પોરબંદરમાં શાંતિપૂર્ણ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા) પોરબંદર તા.28
પોરબંદરમાં શાંતિપૂર્ણ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બ.સ.પા. વચ્ચે સીધા જંગમાં તમામ પાર્ટીઓએ વિજયનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.
શરૂઆતમાં ઓછા મતદાન બાદ ગતિથી મતદાન
પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખરાખરીનો જંગ યોજાયો હતો, જેમાં નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બ.સ.પા. મેદાને છે તો જિલ્લા-તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી લડત થઈ હતી અને 728 મતદાન મથકો ઉપર મતદાન થયું હતું. જેમાં શરૂઆતમાં ઓછા મતદાન બાદ ધીમે ધીમે મતદારો મત આપવા માટે બહાર નીકળ્યા હતા. રાજકીય આગેવાનો દ્વારા થયેલી અપીલ અને પ્રયાસો બાદ લોકો લોકશાહીના પર્વને ઉજવવા આગળ આવ્યા હતા અને સાંજ સુધીમાં મતદાનની ગતિ વધી હતી.
ધારાસભ્યનું મતદાન
પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ તેમના પત્ની જ્યોતિબેન બોખીરીયા સાથે પોરબંદરની કે.બી. તાજાવાલા સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું અને નગરપાલિકાની તમામ બાવન સીટો ઉપર અને જિલ્લા-તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાશે તેવો આશાવાદ દર્શાવ્યો હતો. તેમણે એવું જણાવ્યું હતું કે 2015 માં પોરબંદર ન.પા. માં ભાજપના શાસન બાદ થયેલો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે અને લોકોએ વિકાસને મત આપ્યો છે. તેવી જ રીતે આ ચૂંટણીમાં પણ ભાજપનો જ ભગવો લહેરાશે.
અર્જુનભાઈનું મોઢવાડામાં મતદાન
પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગી નેતા અર્જુનભાઈ મોઢવાડીયાએ તેમના વતન મોઢવાડામાં મતદાન કર્યું હતું અને જિલ્લા-તાલુકા પંચાયત સહીત નગરપાલિકામાં પણ કોંગ્રેસ તમામ સીટો ઉપર વિજેતા બનશે અને ભાજપને કારમો પરાજય આપશે, લોકો પરિવર્તન ઝંખી રહ્યા છે તેવો આશાવાદ અર્જુનભાઈ મોઢવાડીયાએ વ્યક્ત કરીને તેમના વતન મોઢવાડામાં મતદાન કર્યું હતું.
આમ આદમી પાર્ટીનો આશાવાદ
પોરબંદર નગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત જ આમ આદમી પાર્ટી લડી રહ્યું છે ત્યારે આપના શહેર પ્રમુખ રામભાઈ ભુતિયાએ એવો આશાવાદ દર્શાવ્યો હતો કે લોકો ભાજપ, કોંગ્રેસથી ત્રસ્ત છે તેથી ત્રીજા મોરચા એવા આમ આદમી પાર્ટીને પૂરેપૂરો અવકાશ છે.
મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત
જીલ્લા ચુંટણી અધિકારીના દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજયની ચુંટણી અંતર્ગત ટીમ પોરબંદર દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પોરબંદર જીલ્લામાં યોજાનાર તાલુકા પંચાયત ચુંટણી, જીલ્લા પંચાયત ચુંટણી અને નગરપાલિકાની ચુંટણીમાં મતદારો સરળતા અને સુગમતાથી મતદાન કરી શકે તે માટે 728 મતદાન મથકો રાખવામાં આવ્યા હતા. જેમાં પોરબંદર તાલુકા પંચાયત ચુંટણી માટે 154 મતદાન મથકો, રાણાવાવ તાલુકા પંચાયત ચુંટણી માટે 59 મતદાન મથકો, કુતિયાણા તાલુકા પંચાયત ચુંટણી માટે 67 મતદાન મથકો તંત્ર દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોરબંદર અને છાંયા નગરપાલિકા વિસ્તારમાં 168 મતદાન મથકો તથા જિલ્લા પંચાયત ચુંટણી માટે 280 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા.
બીજી તારીખે મંગળવારે મતગણતરી
આ મતદાન બાદ તેની મતગણતરી જિલ્લામાં ચાર સ્થળોએ યોજાશે જેમાં પોરબંદરની પોલીટેકનિક કોલેજમાં નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી થશે, જ્યારે પોરબંદરની માધવાણી કોલેજમાં જિલ્લા પંચાયત અને પોરબંદર તાલુકા પંચાયતની મત ગણતરી થશે. રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે રાણાવાવ તાલુકા પંચાયતની અને કુતિયાણાની સરકારી હાઈસ્કૂલ ખાતે કુતિયાણા તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી થશે.
અમુક બુથ ઉપર ટેકનિકલ ખામીને લીધે મતદાન મોડું શરૂ થયું
પોરબંદરના અમુક બુથ ઉપર ટેકનિકલ ખામીને લીધે મતદાન મોડું શરૂ થયું હતું, જેમાં ધારાસભ્ય બોખીરીયા જ્યાં મતદાન કરવા આવ્યા હતા એ જ તાજાવાલા સ્કૂલ બુથ ઉપર 7 વાગ્યાને બદલે 7:31 મિનીટે પહેલો મત પડ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ