આજે કેબિનેટમાં રાજયને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરાય તો આંદોલનનો બીજો તબક્કો

ખંભાળીયામાં ચોથા દિવસે આપનો દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા ટ્રેકટર લઇને પહોંચ્યા

ખંભાળિયાના પાદરમાં ખેડૂત નેતા ઈસુદાન ગઢવી છેલ્લા ચાર દિવસથી અનિશ્ચિતકાળના ધારણા પર બેઠા છે. આ ધારણાનો આજે ચોથો દિવસ હતો. મુખ્ય ચાર માંગો સાથે ઈસુદાન ગઢવી ધરણા પર બેઠા હતા અને એમની સાથે સાથે હજારોથી વધુ ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને તેમને સમર્થન આપ્યું હતું. હાલ સરકારે બે જિલ્લામાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે.
આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની સાથે આજે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયા અને મહિલા નેતા જીગીશા પટેલ સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતો અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તથા કાર્યકર્તાઓએ એકસૂરે સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને અછતગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખંભાળિયા ખાતે આયોજિત ’દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ માં જામનગર, દ્વારકા અને પોરબંદર સહિત રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોની ગંભીર પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે જ્યારે કુદરત સાથ નથી આપી રહી ત્યારે સરકારે ખેડૂતોની પડખે ઊભા રહેવું જોઈએ, પરંતુ કમનસીબે સરકારે પણ ખેડૂતોને આકાશ અને જમીન વચ્ચે નિરાધાર છોડી દીધા છે. અત્યારે આ જિલ્લાઓમાં લાખો એકર જમીન અને લાખો ખેડૂતોની હાલત અત્યંત ખરાબ છે, સત્યાગ્રહના ચોથા દિવસે હજારો ખેડૂતો સ્વયંભૂ આંદોલનમાં જોડાઈ રહ્યા હોવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. ખેડૂતો કોઈ વૈભવી માંગણીઓ નથી કરી રહ્યા, માત્ર પોતાના હકના વળતરની માંગ કરી રહ્યા છે. પરંતુ સરકાર ખેડૂતોને દુષ્કાળગ્રસ્ત રાહત આપવાના બદલે સરપંચો, કર્મચારીઓ, અધિકારીઓ અને પોલીસને ધમકાવીને આ આંદોલનને દબાવવાનો પ્રયાસ કરી રહી કુવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. બુધવારની કેબીનેટ બેઠકમાં રાજયને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરાય તો આંદોલનના બીજા તબક્કાની જાહેરાત કરાશે. ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતને બાદ કરતા લગભગ સમગ્ર ગુજરાતમાં નહિવત અથવા એકદમ ઓછો વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતે બિયારણ, ખાતર, પાણી, દવા, મજૂરી બધાનો ખર્ચો કરી નાખ્યો છે હવે જો પાક સુકાઈ જાય તો ગુજરાતભરના ખેડૂતોને કરોડોનું નુકસાન થાય એમ છે, એટલે સરકાર દુષ્કાળ જાહેર કરે અને ખેતી કરનાર લોકોને તથા ભાગ્યાઓને, મજૂરોને સરકાર મદદ કરે તો એક આર્થિક સંકટ ટાળી શકાય એમ છે. આ જ માંગ સાથે આપના નેતા અને ગુજરાતભરના ખેડૂતોનો અવાજ ઉઠાવનાર ઈસુદાન ગઢવીએ ’દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ શરૂ કર્યો છે. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહે છે અને પોતાનો સુર પુરાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ