22 સપ્તાહના ગર્ભને લઈ અરજી ,જૂનાગઢ સિવિલમાં નિષ્ણાત તબીબી ટીમ બનાવી પ્રક્રિયા હાથ ધરવા આદેશ
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મના કેસમાં ગર્ભપાતની મંજૂરી માટે કરવામાં આવેલી અરજી પર મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યો છે. ઉના તાલુકાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ઇગજ તથા પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાયેલી આ ઘટનામાં પીડિતા 22 સપ્તાહના ગર્ભવતી હોવાનું તબીબી તપાસમાં સામે આવ્યું હતું. હાઇકોર્ટે તબીબી નિષ્ણાતોના અભિપ્રાય અને પીડિતાના હિતને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવાની મંજૂરી આપી છે.
અરજીમાં સગીરાના 22 સપ્તાહના ગર્ભને સમાપ્ત કરવાની મંજૂરી માંગવામાં આવી હતી. આ મામલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબોની પેનલ દ્વારા પીડિતાની તપાસ કરવામાં આવી હતી. તબીબી તપાસ બાદ સગીરાને 22 અઠવાડિયાનો ગર્ભ હોવાનું સ્પષ્ટ થયું હતું.તબીબી ટીમના રિપોર્ટમાં કાયદાકીય જોગવાઈ ઓને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની પ્રક્રિયા કરી શકાય તેમ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ રિપોર્ટ સહિત ના તબીબી અને કાયદાકીય પાસાઓને ધ્યાનમાં લઈને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી હતી. હાઇકોર્ટે પોતાના આદેશમાં પીડિતાના બંધારણીય અધિકારોને મહત્વ આપ્યું હતું. ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ દરેક વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. પોતાના શરીર અને પ્રજનન સંબંધિત નિર્ણયોમાં વ્યક્તિની સ્વાયત્તતાને પણ આ અધિકાર સાથે જોડવામાં આવી છે.દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાના પરિણામે સગીરાને અનિચ્છનીય ગર્ભ ધારણ કરવાની સ્થિતિમાં રાખવી તેના માટે ગંભીર માનસિક અને શારીરિક પીડાનું કારણ બની શકે છે. આ સંજોગો ને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે પીડિતાના શ્રેષ્ઠ હિતને પ્રાથમિકતા આપી છે. હાઇકોર્ટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલને જરૂરી તબીબી વ્યવસ્થા અને પૂરતી કાળજી સાથે ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટને સિનિયર ગાયનેકોલોજિસ્ટ, ફિઝિશિયન, એનેસ્થેટિસ્ટ અને મનોચિકિત્સક સહિતના નિષ્ણાતોની ટીમ તાત્કાલિક તૈયાર કરવા આદેશ કરવામાં આવ્યો છે. પીડિતા સગીરા હોવાને કારણે સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેની શારીરિક સ્થિતિની સાથે માનસિક સ્થિતિ અને સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે તે અંગે હાઇકોર્ટે જરૂરી સૂચનાઓ આપી છે.હાઇકોર્ટે ગર્ભપાત ની પ્રક્રિયા દરમિયાન બાળક જીવિત જન્મે તેવી સ્થિતિ માટે પણ સ્પષ્ટ વ્યવસ્થા કરી છે. આવી સ્થિતિ સર્જાય તો હોસ્પિટલ દ્વારા બાળકને જરૂરી અને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવાની રહેશે. જો પીડિતા બાળકને સ્વીકારવા ઇચ્છતી ન હોય, તો રાજ્ય સરકારે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ લાગુ પડતી જોગવાઈઓ અનુસાર બાળકની સંભાળ અને સુરક્ષાની જવાબદારી સંભાળવાની રહેશે આ કેસમાં પોલીસ તપાસને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે વૈજ્ઞાનિક પુરાવા જાળવવા અંગે પણ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. તપાસ અધિકારીને જરૂરી પ્રક્રિયા અનુસાર ગર્ભમાંથી જરૂરી ટિશ્યુ સેમ્પલ એકત્રિત કરાવી ડીએનએ પરીક્ષણ માટે સાચવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સેમ્પલનો ઉપયોગ કેસની તપાસમાં વૈજ્ઞાનિકપુરાવા તરીકે થઈ શકે છે અને આરોપી અંગેની તપાસમાં ડીએનએ પરીક્ષણ મહત્વપૂર્ણ પુરાવા તરીકે ઉપયોગી બની શકે છે.આ સમગ્ર મામલે હાઇકોર્ટે એક તરફ સગીરા દુષ્કર્મ પીડિતાના સ્વાસ્થ્ય, માનસિક સ્થિતિ અને ગૌરવપૂર્ણ જીવનના અધિકારને ધ્યાનમાં લીધો છે, તો બીજી તરફ પોલીસ તપાસ માટે જરૂરી વૈજ્ઞાનિક પુરાવા જળવાઈ રહે તે માટે પણ વ્યવસ્થા કરી છે. હાઇકોર્ટના આદેશ બાદ હવે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબી ટીમની દેખરેખ હેઠળ જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલે પીડિતાની ઓળખ અને ગોપનીયતા જાળવવાની કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.
