Jai Hind

અમદાવાદ-રાજકોટ હાઈ-વે પર એસએમસીનો દરોડો બલદાણા પોલીસે દારૂ ભરેલ ક્ધટેનર ઝડપ્યું 1.25 કરોડનો દારૂ અને મુદ્દામાલ મળ્યો 2 શખ્સની ધરપકડ : ચાર આરોપીની શોધખોળ

સ્ટેટ મોનિટરિંગ સેલની હાઈવે પર ત્રાટકતી કાર્યવાહી, કુલ રૂા.1.25 કરોડનો મુદ્દામાલ કબજે; બે ઝડપાયા, ચાર આરોપીઓ વોન્ટેડ…ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓના પગલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી કાર્યવાહી કરી છે. વઢવાણ પોલીસ સ્ટેશનની હદમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર બલદાણા ગામ નજીક જય દ્વારકાધીશ ટી સ્ટોલ સામેના ભાગેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એચ. રાઠોડની ટીમે લીંબડીથી રાજકોટ તરફ જતા હાઈવે પર દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની આશરે 555 પેટી, જેમાં કુલ 20,976 બોટલ હોવાનું સામે આવ્યું છે, કબજે કરવામાં આવી હતી. પકડાયેલા દારૂના જથ્થાની કિંમત રૂા.94,84,140 જેટલી હોવાનું પ્રેસ નોટમાં જણાવાયું છે.
દારૂના જથ્થા ઉપરાંત ટીમે એક વાહન, મોબાઇલ ફોન, રોકડ રકમ સહિતનો અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. આમ, સમગ્ર કાર્યવાહીમાં કુલ રૂા.1,25,35,111નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
દરોડા દરમિયાન પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં હરિયાણાના યમુનાનગરના રહેવાસી જોગાનસિંહ સુંદરિસિંહ ભગિયાણા (જાટ) તથા ભિવાની જિલ્લાના રહેવાસી નરેશ મદનલાલ શર્મા (પંડિત)નો સમાવેશ થાય છે. જ્યારે સમગ્ર પ્રકરણમાં વધુ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ મામલે વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ગુનો નં.11211055260607/2026 હેઠળ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(અ)(ઊ), 81, 83, 98(2) અને 116(ઇ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. કુલ છ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અમદાવાદ-રાજકોટ હાઈવે મારફતે દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ખળભળાટ મચાવ્યો છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની કડીઓ મેળવવાની કાર્યવાહી આગળ ધપાવી છે.