી સાયકલ પર સૌરાષ્ટ્રની યાત્રાએ નીકળતા નરેશભાઈ આ વખતે 80મા સ્વાતંત્ર્ય પર્વને ધ્યાનમાં રાખીને દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ, એકતા અને સદભાવનાનો સંદેશ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. નરેશભાઈ આહીરે નવસારીથી સાયકલ પર આશરે 1700 કિલોમીટરનો પ્રવાસ ખેડી સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે આગમન કર્યું હતું. વીરપુર પહોંચ્યા બાદ તેમણે પૂજ્ય જલારામ બાપાના ચરણે વંદન કરી દેશની સુખાકારી, શાંતિ અને સરહદ પર દેશની રક્ષા કરી રહેલા જવાનોની સલામતી માટે પ્રાર્થના કરી હતી. નરેશભાઈ દર વર્ષે સાયકલ પર સૌરાષ્ટ્રના વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લે છે. તેમની યાત્રા દરમિયાન વીરપુર, સાળંગપુર, રોહિશાળા, રાજાપરા, કચ્છ, દ્વારકા સહિતના વિવિધ સ્થળોએ પહોંચી તીર્થધામોના દર્શન કરે છે. તેમના માટે આ યાત્રા માત્ર પ્રવાસ નથી, પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક અનુભૂતિ સાથે સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાનો માધ્યમ છે. યાત્રા દરમિયાન તેઓ વિવિધ સ્થળોએ લોકો સાથે મુલાકાત કરી દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને સદભાવનાનો સંદેશ આપે છે. અગાઉની યાત્રા દરમિયાન તેમણે ‘હર ઘર મેં રામ’નો સંદેશ પણ લોકો સુધી પહોંચાડ્યો હતો.
આ વખતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને તેમની સાયકલ યાત્રા ખાસ દેશભક્તિના સંદેશ સાથે જોડાઈ છે. નરેશભાઈએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી સાથે દેશની સરહદો પર દિવસ-રાત ફરજ બજાવતા જવાનોને નમન કર્યું હતું. દેશની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે સરહદ પર તૈનાત તમામ જવાનોની સુરક્ષા અને શક્તિ માટે પ્રાર્થના કરી હતી. આ અનોખી સાયકલ યાત્રા દ્વારા નરેશભાઈ આહીર શ્રદ્ધા અને ભક્તિ સાથે દેશભક્તિ તથા રાષ્ટ્રપ્રેમનો સંદેશ પણ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. સાયકલના પૈડાં સાથે સૌરાષ્ટ્રના તીર્થધામો સુધી પહોંચતો તેમનો આ સંદેશ લોકોમાં દેશપ્રેમ, એકતા અને સદભાવનાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
