રેલ કર્મચારીઓનું પડતર પ્રશ્ર્ને આંદોલન

ડીઆરએમ સાથેની બેઠકમાં ઉકેલની ખાતરી ન મળી

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.27
રેલવે કર્મચારીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ડિઆરએમ કચેરી બહાર પડતર પ્રશ્ર્નોને લઈ આંદોલન કરી રહ્યા હોવા છતાં પણ નિરાકરણ નહીં આવતા આજથી આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યો છે અને હજુપણ કોઈ ન્યાયિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે.આ અંગે આંદોલન કરી રહેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, રેલવે કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો અંગે ડીઆરએમ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.
પરંતુ, ઉકેલની દિશામાં કોઈ હકારાત્મક વલણ જોવા મળ્યું હતું. મઝદુર સંઘના નેતાઓએ જણાવ્યું હતું કે, રેલ્વે તંત્રના નકારાત્મક વલણને કારણે આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે. જેથી આજે સવારથી આમરણાંત ઉપવાસ શરૂ કરાયા છે. વેસ્ટર્ન રેલ્વેના ડિવિઝનલ સેક્રેટરી સહિતના હોદ્દેદારોના નેજા હેઠળ આંદોલનમાં જોડાયેલા રેલ કર્મચારીઓએ ગઈકાલે બપોરે ડીઓએમનો ઘેરાવ કરવા કચેરીએ પહોંચ્યા હતા. ત્યારે આરપીએફના એક જવાન અને મહિલા કર્મચારી વચ્ચે તનાવ ઉભો થયો હતો. એક તબકકે મહિલાને ધકકો મારતા મામલો બિચક્યો હતો અને ભારે હંગામો મચી ગયો હતો. તેમજ રેલ્વે કર્મચારીઓ દ્વારા દાદાગીરી નહીં ચલેગી, તાનાશાહી નહીં ચલેગીના સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ