Jai Hind

ભાદરવા માસે અષાઢી માહોલ: ઉના, ગીરગઢડા, તાલાળા, ડોળાસા, સાવરકુંડલામાં મેઘમહેર

તાલાળા પંથકમાં દોઢથી બે ઇંચ, ઉનામાં 1.5, ગીરગઢડામાં 3 ઇંચ, ડોળાસામાં અઢી ઇંચ, સાવરકુંડલામાં 2 ઇંચ વરસાદ વરસતા ઘરતીપુત્રોમાં આનંદ છવાયો

ઘણા સમયથી મેઘરાજા સૌરાષ્ટ્રમાં જુદાજુદા પંથકમાં મહેરબાની કરી રહ્યા છે. ભાદરવી માસે અષાઢી માહોલ છવાયો છે. ઉનામાં 1.5, તાલાલા પંથકમાં 1.5થી 2 ઇંચ, ગીર ગઢડામાં અઢી ઇંચ, સાવરકુંડલામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાના વાવડ છે. રાજકોટ શહેરમાં પણ ધાબળીયુ વાતાવરણ અને છુટક છુટક વાછટીયો વરસાદ વરસ્યો હોવાના સમાચાર છે.
તાલાલા પંથકમાં દોઢથી બે ઇંચ મુશળધાર વરસાદ
તાલાલા તાલુકાનાં ગીરના જંગલની બોર્ડર ઉપર આવેલ ગામડામાં આજે બપોર બાદ મુશળધાર વરસાદ ખાબકતા અનેક ગામોના નાનાં-મોટા વોંકળા છલકાઈ ગયા હતાં.
વિવિધ ગામમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા પંથકની જીવાદોરી સમાન ગીરના જંગલમાં આવેલ કમલેશ્વર ડેમ ઉપર બે ઇંચ ઉપરાંત જંગલ વિસ્તારનાં ગામો જેવા કે લુશાળા ગીર,જશાપુર ગીર,અમૃતવેલ,મોરૂકા ગીર,વાડલા ગીર,શિરવાણ,રસુલપરા ગીર,આંકોલવાડી ગીર,બામણાસા ગીર વિગેરે 15થી પણ વધુ ગામડામાં બપોર બાદ મુશળધાર દોઢથી બે ઇંચ વરસાદ ખાબકતાં અનેક ગામડાના વોંકળા છલકાઈ ગયા હતાં.કમલેશ્વર ડેમના ઉપરવાસમાં પણ મુશળધાર વરસાદ પડતા ડેમમાં આ વર્ષના પ્રથમ શુકનવંતા નવા નીર આવવાની આશા બંધાઈ છે.
ઉના માં 1.5 ઇંચ જ્યારે ગઢડા માં 3 ઇંચ થી વધુ વરસાદ
ઉના શહેર સહિત ગીરગઢડા વિસ્તારના ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર જોવા મળી હતી. બપોરે પડેલા ધોધમાર વરસાદથી રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતાં જોવા મળ્યાં હતાં. વરસાદના કારણે શહેરમાં ભાદરવા મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. ઉના માં ધોધમાર વરસાદ વરસતા 1.5 ઇંચ વરસાદ વરસી ગયેલ જ્યારે ગીર ગઢડા માં લાંબા સમય થી વરસાદ ની ચાતક નઝરે રાહ જોવાતી હતી અને આજે ધોધમાર 3 ઇંચ થી વધુ વરસાદ વરસી જતા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો તે સીવાય જંગલ વિસ્તાર માં આવેલ બાબરીયા માં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો તેમજ થોરડી ગામ માં પણ વ્યાપક વરસાદ ને પગલે ગામ નજીક થી પસાર થતી સાંગાણી નદીમાં વરસાદ ની સિઝન માં પ્રથમ વખત ઘોડાપૂર આવતા ગ્રામજનો એ રાહત અનુભવી હતી તે સીવાય ઉના તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં પણ મેઘરાજા મન મૂકી ને વરસતા નદી નાળા માં નવા નીર ની આવક શરૂ થવા પામેલ છે.અને ગીર ગઢડા નજીક પસાર થતી રૂપેણ નદી માં પણ નવા નીર વહેતા જોવા મળ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં આવેલા છ તાલુકાઓ પૈકી ગીરગઢડા તાલુકામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સ્થાનિક વિગતોમાં જણાવાયું છે. અત્યાર સુધીમાં તાલુકામાં આશરે 16 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ઓછા વરસાદને કારણે ખેડૂતો ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને ખેતી માટે જરૂરી વરસાદ સમયસર ન પડતાં ધરતી પુત્રોમાં ચિંતા જોવા મળી રહી છે.
ઉનાના ભડીયાદરમાં વરસાદી પાણીના ભરાવથી લોકો મુશ્કેલીમાં!
ઉના તાલુકાના ભડીયાદર ગામે બપોર બાદ પડેલા ભારે વરસાદને પગલે ગામના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ગામમાં ઠેરઠેર પાણી ભરાતાં જાણે તળાવ ભરાયાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં ભડીયાદર ગામમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ગામના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગિરગઢડામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ
ચોમાસાની આખરી ઘડીએ ગિરગઢડા પંથકમાં મેઘરાજાએ ફરી મહેર વરસાવી છે. આજે બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે દિવસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ ત્રણ ઈંચ વરસાદ નોંધાતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
બે કલાક સુધી પડેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ અને બજારોમાં પાણી વહેતા થયા હતા. લાંબા વિરામ બાદ સારો વરસાદ થતાં જાણે ચોમાસું ફરી બેઠું હોય તેવો માહોલ સર્જાયો હતો. વરસાદના કારણે ખાસ કરીને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. પાકને પાણીની જરૂરિયાતના સમયે મળેલા આ વરસાદથી ખેતી પાકને જીવતદાન મળ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
ગીર ગઢડામાં 3 ઇંચ જેટલો નોંધાયો હતો,સાથે મછુન્દ્રી ડેમ ઝાંખિયા ખાતે 2 ઇંચ વરસાદ થયો હતો અને ડેમમાં 15 સેન્ટીમીટર પાણીની આવક થઈ હતી.
ડોળાસા વિસ્તારમાં વધુ અઢી ઇંચ વરસાદ
ડોળાસા વિસ્તાર મા આજે સાતમા દિવસે પણ મેઘરાજા ની અમી વર્ષા ચાલુ રહી છે. આજે વધુ 64 મી.મી.વરસાદ નોંધાયો છે.ડોળાસા થી પસાર થતી ચંદ્રભાગા નદીમાં પાણી નો પ્રવાહ ચાલુ થયો છે.
ડોળાસા અને આજુબાજુ ના ગામોમાં તા.12-9 થી વરસાદ નુ આગમન થયું હતું.જે અમી વર્ષા આજે પણ વર્ષી હતી.આજે વહેલી સવાર ના ચાર વાગ્યા થી ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો.જે છ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો.ફરી દસ વાગ્યા થી બપોર ના એક વાગ્યા સુધી વરસાદ વરસ્યો હતો.જે 25 મી.મી.નોંધાયો હયો.ફરી સાંજ ના સાડા ત્રણ થી સાડા ચાર વાગ્યા સુધી ધોધમાર વરસ્યો હતો. જે વરસાદ 39 મી.મી.નોંધાયો હતો. આમ આજે 64 મી.મી.( અઢી ઇંચ ) વરસાદ થયો છે. તા.12 થી 18 સુધી મા તેર ઇંચ વરસાદ થયો છે. મોસમ નો કુલ વરસાદ 803 મી.મી.( 32 ઇંચ ) થયો છે. ખેડૂતો અને લોકોમાં હર્ષ ની લાગણી છવાઈ છે.
સાવરકુંડલા પંથમા બે ઇંચ જેટલો વરસાદ
સાવરકુંડલા તાલુકામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી. વહેલી સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયા બાદ વરસાદ શરૂ થયો હતો. સવારથી વરસેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
સાવરકુંડલા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સતત વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમીમાંથી લોકોને મોટી રાહત મળી હતી.
લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આજનો વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે. વરસાદના અભાવે પાકને નુકસાનની ચિંતા વચ્ચે સારો વરસાદ વરસતા ખેતી પાકને નવજીવન મળવાની આશા જાગી છે. જેને પગલે ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.
હળવદનો શક્તિ સાગર (બ્રાહ્મણી-2) ડેમ 100% ભરાયો
હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી-2) ડેમ રૂલ લેવલ મુજબ 100% ભરાઈ ગયો છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ હોવાથી જળસ્તર જાળવી રાખવા માટે વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, ડેમની સપાટી જાળવવા માટે હાલમાં ડેમનો 1 દરવાજો 6 ઇંચ જેટલો ખોલવામાં આવ્યો છે, જેના માધ્યમથી 435 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિને પગલે તંત્ર દ્વારા નીચાણવાસમાં આવતા તમામ ગામોના લોકોને સાવચેત રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.
લોકોને આગમચેતીના પગલાં લેવા, નદીના પટમાં કોઈપણ પ્રકારની અવરજવર ન કરવા તેમજ પોતાની માલમિલકત તથા ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા માટે અપીલ કરવામાં આવી છે.
ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાસમાં આવતા કુલ 9 ગામોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે. આ એલર્ટ કરાયેલા ગામોમાં સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર અને માનગઢ ગામનો સમાવેશ થાય છે. આ તમામ ગામોના નાગરિકોને નદીકાંઠા વિસ્તારથી દૂર રહેવા જણાવાયું છે.