Jai Hind

ભાદરવે અષાઢી માહોલ: ઉના-ગીરગઢડા પંથકમાં સાડાચાર ઈંચ વરસાદથી માનવ મન મહેકયા

શિંગોડા નદી બે કાંઠે વહેતી થઈ: ખેતરોના ઉભા પાકને મળ્યું નવજીવન: ગણપતિજીની સ્થાપના વચ્ચે વરસાદી માહોલ છવાતા સર્જાયો ભકિત અને પ્રકૃતિનો સંયોગ

ઉના-ગીરગઢડા પંથકમાં લાંબા સમયના વરસાદીવિરામ બાદ આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી સમગ્ર પંથકને ધમરોળી નાખ્યો હતો. સવારથી જ આકાશમાં વાદળોની જમાવટ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારબાદ વરસાદનું જોર અચાનક વધતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાદરવા મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હોય તેમ સતત વરસાદથી શહેરથી લઈ ગ્રામ્ય પંથક સુધી રસ્તાઓ ભીંજાઈ ગયા હતા અને ઠેર-ઠેર પાણી વહેતા થયા હતા.
લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભેલા પાકને લઈને ખેડૂતો ચિંતિત બન્યા હતા. ખાસ કરીને વરસાદની તાતી જરૂરિયાત વચ્ચે મેઘરાજાએ આજે મહેર કરતાં ખેડૂતોના ચહેરા પર ફરી ખુશી છવાઈ હતી. પંથકમાં અંદાજે ચાડાચાર ઈંચ જેટલો વરસાદ નોંધાતા મુરઝાતા પાકને જીવનદાન મળવાની આશા જાગી છે. સમગ્ર પંથકમાં મેઘમહેરથી ખેતરોમાં નવા પ્રાણ ફૂંકાયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
ધોધમાર વરસાદના પગલે પંથકની નદી-નાળાઓમાં નવા નીર આવવાની શરૂઆત થઈ હતી. ખાસ કરીને શિંગોડા નદીમાં પાણીનો પ્રવાહ વધતાં નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદી-નાળાઓમાં પાણી આવતા ગ્રામ્ય વિસ્તારોમાં હરિયાળી ફરી છવાશે અને ખેતીના પાકને ફાયદો થશે તેવી આશા ખેડૂતોમાં બંધાઈ છે. વરસાદનું જોર યથાવત્ રહે તો અન્ય નદી-નાળાઓમાં પણ પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે. નાંદરખથી સાનખડા-ગાંગડા , ગીરગઢડા, ધોકડવા, નવાબંદર, સૈયદ રાજપરા, સહિત ગીર વિસ્તાર અને કંઠાળ સુધી મેઘરાજાની મહેર રહી છે
ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે જોરદાર હાજરી પુરાવી હતી. નાંદરખ, મોઠા, આમોદ્રા, ગાંગડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધતાં રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી ખેડૂતોમાં નવી આશા જાગી છે.ગીરગઢડા તાલુકામાં પણ મેઘરાજાએ હેત વરસાવતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી. સિઝન દરમિયાન અત્યાર સુધીમાં ઓછો વરસાદ પડતાં ખેતીના પાકને લઈને ચિંતા હતી. ત્યારે આજે થયેલા વરસાદથી પાકને જરૂરી ભેજ મળવાની સાથે આગામી દિવસોમાં વધુ સારોવરસાદથાયતોખેતીને મોટો ફાયદો થવાની શક્યતા છે
આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે ઠેર-ઠેરગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી રહી હતી. એક તરફ વરસાદ વરસી રહ્યો હતો અને બીજી તરફ ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે લોકો વરસાદમાં પલળતા પલળતા ગણેશજીની મૂર્તિ લઈને પંડાલો સુધી પહોંચ્યા હતા. વરસાદ વચ્ચે જ વિવિધ સ્થળોએ વિધિવત્ પૂજા-અર્ચના સાથે ગણપતિબાપ્પાનીસ્થાપના કરવામાં આવતા પંથકમાં ભક્તિ અને વરસાદી માહોલ નો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
સવારથી શરૂ થયેલા વરસાદ અને ત્યારબાદ વધેલા જોરના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદી માહોલથી લોકોને પણ રાહત મળી હતી. શહેરના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા, જ્યારે ગ્રામ્યવિસ્તારો માં ખેતરો અને વાડીઓમાં પણ પાણી પહોંચતાં ખેડૂતો માં ખુશી જોવા મળી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભેલા પાક પર સંકટના વાદળો ઘેરાયા હતા. ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવા સમયે આજે પડેલા ધોધમાર વરસાદે મુરઝાતી મોલાત ને જીવનદાન આપ્યું છે. જોકે ખેડૂતોના મતે માત્ર એક વરસાદથી ચિંતા સંપૂર્ણ દૂર થતી નથી અને આગામી દિવસોમાં પણ સારો અને સતત વરસાદ જરૂરી છે.
હાલ પંથકમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત્ છે અને કેટલાક વિસ્તારોમાં અંધાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદનું જોર વધતા નદી-નાળામાં પાણીનો પ્રવાહ વધુ તેજ બનવાની શક્યતા હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા તકેદારી રાખવી જરૂરી બની છે. મેઘરાજા આગામી દિવસોમાં પણ મન મૂકીને વરસે અને ભાદરવો સારો જાય તેવી આશા સાથે ખેડૂતો સહિત સમગ્ર પંથકના લોકોની નજર હવે આકાશ તરફ મંડાઈ છે.