Jai Hind

ભાદરવે જામ્યો માહોલ: સૌરાષ્ટ્ર-કચ્છમાં 4 ઇંચ સુધીનો વરસાદ

ઘોઘામાં પોણાચાર, સાવરકુંડલા-ભાવનગર- ભેંસાણમાં બે ઇંચ વરસાદ વરસ્યો

ભાદરવા માસના પ્રારંભે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘસવારીનું આગમન થઇ ચુકયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં શનિવાર રાત્રીથી મેઘ માહોલ સર્જાયો હતો. રવિવારે રાજકોટમાં ઝાપટા વરસ્યા હતા તો અમેરલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ ભાવનગરના ઘોઘામાં પોણા ચાર ઇંચ નોંધાયો છે. જયારે સાવરકુંડલા-ભાવનગર- ભેંસાણમાં બે ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ભાદરવા માસના પ્રારંભે જ રાજયમાં એકી સાથે ચાર ચાર સિસ્ટમ સક્રીય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજયના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શનિવારે મોડી રાત્રીથી રાજકોટ, જુનાગઢ, ભાવનગર, ઉના, સોમનાથ સહીતના પંથકમાં ધીમે ધીમે વરસાદ વરસ્યો હતો.
રવિવારે વહેલી સવારથી રાજકોટ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, સાવરકુંડલા, ભેંસાણ, મેંદરડા સહીતના વિસ્તારોમાં મેઘાવી માહોલ સર્જાયો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અમરેલી, ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જયારે રાજકોટ શહેરમાં આખો દિસ ધ્રાબળીયા વાતાવરણ વચ્ચે સમયાંતરે ઝાપટા વરસ્યા હતા.
અમરેલી
અમરેલીના લાઠી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. ધારી, દામનગર, સાવરકુંડલા, બાબરા, બગસરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ આશાનું કિરણ જાગ્યું હતું. ખાસ કરીને બાબરા પંથકમાં મોડી રાતથી સવાર સુધી સતત ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બાબરા શહેર ઉપરાંત દરેડ, જામ બરવાળા, ખાખરીયા, પાનસેડા અને ગરણી સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો. લાંબા સમયથી વરસાદ ખેંચાતા પાકને નુકસાનની ભીતિ વચ્ચે વરસેલા વરસાદથી ખેડૂતોને હાશકારો થયો હતો. કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાક માટે હાલનો વરસાદ ઉપયોગી સાબિત થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વરસાદના કારણે મુરઝાતી મોલાતોને ખાસ કરીને રાહત મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
બાબરા પંથકમાં સારા વરસાદને પગલે કેટલાક સ્થળોએ રોડ-રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. બાબરાના કરિયાણા રોડ પર પાણી ભરાયા હતા. જ્યારે પથિકા આશ્રમ પાછળ આવેલા શહીદ ચોક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી વરસાદી પાણી સાથે રોડ પર આવી જતાં રાહદારીઓ અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમરેલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ચક્કરગઢ, દેવાળિયા, કણકોટ સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સાવરકુંડલા, ધારી, લાઠી, રાજુલા, ખાંભા અને બગસરા સહિતના તાલુકાઓમાં પણ વરસાદના અહેવાલો મળ્યા હતા. રાજુલા તાલુકાના વિકટર, માંડળ અને ડુંગર સહિતના ગામોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખાંભા-ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતાં ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી હતી. બગસરા અને સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં પણ ધીમીધારે વરસાદ પડતાં લાંબા વિરામ બાદ મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી.
વડિયા પંથકમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદનું આગમન થયું હતું. વડિયા શહેરમાં ધોધમાર વરસાદને પગલે રોડ-રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. પંથકમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ ખાબકતાં લાંબા સમયથી વરસાદની વાટ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
ભાવનગર
ભાવનગર શહેર તેમજ સમગ્ર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ ગાજવીજ સાથે પધરામણી કરી છે. શનિવારે રાતથી શરૂ થયેલી મેઘમહેર રવિવારે સવાર સુધી ચાલુ રહી હતી, જેમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ઘોઘા તાલુકામાં પોણા ચાર ઈંચ (82 મિ.મી.) અને ભાવનગર શહેરમાં બે ઈંચ (48 મિ.મી.) નોંધાયો છે. શનિવાર રાતથી રવિવાર સવાર સુધીમાં નોંધાયેલા વરસાદી આંકડા પર નજર કરીએ તો ઘોઘામાં 82 મિ.મી., ભાવનગરમાં 48 મિ.મી., તળાજામાં 41 મિ.મી. અને 14 મિ.મી., પાલીતાણામાં 32 મિ.મી., સિહોરમાં 30 મિ.મી., મહુવામાં 19 મિ.મી., ઉમરાળામાં 15 મિ.મી., ગારિયાધારમાં 14 મિ.મી. અને વલભીપુરમાં 6 મિ.મી. વરસાદ નોંધાયો છે. હજુ પણ વરસાદી માહોલ હોય તથા વરસાદની આગાહી હોય વરસાદ પડવાની પૂરી સંભાવના છે. તળાજી નદીના ઉપરવાસમાં ત્રણેક ઇંચ જેટલો વરસાદ વરસતા ખેતરો પાણીમાં તરબોળ થયા હતા. તળાજી નદીમાં નવા નીર વહેતા થયા હતા.
જુનાગઢ
જુનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં લાંબા સમયથી મેઘરાજા રૂષણા લઈને લઈને બેસી ગયા હતા. જેના કારણે ધરતીપુત્રો ભારે મૂંઝાયા હતા. કારણ કે, પોતાની નરે આંખે રાત દી એક કરીને ધરતીમાંથી ઉછરાવેલા પાક સુકાવાની અણી ઉપર આવી ગયા હતા, અને આંખ ઉપર હાથ માંડીને મેઘો વર્ષે તેની રાહ જોઈ બેઠા હતા. તે દરમિયાન રવિવારે સવારથી જ જૂનાગઢ શહેર સહિત જિલ્લાના અમુક તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યાના વાવડે મળી રહ્યા છે. જો કે, આજે પણ જરૂરિયાત મુજબનો વરસાદ થવા પામ્યો નથી. પરંતુ મહદ અંશે આ હળવા વરસાદ સુકાતા મોલ માટે નવજીવન રૂપ સાબિત થશે તેવું માની રહ્યા છે. અને આકાશમાં હજુ પણ ઘટાડોપ વાદળો છવાયેલા છે ત્યારે વરસાદ થશે તેવી આશા ખેડૂતોમાં જન્મી છે.
દરમિયાન તંત્ર દ્વારા પ્રાપ્ત થયેલા સાંજના 6 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદના આંકડા મુજબ, માણાવદરમાં 2 મીમી; વંથલીમાં 8 મીમી; જુનાગઢમાં 29 મીમી; ભેસાણમાં 47 મીમી; વિસાવદરમાં 20 મીમી; મેંદરડામા 30 મીમી, કેશોદમાં 13 મીમી, માંગરોળમાં 18 મીમી તથા ગિરનાર ઉપર 12 મીમી વરસાદ સત્તાવાર રીતે નોંધાયો છે. આ જોતા ઘણા સમય બાદ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આજે સૌથી વધુ બે ઇંચ તથા જૂનાગઢમાં દોઢ ઇંચ અને મેંદરડા તથા માંગરોળમાં સવા ઇંચ વરસાદ થતાં ખેડૂતોમાં હરખની હેલી મહદંશે જોવા મળી રહી છે. જો કે, આજે પણ જિલ્લાના માણાવદરમાં માત્ર ત્રણ મીમી વરસાદ થતાં માણાવદરના ખેડૂતો હજુ પણ ચિંતાની બહાર આવ્યા નથી.
સાવરકુંડલા
સાવરકુંડલા તાલુકામાં શનિવારે રાતથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. તાલુકાના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા અંદાજે બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. લાંબા સમય બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના કારણે રસ્તાઓ ભીંજાઈ ગયા હતા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી.
બાબરા
બાબરા પંથકમાં શનિવારે રાત્રી અને રવિવારે દિવસ દરમ્યાન વાતાવરણ માં પલટો આવ્યા બાદ સામાન્ય વરસાદ ના છાટા રૂપે 20 મીમી જેટલો બપોર સુધી માં વરસાદ નોંધાયો હતો છેલ્લા એક મહિના ઉપરાંત થી આ વિસ્તાર માં મેઘરાજા રિસાયા હતા અને ઉભાપાકો પાણી વિના મુરજાવા લાગ્યા હતા છાટા રૂપી વરસાદ થી ઉભાપાકો માં સામાન્ય લાભ દેખાયો છે હાલ વાતાવરણ માં ઠંડક પ્રસરી છે.
માળીયા હાટીના
માળિયા હાટીના વિસ્તારમાં રવિવારે સવારથી જ વાદળિયા વાતાવરણ સાથે વરસાદ શરૂ થયો છે. બે દિવસ ના સખત બફારા બાદ માળીયા હાટીના લાઠોદરા, કડાયા, ભંડુરી, ગાળો દર સહિત અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે.
મેંદરડા
લાંબા સમયના વિરામ બાદ આજે મેંદરડા પંથકમાં મેઘરાજાએ ફરી પધરામણી કરી હતી. આજે આશરે 1 થી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદને કારણે શહેરના વિવિધ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ખેતી પાકને પણ રાહત મળવાની આશા ખેડૂતોમાં જાગી છે.
ગોંડલ
ગોંડલ માં વહેલી સવારે વરસાદ નાં જાપટા વરસ્યા બાદ રાત્રીનાં આઠ કલાકે ધીમી ધારે વરસાદ વરસતા રાજમાર્ગોપર પાણી ભરાયા હતા.અર્ધો ઇંચ વરસાદ નોંધાયો છે.
વઢવાણ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળીમાં પોણા બે ઇંચ અને ચુડામાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે. સાયલા, થાનાગઢ, લિંબડી, વઢવાણ પંથકમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. મુળી તાલુકામાં 44, ચુડા તાલુકામાં 30, સાયલામાં 11, થાનગઢમાં 8, લીંબડી અને વઢવાણમાં 5-5, ધ્રાંગધ્રા-ચોટીલામાં 2-2 મીમી વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ રાજયના સુપ્રસિધ્ધ એવા તરણેતરના મેળાનો આજથી પ્રારંભ થવાનો છે.ત્યારે વરસાદ વરસતા મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતા.

જુનાગઢ-અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો: મુરઝાતા પાકને જીવતદાન મળ્યું

જાફરાબાદ બંદરે ભયસૂચક 3 નંબરનું સિગ્નલ લાગ્યું : દરિયો તોફાની બન્યો
જાફરાબાદ બંદર ખાતે મેરીટાઈમ બોર્ડ વિભાગ દ્વારા 3 નંબરનું ભય સુચક ચેતવણી સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. દરિયામાં કરંટ વધતા ઊંચા મોજાં ઉછળી રહ્યા છે, જેના કારણે માછીમારો અને દરિયાકાંઠાના લોકો માટે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.જાફરાબાદ દરિયાકાંઠે અરબી સમુદ્ર માં સક્રિય બનેલા ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે.હવામાન વિભાગની આગાહીના પગલે જાફરાબાદ બંદર પર મેરીટાઈમ બોર્ડ વિભાગે 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવ્યું છે. આજે સવારથી જ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાઈ પાણીમાં ભારે હિલોળા સાથે ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. દરિયાની સ્થિતિ સામાન્ય દિવસોની સરખામણીએ વધુ ઉગ્ર બનતા બંદર તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

હળવદના માથક ગામની સીમમાં વીજળી પડતા માતા-પુત્રના મોત
હળવદ તાલુકાના માથક ગામની સીમમાં આજે દુ:ખદ ઘટના સામે આવી છે.વાડીમાં કામ દરમિયાન માતા પુત્ર પર અચાનક વીજળી પડતા બંનેના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ, હળવદના માથક ગામે આવેલ માધવ ગોકળભાઈની વાડીમાં ખેતમજૂરીનું કામ કરી મનકુબેન નાયકા (ઉંમર 28 વર્ષ) અને તેમનો ચાર વર્ષનો પુત્ર શ્યામને સાથે રાખી વાડીમાં મગફળીના પાકમાં પિયત કરી રહ્યા હતા.તે દરમિયાન અચાનક વીજળી પડતાં બંને ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.ઘટનાની જાણ થતાં બંનેના મૃતદેહોને ચરાડવા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.