ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું 24 સભ્યોનું ડેલીગેશન 2 દિવસ માટે ભાવનગર જીલ્લાની મુલાકાતે પધારેલ. આ મુલાકાત પૈકી તેઓએ અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ અને ભાવનગર શહેરના અગ્રગણ્ય ઔદ્યોગિક એકમ મે.મધુ સિલિકા પ્રા.લી.ની મુલાકાત લીધેલ. ત્યાર બાદ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં હોદ્દેદારો અને મેનેજીંગ કમિટીના સભ્યો સાથે ગેટ ટુ ગેધર- વિચાર વિમર્શનું આયોજન કરવામાં આવેલ.
કાર્યક્રમના પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બરના માનદ્ મંત્રી શ્રીબૈજુભાઈ મેહતાએ શાબ્દિક સ્વાગતની સાથે સાથે સૌરાષ્ટ્ર ચેમ્બરનો વિસ્તૃત પરિચય આપેલ અને બંને શહેરોના વેપાર-ઉદ્યોગના વિકાસ માટે બંને ચેમ્બર સાથે મળીને કામ કરે તેવી લાગણી વ્યક્ત કરેલ.
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં પ્રમુખ તેજસભાઈ શેઠએ તેમના પ્રવચનમાં જણાવેલ કે ભાવનગર અને સુરત બંને શહેરો આર્થિક અને સામાજિક રીતે ગાઢ રીતે સંકળાયેલા છે. બંને ચેમ્બરોના કેટલાક પ્રશ્નો પણ કોમન છે જેમ કે ભાવનગર- દિલ્હી વાયા સુરત એર કનેક્ટિવિટી, ભાવનગર- સુરત વંદે ભારત ટ્રેન શરૂ થાય તે માટે બંને ચેમ્બર તરફથી પ્રયત્નો થવા જોઈએ. વધુમાં તેઓએ જણાવેલ કે હાલમાં સુરતમાં એમએસએમઈ તેમાય ખાસ કરીને ટેકસટાઇલ ઉદ્યોગમાં એક્સપાન્સન થઇ રહેલ છે જો આ એક્સપાન્સન ભાવનગર ખાતે કરવામાં આવે તો લેન્ડ અને લેબર ખુબ જ સરળતાથી અને ઓછા રેટથી મળી શકે છે. આ ઉપરાંત તેઓએ સૌરાષ્ટ્ર ચેમ્બર તરફથી ટ્રેડ એકસ્પોનું આયોજન કરવામાં આવે ત્યારે અને ભાવનગર ખાતે ક્ધવેશન સેન્ટરની સ્થાપના થાય તે બંને બાબતમાં સુરત ચેમ્બર તેમના બહોળા અનુભવના આધારે મદદ અને માર્ગદર્શન આપે તેવી આશા વ્યક્ત કરેલ. આ પ્રસંગે ચેમ્બરના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ સોનીએ પણ બંને ચેમ્બર સંકલનથી કામ કરશે તો બંને શહેરોના વેપાર- ઉદ્યોગ અને સર્વાંગી વિકાસને ગતી મળશે તેમ જણાવેલ.
સુરત ચેમ્બરના માનદ્ મંત્રી પરેશભાઈ લાઠીયાએ કલ્પસર યોજના સાકાર થાય તે માટે સહિયારા પ્રયત્નો કરીએ અને સાથે સાથે ઔદ્યોગિક વિકાસને ગતી મળે તે માટે પ્રયત્નશીલ રહીએ તેમ જણાવેલ.
આ પ્રસંગે બંને ચેમ્બરના ઉપસ્થિત સભ્યોએ પરસ્પર પરિચય મેળવેલ અને વિચાર વિમર્શ કરેલ. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ ચેમ્બરના માનદ્ મંત્રી જીગ્નેશભાઈ સવાણીએ કરેલ.
