આજે પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખરાખરીનો જંગ

નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બ.સ.પા. મેદાને: જિલ્લા-તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી લડત: 728 મતદાન મથકો ઉપર થશે મતદાન: બીજી માર્ચે 4 સ્થળોએ યોજાશે મતગણતરી

(પ્રતિનિધિ દ્વારા)
પોરબંદર, તા.27
આવતીકાલે પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખરાખરીનો જંગ યોજાશે, જેમાં નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બ.સ.પા. મેદાને છે તો જિલ્લા-તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી લડત થશે અને 728 મતદાન મથકો ઉપર મતદાન થશે.
પોરબંદરમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી આવતીકાલે યોજાશે. જેમાં જિલ્લામાં કુલ 728 મતદાન મથકો ઉપર મતદાન થશે. જીલ્લામાં કુલ નોંધાયેલ મતદારોની સંખ્યા પણ વેબસાઇટમાં તંત્ર દ્વારા ઓનલાઇન મુકવામાં આવી છે.
મતદાન મથકોની સંખ્યા
જીલ્લા ચુંટણી અધિકારીના દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજયની ચુંટણી અંતર્ગત ટીમ પોરબંદર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર જીલ્લામાં યોજાનાર તાલુકા પંચાયત ચુંટણી, જીલ્લા પંચાયત ચુંટણી અને નગરપાલિકાની ચુંટણીમાં મતદારો સરળતા અને સુગમતાથી મતદાન કરી શકે તે માટે 728 મતદાન મથકો રાખવામાં આવ્યા છે. જેમાં પોરબંદર તાલુકા પંચાયત ચુંટણી માટે 154 મતદાન મથકો, રાણાવાવ તાલુકા પંચાયત ચુંટણી માટે 59 મતદાન મથકો, કુતિયાણા તાલુકા પંચાયત ચુંટણી માટે 67 મતદાન મથકો તંત્ર દ્વારા ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોરબંદર અને છાંયા નગરપાલિકા વિસ્તારમાં 168 મતદાન મથકો તથા જિલ્લા પંચાયત ચુંટણી માટે 280 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.
પોરબંદર-છાયા નગરપાલિકા મતક્ષેત્રમાં નોંધાયેલ
મતદારોની સંખ્યા
પોરબંદર-છાયા નગરપાલિકામાં કુલ 13 વોર્ડની 52 સીટ પર મતદાન થશે. છે. જેમાં પુરૂષ મતદારો 94894, સ્ત્રી મતદારો 90440 છે. કુલ મતદારોની સંખ્યા 185334 છે.
પોરબંદર તાલુકા પંચાયતમાં નોંધાયેલ મતદારોની સંખ્યા
પોરબંદર તાલુકા પંચાયતમાં કુલ રર બેઠક છે જેમાં પુરૂષ મતદારો 69762, સ્ત્રી મતદારો 64674 છે અને કુલ મતદારો 134436 છે. પોરબંદર તાલુકામાં અડવાણા, બખરલા, બળેજ, દેગામ, ફટાણા, ગરેજ, ગોસા, કડછ, ખાંભોદર, કિંદરખેડા, કુછડી, માધવપુર 1,ર,3, મંડેર, મીંયાણી, મોઢવાડા, નાગકા, ઓડદર, રાતીયા, રોજીવાડા, વિસાવાડા નો સમાવેશ થાય છે.
રાણાવાવ તાલુકા પંચાયતમાં નોંધાયેલ મતદારોની સંખ્યા
રાણાવાવ તાલુકમાં 16 બેઠક છે જેમાં પુરૂષ મતદારો 26046 છે જયારે સ્ત્રી મતદારો 23740 છે. કુલ મતદારો 49786 છે. આ બેઠકમાં અમરદડ-1,ર, બાપોદર, ભોદ, ભોડદર, બીલેશ્ર્વર, બોરડી, ખીરસરા, મોકર, રામગઢ, રાણાકંડોરણા 1,ર, રાણાવડવાળા, ઠોયાણા, વાડોત્રા, વિરપુર નો સમાવેશ થાય છે.
કુતિયાણા તાલુકા પંચાયતમાં નોંધાયેલ મતદારોની સંખ્યા
કુતિયાણા તાલુકામાં 16 બેઠક છે જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 28919 અને સ્ત્રી મતદારોની સંખ્યા 26837 છે. કુલ મતદારો 55756 છે. આ બેઠકમાં ચૌટા, છત્રાવા, દેવડા, ફરેર, ઇશ્ર્વરીયા, કડેગી, ખાગેશ્રી 1,ર, કોટડા, મહીયારી, મહોબતપરા, માંડવા, મોડદર, પસવારી, રોઘડા, સિધપુરનો સમાવેશ થાય છે.
જીલ્લા પંચાયતમાં નોંધાયેલ મતદારોની સંખ્યા
પોરબંદર જીલ્લા પંચાયતમાં કુલ 18 બેઠક છે જેમાં 124727 પુરૂષ મતદારો, 115251 સ્ત્રી મતદારો છે. કુલ મતદારો 239978 નોંધાયા છે. પોરબંદર જીલ્લા પંચાયતમાં અડવાણા, અમરદડ, બખરલા, બળેજ, ચૌટા, દેગામ, ફટાણા, કડછ, ખાગેશ્રી, ખીરસરા, કોટડા, માધવપુર, મહિયારી, મોઢવાડા, ઓડદર, રાણાકંડોરણા 1-ર અને વિસાવાડાનો સમાવેશ થાય છે.
બીજી તારીખે
મંગળવારે મતગણતરી
આ મતદાન બાદ તેની મતગણતરી જિલ્લામાં ચાર સ્થળોએ યોજાશે જેમાં પોરબંદરની પોલીટેકનિક કોલેજમાં નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી થશે, જ્યારે પોરબંદરની માધવાણી કોલેજમાં જિલ્લા પંચાયત અને પોરબંદર તાલુકા પંચાયતની મત ગણતરી થશે.
રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે રાણાવાવ તાલુકા પંચાયતની અને કુતિયાણાની સરકારી હાઈસ્કૂલ ખાતે કુતિયાણા તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી થશે.

રિલેટેડ ન્યૂઝ