સરકારે માત્ર ચાર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરી ખેડૂતોની મશ્કરી કરી : અમીત ચાવડા

રાજ્યમાં ખેડૂતોની કથળતી સ્થિતી, અપૂરતો વરસાદ, સરકારની નીતિ સામે રાજકોટમાં કોંગ્રેસના કિસાન અધિકાર ધરણા

ગુજરાતમાં કથળતી ખેડૂતોની સ્થિતિ, અપૂરતો વરસાદ અને સરકારની નીતિઓ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં ’કિસાન અધિકાર ધરણાં’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના ત્રિકોણબાગ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ધરણા પ્રદર્શન યોજાયા હતા. નેતાઓએ માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના નિર્ણયને મશ્કરી સમાન ગણાવી રાજ્યના ઓછા વરસાદવાળા જિલ્લા-તાલુકાઓને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરી, યોગ્ય વળતર અને ખેડૂતોના તમામ દેવા માફ કરવાની સહિતની પાંચ માગ કરી છે.
અમિત ચાવડાએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં આ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો થયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકાર દ્વારા માત્ર ચાર જ જિલ્લાઓમાં અછત કે દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે, જે કિસાનોની ખુલ્લેઆમ મશ્કરી સમાન છે. ખેડૂતો લાંબા સમયથી ઓછો વરસાદ હોવાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે અને અછત જાહેર કરવાની માગ કરી રહ્યા છે, પરંતુ સરકાર કોઈ જ નક્કર પગલાં લેતી નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં લોકો માટે પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બનશે, ત્યારે મૂંગા પશુઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા ક્યાંથી થશે તે એક મોટો પ્રશ્ન છે. ભૂતકાળમાં કોંગ્રેસ સરકારોએ જ્યારે પણ દુષ્કાળ આવ્યો ત્યારે ટ્રેનો દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચાડ્યું હતું, પરંતુ વર્તમાન સંવેદનશીલતા વિહોણી સરકાર પાસે આ બાબતે કોઈ જ પૂર્વ આયોજન નથી.
અમિત ચાવડાએ સીધો આક્ષેપ કર્યો કે, સરકાર ઉદ્યોગપતિઓના હજારો-કરોડો રૂપિયાના દેવા માફ કરી દે છે, પરંતુ અન્નદાતા ગણાતા ખેડૂતોના દેવા માફ કરતી નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ખેડૂતો માત્ર વાયદાઓ નહીં, પરંતુ રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા અગાઉ પણ વિધાનસભામાં, રેલીઓ યોજીને અને આવેદનપત્રો આપીને અનેકવાર અવાજ ઉઠાવવામાં આવ્યો છે. જો સરકાર દ્વારા આગામી સમયમાં ખેડૂતો અને પશુધનની સુરક્ષા માટે કોઈ પગલાં નહીં ભરાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ