રાજ્યભરમાં પરમિટ ધારકોને આજથી ફિંગર પ્રીન્ટના બદલે ફેસરિડિંગથી મળશે દારૂ

સમયાંતરે ફરિયાદો ઉઠતા નશાબંધી આબકારી વિભાગ દ્વારા નવી પદ્ધતી અમલમાં મુકાઈ

ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં કાયદેસર પરમિટ ધરાવતા નાગરિકોને નિર્ધારિત નિયમો અને કોટા મુજબ લિકર આપવામાં આવે છે. અત્યાર સુધી અનેક વાઇન શોપ પર પરમિટ ધારકોની ઓળખ ફિંગરપ્રિન્ટના આધારે કરવામાં આવતી હતી. આ પ્રક્રિયા અંગે સમયાંતરે ફરિયાદો ઊઠતી હોવાના પગલે વધુ પારદર્શક અને ટેકનોલોજી આધારિત વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે જેમાં ફિંગરપ્રિન્ટના બદલે ચહેરાની ઓળખ (ફેસરિડીંગ)થી દારૂ આપવામાં આવશે. રાજ્યમાં હેલ્થ સહિત વિવિધ કેટેગરી હેઠળ 55 હજારથી વધુ પરમિટ ધારકો હોવાનું જણાવાય છે. નવી સિસ્ટમના અમલ બાદ પરમિટ ધારકની ઓળખ ચહેરાના આધારે થશે અને લિકર વિતરણની વિગતો ડિજિટલ સિસ્ટમમાં નોંધાશે. પરિણામે કયા પરમિટ ધારકે કઈ તારીખે અને કયા વાઇન શોપ પરથી લિકર મેળવ્યું તેની માહિતી સિસ્ટમ મારફતે ઉપલબ્ધ થઈ શકશે. આ વ્યવસ્થાથી એક જ પરમિટનો દુરુપયોગ અટકાવવા, ખોટી ઓળખના કિસ્સા ઘટાડવા અને લિકર વિતરણની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા વધારવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે. નવી સિસ્ટમના અપડેટ અને અમલીકરણની કામગીરીને કારણે 31 ઓગસ્ટના રોજ રાજ્યના મોટી સંખ્યામાં વાઇન શોપ બંધ રાખવામાં આવી હતી અને નવી ટેકનોલોજીનું ઇન્સ્ટોલેશન, સિસ્ટમ અપડેટ તથા ઓનલાઈન મોનિટરિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. જોકે, વાઇન શોપ બંધ રહેવાના કારણે કેટલાક પરમિટ ધારકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને ઓગસ્ટ મહિનાનો કોટો મેળવવાનો સમય પૂરો થવાના કારણે કેટલાક પરમિટ ધારકોનો કોટો વપરાયા વગર રહી ગયો હતો. રાજ્યના ગૃહ વિભાગ હેઠળ આવતા આબકારી અને નશાબંધી વિભાગ દ્વારા લિકર વિતરણની વ્યવસ્થામાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવાની દિશામાં આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. નવી સિસ્ટમનો મુખ્ય હેતુ પરમિટ ધારકોની ઓળખ વધુ ચોક્કસ બનાવવાની સાથે લિકર વિતરણમાં થતી સંભવિત ગેરરીતિ પર નિયંત્રણ લાવવાનો હોવાનું માનવામાં આવે છે. આજથી કઊખજની નવી વ્યવસ્થા કાર્યરત થયા બાદ તેની અસરકારકતા કેટલી રહે છે અને પરમિટ ધારકોની જૂની ફરિયાદોનો કેટલો ઉકેલ આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

રિલેટેડ ન્યૂઝ