સોમવારથી વિરપુર જલારામ મંદિર, અન્નક્ષેત્ર બંધ

21મીએ જલારામની જયંતિ સાદાઈથી ઉજવાશે

(પ્રતિનિધિ દ્વારા) વિરપુર તા.20
કોરોના વાયરસે દરેક તહેવારની ઉજવણીમાં ધરમૂળથી ફેરફાર કરાવી નાખ્યાં છે જેમાં શનિવારના રોજ પૂજ્ય જલારામબાપાની 221મી જન્મ જયંતિની નિમિતે વીરપુરમાં બાપાની જયંતિ સાદાઈથી ઉજવાશે અને બની શકે તો વીરપુર આવ્યા વગર પોપોતાના ઘરે જ ઉજવણી કરવા ગાદીપતિ દ્વારા ભાવિકોને અપીલ કરવામાં આવી છે.
એક વર્ષ પૂર્વે બાપાની પૂજ્ય જલારામ બાપાની 220મી જન્મ જયંતી અને સદાવ્રતને 200 વ્રત નિમિતે પૂજ્ય મોરારીબાપુની કથાનું આયોજન કરી બાપાની જન્મ જયંતી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી. ચાલુ વર્ષે 221મી જન્મ જયંતી કોરોના વાયરસના સમયમાં આવી છે. અને દિવાળીના તહેવારો બાદ સંક્રમણ પણ ખૂબ વધ્યું હોવાથી બાપાની જન્મ જયંતી સાદાઈથી ઉજવવાનો નિર્ણય ગાદીપતિ દ્વારા લેવામાં આવ્યો છે. દર વર્ષે ગામના જ સેવાભાવી યુવાનો દ્વારા બાપાની જેટલામી જયંતી હોય તેટલા કિલોની કેક બનાવવામાં આવતી અને તે પ્રસાદીરૂપે ભાવિકોને આપવામાં આવતી અને શોભાયાત્રા નીકળતી તેને બદલે દરેક ભાવિકોને ગરમ ઉકાળો આપવામાં આવશે અને શોભાયાત્રા રદ રાખવામાં આવી છે. જ્યારે બાપાના પરિવારજનો દ્વારા વહેલી સવારે બાપાની સમાધિ સ્થળે પૂજા કર્યા બાદ મંદિર દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે જે રાત્રીના સાડા નવ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. અને પ્રસાદ સવારના દસથી રાત્રીના દસ વાગ્યા સુધી આપવામાં આવશે. ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા અને બાપાના પરીવારજન એવા ભરતભાઇ ચાંદરાણી દ્વારા ભાવિકોને અપીલ કરવામાં આવી છે કે બની શકે તો વીરપુર આવ્યા વગર પોતપોતાની ઘરે જ બાપાની જન્મ જયંતીની ઉજવણી કરી લેવી. અને સોમવારથી મંદિર અને અન્નક્ષેત્ર બંને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પુ.બાપાની જન્મજયંતિ હોઇ જલીયાણધામમાં વેપારી મિત્ર મંડળ દ્વારા રોડ રસ્તાઓ તેમજ મેઈન બજારોમાં ધજા, પતાકા તેમજ રોશનીથી શણગારી દિવાળી કરતા પણ વિશેસ શણગાર કરવામાં આવ્યો છે,
વેપારીઓ દ્વારા દુકાનો, હોટેલો તેમજ વીરપુરવાસીઓ દ્વારા ઘેર- ઘેર આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધજાપતાકા, આંગણે રંગોળી, દિવડાઓ તેમજ લાઈટ ડેકોરેશનથી સુશોભીત કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ